ટિકિટ કલેક્ટરથી લઇને ઓલંપિકમાં બ્રોન્ઝ મેડલ સુધીની સફર…જાણો કોણ છે ઇતિહાસ રચવાવાળો સ્વપ્નિલ કુસાલે

માતા સરપંચ, પિતા શિક્ષક…ટિકિટ કલેક્ટર દીકરાનો અચૂક નિશાનો- ટિકિટ કલેક્ટરથી લઇને ઓલંપિકમાં બ્રોન્ઝ મેડલ સુધીની સફર…

પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગમાં ભારતને વધુ એક મેડલ આવ્યો જેમાં આ વખતે સ્વપ્નિલ કુસાલેએ પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સમાં 451.4ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. ઓલિમ્પિકના ઈતિહાસમાં સ્વપ્નિલ આ ઈવેન્ટમાં મેડલ જીતનાર ભારતનો પહેલો એથ્લેટ પણ બની ગયો છે. આ ઓલિમ્પિકમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. પુણેના 28 વર્ષિય સ્વપ્નિલ માટે અહીં સુધીની સફર આસાન નહોતી.

એક સમયે રેલવેમાં કલેક્ટરની નોકરી કરનાર સ્વપ્નિલે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની પાસેથી પ્રેરણા લાધી છે. સ્વપ્નિલ વર્ષ 2012થી આંતરરાષ્ટ્રીય શૂટિંગ ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યો છે. જો કે, તેને તેની કારકિર્દીની પ્રથમ ઓલિમ્પિક રમવા માટે 12 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. પોતાના ડેબ્યુ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સ્વપ્નિલ કુસાલેનો રોલ મોડલ એમએસ ધોની છે.

સ્વપ્નિલ પણ ધોનીની જેમ રેલવેમાં ટિકિટ કલેક્ટર છે. સ્વપ્નીલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું – શૂટિંગ દરમિયાન શાંત રહેવાની જરૂર છે. ધોની ક્રિકેટના મેદાનમાં શાંત રહે છે. હું તેમને પસંદ કરું છું. મેં તેમની બાયોપિક ઘણી વખત જોઈ છે. સ્વપ્નિલ ઓલંપિક મેડલ જીત્યા બાદ સાતમો શૂટર બની ગયો છે.

મેડલ જીત્યા બાદ સ્વપ્નિલે કહ્યુ- “મેં ફાઇનલમાં 451.4 પોઇન્ટ મેળવ્યા હતા. હું દેશ માટે મેડલ જીતીને ખૂબ જ ખુશ છું. ફાઇનલ દરમિયાન હું ખૂબ જ નર્વસ હતો. , હૃદયના ધબકારા પણ વધી ગયા હતા.” ગયા વર્ષે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં આ જ ઇવેન્ટમાં કુસાલે ઐશ્વર્યા પ્રતાપ અને અખિલ શ્યોરાણ સાથે મળીને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કુસાલે કોલ્હાપુરમાં તેજસ્વિની સાવંતના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરે છે.

ભારતે પ્રથમ વખત ગેમ્સના મહાકુંભમાં એક જ રમતમાં ત્રણ મેડલ જીત્યા છે. સ્વપ્નિલ અને તેના પરિવારની વાત કરીએ તો, તેનો જન્મ પુણે, મહારાષ્ટ્રમાં થયો હતો. સ્વપ્નિલનો પરિવાર રાધાનગરીના કાંબલવાડી ગામનો રહેવાસી છે. સ્વપ્નિલના પિતા વ્યવસાયે શિક્ષક છે અને માતા ગામના સરપંચ છે. તેનો ભાઈ પણ શિક્ષક છે. ધોનીની જેમ સ્વપ્નિલ પણ મધ્ય રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે કામ કરે છે.

Shah Jina