આ 3 દિગ્ગજ ક્રિકેટરોએ ભારત અને પાકિસ્તાન બન્ને દેશ વતી રમી ક્રિકેટ

IND-PAK બન્ને માટે મેદાનમાં ઉતરેલા આ ખેલાડીઓને અનોખો છે ઈતિહાસ

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ-2021 માં ભારત પોતાના અભિયાનની શરૂઆત પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચથી કરશે. 24 ઓક્ટોબરે બંને પડોશી દેશો દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સામ-સામે હશે. ભારત અને પાકિસ્તાન હાલમાં આઈસીસી ટુર્નામેન્ટમાં જ એકબીજા સાથે ટકરાય છે.

બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધો 1952 માં દિલ્હીમાં યોજાયેલી ટેસ્ટ મેચથી શરૂ થયા હતા. ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા રસપ્રદ મેચ રમાયા. ખાસ વાત એ છે કે ભારત અને પાકિસ્તાન બંને માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા ત્રણ ખેલાડીઓ હતા. આવું એટલા માટે થયું કારણ કે 1947 માં ભારતના વિભાજન બાદ કેટલાક ખેલાડીઓ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા.

ચાલો જાણીએ આ ત્રણ ખેલાડીઓ કોણ કોણ હતા

1. અબ્દુલ હફીઝ કારદાર : અબ્દુલ હાફીઝ કારદારને પાકિસ્તાન ક્રિકેટના પિતા માનવામાં આવે છે. કારદારે ભારત અને પાકિસ્તાન બંને માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી. તેમણે ભાગલા પહેલા ભારત માટે 3 ટેસ્ટ મેચ અને 1947 માં ભાગલા પછી પાકિસ્તાન માટે 23 ટેસ્ટ મેચ રમી હતી.

પાકિસ્તાનની પ્રથમ 23 ટેસ્ટ મેચમાં કારદારે ટીમની કેપ્ટનશીપ કરી હતી. કારદારે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 1958 માં વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી. ખાસ વાત એ છે કે તેની કેપ્ટનશીપમાં તેણે ટેસ્ટ રમતી દરેક ટીમ સામે પાકિસ્તાનને જીત અપાવી હતી. 26 ટેસ્ટ મેચમાં, કારદારે 23.76 ની સરેરાશથી 927 રન બનાવ્યા અને 21 વિકેટ લીધી.

2. આમીર ઇલાહી : ભારત અને પાકિસ્તાન બંને માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર ખેલાડીઓમાં અમીર ઇલાહીનું નામ પણ નોંધાયેલું છે. ઇલાહીએ પોતાની કારકિર્દીની શરૂઆત એક મધ્યમ ઝડપી બોલર તરીકે કરી હતી, પરંતુ બાદમાં તે લેગ સ્પિનર ​​બન્યો. તેણે 1947 માં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં ભારત માટે એકમાત્ર ટેસ્ટ રમી હતી. પછી ભાગલા પછી તે પાકિસ્તાન ગયો અને 1952 માં પાકિસ્તાન ટીમ માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું. પોતાની કારકિર્દીમાં ઈલાહીએ કુલ 6 ટેસ્ટ મેચ રમી અને 7 વિકેટ પોતાના નામે કરી હતી.

3. ગુલ મોહમ્મદ : એક તેજસ્વી બેટ્સમેન હોવા ઉપરાંત, ગુલ મોહમ્મદ એક ઉત્તમ બોલર અને ફિલ્ડર હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે તેને 1946 માં સિનિયર ટીમમાં સ્થાન મળ્યું હતું. મોહમ્મદે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. આ પછી ગુલ મોહમ્મદે ભારત માટે વધુ 7 ટેસ્ટ મેચમાં ભાગ લીધો. આ દરમિયાન તેણે પાકિસ્તાન ટીમ સામે બે ટેસ્ટ મેચ પણ રમી હતી.

પછી ગુલ મોહમ્મદે 1955 માં પાકિસ્તાનમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો. આ પછી, તે કરાચીમાં ઓસ્ટ્રેલિયા સામે 1956 ની ટેસ્ટ મેચમાં પાકિસ્તાન ટીમનો પણ એક ભાગ બન્યો, જે મેચ પાકિસ્તાને 9 વિકેટે જીતી લીધી હતી. જોકે, ઓસ્ટ્રેલિયા સામેની આ મેચ ગુલ મોહમ્મદની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સાબિત થઈ હતી. ગુલ મોહમ્મદે 9 ટેસ્ટ મેચમાં 12.81 ની સરેરાશથી 205 રન બનાવ્યા ઉપરાંત બે વિકેટ લીધી હતી.

YC