આ જાણિતા એક્ટરની મર્ડર કેસમાં કરવામાં આવી ધરપકડ, મૃતકે એક્ટરની પત્નીને મોકલ્યા હતા મેસેજ

કન્નડ ફિલ્મોના સ્ટાર દર્શનની પોલિસે કરી ધરપકડ, હત્યાનો લાગ્યો આરોપ- ચાલી રહી છે પૂછપરછ

કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર્સમાંના એક દર્શનની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ‘કરિયા’, ‘ગજ’, ‘નવગ્રહ’ અને ‘યજમાન’ જેવી હિટ કન્નડ ફિલ્મોનો મુખ્ય હીરો દર્શન ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય સ્ટાર્સમાંથી એક છે. વર્ષ 2012ની ફિલ્મ ‘ક્રાંતિવીર સાંગોલી રાયન્ના’માં 19મી સદીના યોદ્ધાની ભૂમિકા ભજવવા બદલ તેને ‘શ્રેષ્ઠ અભિનેતા’ માટે કર્ણાટક રાજ્યનો ફિલ્મ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં બેંગલુરુમાં કામાક્ષીપાલ્યા પોલીસે કથિત હત્યા કેસમાં દર્શનની ધરપકડ કરી છે. તેને 6 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચિત્રદુર્ગની રહેવાસી રેણુકા સ્વામી સુમનહલ્લી બ્રિજ પર મૃત હાલતમાં મળી આવ્યા. આ મામલે પોલીસે રેણુકાની માતાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો અને દર્શનની ધરપકડ કરી. દર્શનની મૈસુર સ્થિત તેના ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી છે. રેણુકાના માતા-પિતા તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા માટે ચિત્રદુર્ગ એક્સટેન્શન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ પોલીસે તેમને વધુ બે દિવસ રાહ જોવાનું કહ્યું કારણ કે તે ગુમ થયાને માત્ર એક દિવસ જ વીત્યો હતો.

રેણુકા સ્વામી ચિત્રદુર્ગમાં એપોલો ફાર્મસીમાં કામ કરતી હતી અને તાજેતરમાં જ તેના લગ્ન થયા હતા. તેની ઉંમર 33 વર્ષ જણાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રેણુકા પર દર્શનની પત્નીને અપમાનજનક મેસેજ મોકલવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દર્શનની પત્ની પવિત્રા ગૌડાને મેસેજ મોકલ્યા બાદ હત્યા કરવામાં આવી. દર્શનને બે પત્નીઓ છે. તેની પહેલી પત્નીનું નામ વિજયલક્ષ્મી છે અને પવિત્રા ગૌડા તેની બીજી પત્ની છે.આ કેસની માહિતી આપતા પોલીસ કમિશનરે કહ્યું કે, ‘આ હત્યાની જાણ 9 જૂને થઈ હતી.

કેસની તપાસ દરમિયાન સીસીટીવી દ્વારા મૃતકની ઓળખ થઈ. અમે આ કેસના સંબંધમાં કન્નડ ફિલ્મ અભિનેતા અને તેના સહયોગીની ધરપકડ કરી છે. હાલ પૂછપરછ ચાલી રહી છે અને વધુ માહિતી આપી શકાય તેમ નથી. પોલીસ કમિશનરે દાવો કર્યો હતો કે દર્શનની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે એ વાતની પણ પુષ્ટિ કરી હતી કે, રેણુકાએ દર્શનની પત્ની પવિત્રાને મેસેજ કર્યા હતા. આ કેસમાં 10 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. દર્શનને 6 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

દર્શનના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 1997માં ફિલ્મ ‘મહાભારત’થી અભિનયની શરૂઆત કરી હતી. અભિનેતા બનતા પહેલા તેણે એક વર્ષ પ્રોજેક્શનિસ્ટ તરીકે કામ કર્યું અને પછી સહાયક કેમેરામેન તરીકે પણ કામ કર્યું. શરૂઆતમાં દર્શન માત્ર ફિલ્મોમાં સહાયક ભૂમિકામાં જ જોવા મળતો પરંતુ પછી તે મુખ્ય અભિનેતા તરીકે ઉભરી આવ્યો. પોતાના કરિયરમાં તેણે અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે, જેમાં ‘નમ્મા પ્રિતિયા’, ‘કલાસીપાલ્યા’, ‘ગાજા’ અને ‘સારથી’ જેવી ફિલ્મોના નામ સામેલ છે.

Shah Jina