ભારતીય ટીમના ભૂતપૂર્વ અને અનુભવી ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે મંગળવારે 6 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી. તેણે બે વર્ષ પહેલા 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય લીધો હતો, જે દિવસે દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. રૈના આઈપીએલનો ભાગ હતો અને આ લીગમાં તેણે તેની છેલ્લી મેચ ઓક્ટોબર 2021માં અબુ ધાબીમાં રમી હતી.
રૈના આ વર્ષે 10 સપ્ટેમ્બરથી યોજાનારી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં રમતા જોવા મળી શકે છે. નિવૃત્તિ જાહેર કર્યા બાદ રૈના હવે તેના પરિવારને સમય આપી શકશે. રૈનાની દીકરી ગ્રેસિયા 6 વર્ષની છે જ્યારે દીકરો રિયો માત્ર 2 વર્ષનો છે. સુરેશ રૈના અને પ્રિયંકા ચૌધરીની લવ-સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ અને ફિલ્મી છે. બંને બાળપણથી એકબીજાને ઓળખતા હતા.
સુરેશ રૈનાની લવસ્ટોરી પણ એકદમ ફિલ્મી છે. પ્રિયંકાને પ્રપોઝ કરવા માટે તેણે લગભગ 40 કલાકનું લાંબુ અંતર કાપી લીધું હતું. આ વાત તેણે પોતે એક ટીવી શોમાં કહી હતી. રૈનાએ આ દરમિયાન કહ્યું, ‘વર્ષ 2015માં તે વર્લ્ડ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં હતો. પ્રિયંકાએ તેને બોલાવ્યો અને તે ઈંગ્લેન્ડ ચાલ્યો ગયો. પ્રિયંકાએ મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન મારે લગભગ 40 કલાકનું લાંબું અંતર કાપવાનું હતું. તેણે જણાવ્યું કે તેણે પોતાની સાથે એક વીંટી પણ લીધી અને પ્રિયંકાને તે પહેરાવીને પ્રપોઝ કર્યું.”
પ્રિયંકા તેજપાલ ચૌધરીની દીકરી છે, જેઓ સુરેશ રૈનાના પ્રથમ કોચ હતા. મુરાદનગરમાં જન્મેલા તેજપાલે ગાઝિયાબાદમાં ઘણા ખેલાડીઓને તાલીમ આપી હતી. સુરેશ અને પ્રિયંકા મુરાદનગરમાં પડોશી હતા અને તેમના પરિવારો એકબીજાને સારી રીતે ઓળખતા હતા. બાળપણમાં એકબીજાને સારી રીતે ઓળખતા આ બંને લોકો મોટા થયા અને અલગ થઈ ગયા. જ્યારે રૈનાએ ટીમ ઈન્ડિયા માટે રમવાનું શરૂ કર્યું ત્યારે પ્રિયંકાએ નેધરલેન્ડમાં બેન્કિંગ સેક્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન બંને વચ્ચે ફરી સંપર્ક થયો હતો. ફોન પર વાત થઈ અને પછી વાત લગ્ન સુધી પહોંચી.
સુરેશ રૈના અને પ્રિયંકાએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપમાંથી પરત ફર્યા બાદ રૈનાએ 2015માં પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા. રૈનાને એક પુત્ર રિયો અને એક પુત્રી ગ્રેસિયા છે. રૈના ગ્રેસિયાના નામે ચેરિટી ફાઉન્ડેશન પણ ચલાવે છે. લગ્ન પહેલા પ્રિયંકા નેધરલેન્ડમાં બેંકિંગ સેક્ટરમાં કામ કરતી હતી.
35 વર્ષીય રૈનાએ ભારત માટે 300થી વધુ મેચ રમી છે. જો કે, આ સમય દરમિયાન તે મોટાભાગે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં જોવા મળ્યો હતો. રૈનાએ 18 ટેસ્ટ મેચોમાં એક સદી અને 7 અડધી સદીની મદદથી 768 રન બનાવ્યા હતા. આ સિવાય વનડેમાં તેણે 226 મેચમાં 5615 રન બનાવ્યા જેમાં 5 સદી અને 36 અડધી સદી સામેલ છે. તેણે ભારત માટે 78 T20 મેચ રમી અને 1 સદી પણ ફટકારી. તેણે આ સૌથી ટૂંકા ફોર્મેટમાં 1605 રન બનાવ્યા અને 13 વિકેટ પણ લીધી.