સુરતનો ચોંકાવનારો કિસ્સો : યુવતિએ કહ્યુ- ગૂગલ જમવાની ના પાડે છે, કહે છે મરી જા
સુરતનો વિચિત્ર કિસ્સો ! મોબાઇલની લત પડી ભારે…ગૂગલ જમવાની ના પાડે છે, કહે છે મરી જા…કર્યો આપઘાત
સતત સોશિયલ મીડિયા પર રચ્યા પચ્યા રહેલા લોકો માટે સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, 20 વર્ષીય યુવતીએ સોશિયલ મીડિયાના વળગણને કારણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ડિપ્રેશનનો શિકાર બનેલી યુવતિની 2 મહિનાથી માનસિક રોગની દવા પણ ચાલતી હતી. જો કે, સોશિયલ મી઼ડિયાનું વળગણ એટલી હદ સુધી તેના પર હાવી થઈ ગયું હતુ કે તેને ભ્રમ બંધાતો હતો કે ગૂગલ તેને કહે છે કે મરી જા…હાલ તો આ મામલે પોલીસે આપઘાત અંગે આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના ગોપીપુરાના મોટી છીપવાડમાં 20 વર્ષીય વિશાખા રાણા તેના પરિવાર સાથે રહેતી હતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. જો કે, તેણે ઘરે ગળે ફાંસો ખાઈ લેતા પરિવાર આઘાતમાં છે. યુવતિ તેની માતા સાથે દોરાના બોબીન બનાવવાના કારખાનામાં નોકરી કરતી હતી. માતા-પુત્રી કારખાનાથી ઘરે પરત આવ્યા બાદ વિશાખાએ રૂમમાં જઈ આપઘાત કરી લીધો. જો કે, ઘટનાની જાણ થયા બાદ તાત્કાલિક તેને પરિવાર દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
મૃતકના ભાઈએ જણાવ્યું કે, મારી બહેન ગૂગલ પર સતત ફેસ એક્સરસાઈઝ કર્યા રાખતી હતી અને તેના કારણે જ સતત તેના મગજમાં ગૂગલના અવાજ ઘૂમ્યા રાખતા હતા. ગૂગલ કહે છે તને દેખાય છે, ગૂગલ કહે છે ખાવાનું ન ખાતી, ગૂગલ કહે છે મરી જા. આવા અવાજ તેને સતત સંભળાતા હતા. જો કે ફેસ એક્સરસાઈઝના કારણે તેનો ફેસ પણ એકદમ બદલાઈ ગયો હતો.
માનસિક રીતે તેના પર સોશિયલ મીડિયા હાવી થઇ જતા પરિવાર તેને ડોક્ટર પાસે પણ લઈ ગયો હતો અને 15-20 દિવસ દવા પણ કરી અને ડોક્ટરે પરિવારજનોને યુવતીને માનસિક ડોક્ટર પાસે લઈ જવાની સલાહ આપી. જોેક, બે મહિનાથી વધુ સમયથી તેની માનસિક ડોક્ટરની દવા ચાલતી હતી.ડોક્ટરે કહ્યું હતું કે, મોબાઈલ વધુ જોવાની આ અસર છે પણ દવા ચાલુ રાખશો એટલે સમય જતા સારું થઈ જશે. ડોક્ટરના કહ્યા બાદ પરિવારે તેને મોબાઈલ જોવાનું પણ બંધ કરાવી દીધું હતુ.
મૃતક વિશાખા પહેલા પોતાના રોજિંદા દૈનિક કામકાજમાં પણ મોબાઈલનો ઉપયોગ કરતી હતી. જેને લઇ તેના મગજ પર મોબાઈલ અને સોશિયલ મીડિયા ખૂબ જ પ્રભાવિત થઈ ગયું હતું. જ્યારે વિશાખાને માનસિક ડોક્ટર પાસે લઈ જવામાં આવી તે સમય પણ ગૂગલ દેખાય છે, ગૂગલ ખાવાનું ના પાડે છે, ગૂગલ કહે છે મરી જા એવો અવાજ સંભળાયા કરતો. દર્શન કરવા માટે મંદિરમાં લઈ જાય તો ત્યાં પણ મોબાઈલ દેખાતો હોવાનું કહ્યા કરતી.