મનોરંજન જગતમાંથી વધુ એક દુખદ ખબર સામેે આવી રહી છે. થોડા સમય પહેલા જ બોલિવુડના ટ્રેજેડી કિંગ દીલિપ કુમારનું નિધન થયુ હતુ, તે બાદ અભિનેતા ચંકી પાંડેની માતા અને અભિનેત્રી અનન્યા પાંડેની દાદી સ્નેહલત્તા પાંડેનું નિધન થયુ હતુ. હવે વધુ એક દુખદ ખબર સામે આવી રહી છે. નેશનલ એવોર્ડ વિનર સુરેખા સીકરીનું શુક્રવારના રોજ નિધન થઇ ગયુ છે.
ટીવીના દિગ્ગજ અદાકારા સુરેખા સીકરીનું 75 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેમના મેનેજરે જણાવ્યુ કે, તેમનું નિધન હાર્ટ એટેકને કારણે થયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને વર્ષ 2018માં તે લકવાના શિકાર પણ થયા હતા. તેમને વર્ષ 2020માં બ્રેન સ્ટ્રોક થયો હતો.
સુરેખા સીકરીને ત્રણવાર નેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે. તેમની ફિલ્મ “તમસ” 1988, Mammo 1995 અને “બધાઇ હો” 2018 માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળ્યો છે.
સુરેખા સીકરીએ બાલિકા વધુ જેવી હિટ ધારાવાહિકમાં યાદગાર રોલ નિભાવ્યો હતો. તેઓ છેલ્લે નેટફ્લિક્સ પર રીલિઝ થયેલ ફિલ્મ “ઘોસ્ટ સ્ટોરીઝ”માં નજર આવ્યા હતા.
ઉત્તરપ્રદેશમાં જન્મેલા સુુરેખા સીકરીએ તેમનું બાળપણ અલ્મોરા અને નૈનિતાલમાં વીતાવ્યુ. તેમણે અલીગઢ યુનિવર્સીટીથી અભ્યાસ કર્યો. તે બાદ તેમણે દિલ્લીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા જોઇન કર્યુ. સુરેખાને 1989માં સંગીત નાટક એકેડમી ઓવોર્ડ મળી ચૂક્યો છે.
તેમના પિતા એરફોર્સમાં હતા અને તેમની માતા અધ્યાપક હતા. તેમના લગ્ન હેમંત સાથે થયા હતા અને તેમનો એક દીકરો પણ છે, જેનું નામ રાહુલ સીકરી છે. રાહુલ સીકરી મુંબઇમાં છે અને તે આર્ટિસ્ટ છે.