આ લેડી ઓફિસર છે બ્યુટી વિથ બ્રેઇનની મિસાઇલ, ફિલ્મોની ઓફર ઠુકરાવી કરી રહી છે દેશ સેવા
કોઈએ બહુ સરસ કહ્યું છે કે, “જેને પડવાનો ડર લાગે છે તે ક્યારેય ઉડતા નથી.” આજે અમે એક એવી મહિલા ઓફિસર વિશે વાત કરીશું, જે ક્યારેય હાર સ્વીકારતા શીખી નથી. એવું કહેવાય છે કે નિષ્ફળતાઓ વ્યક્તિને સફળ બનવા માટે પ્રેરણા આપે છે અને મજબૂત બનાવે છે. માણસ નિષ્ફળતાઓમાંથી શીખે છે અને આગળ વધવાની પ્રેરણા પણ મેળવે છે. હિમાચલ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ (HAS)માં કામ કરતા અધિકારી ઓશિન શર્મા પર આ કહેવત એકદમ બંધબેસે છે.
ઓશિન શર્મા હાલમાં હિમાચલ પ્રદેશના નાગ્ગર કુલુમાં આસિસ્ટન્ટ કમિશનર કમ BDO તરીકે કાર્યરત છે. ઓશિને હિમાચલ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષામાં 10મો રેન્ક મેળવ્યો હતો.ઓશિન શર્માએ સરકારી નોકરી માટે ઘણા પ્રયત્નો કર્યા, ઘણી પરીક્ષાઓ આપી. એક વખત તેનું સિલેક્શન સિવિલ સર્વિસ માટે પણ થયુ અને તે માત્ર 5 નંબરથી પાછળ પડી ગઈ, પરંતુ તેણે હાર ન માની અને વર્ષ 2019માં તે BDO માટે સિલેક્ટ થઈ ગઈ. BDO બન્યા પછી પણ ઓશિને તેની તૈયારી છોડી ન હતી
અને અંતે બીજા પ્રયાસમાં, તે હિમાચલ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (HAS પરીક્ષા)માં પસંદગી પામી. તેણે આ પરીક્ષામાં 10મો રેન્ક મેળવ્યો. ઓશિન શર્મા તેના વહીવટી કામને લઈને જેટલી ચર્ચામાં છે તેટલી જ તે સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ પર તેને ઘણા લોકો ફોલો કરે છે. ઓશિન શર્મા કહે છે કે પરિવારમાં અભ્યાસ માટે સારું વાતાવરણ હતું. ઓશિન હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની છે અને શિમલામાં મોટી થઇ છે. તેના પિતા નાયબ તહસીલદાર છે અને માતા કાંગડાના સેટલમેન્ટ ઓફિસરના પીએ તરીકે કામ કરે છે.
ઓશિન જણાવે છે કે પહેલા તેનું સપનું ડોક્ટર બનવાનું હતું, પછી તે કોલેજના દિવસોમાં રાજનીતિમાં સક્રિય થઈ, પરંતુ બાદમાં અભ્યાસમાં તેની રુચિ જોઈને તેના પરિવારના સભ્યોએ તેને સિવિલ સર્વિસની તૈયારી કરવાની સલાહ આપી, જેના પછી તેનું સપનું સાકાર થયું. ઓશિને પંજાબ યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ઓશિન શર્મા સમાજ સેવા અને યુવાનોમાં જાગૃતિનું કામ પણ કરી રહ્યા છે. તાજેતરમાં લાડલી ફાઉન્ડેશને તેને બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવી છે.
તે HAS પરીક્ષામાં પ્રવેશ મેળવવા માટે ટિપ્સ અને યુક્તિઓ પણ આપે છે. ઓશિન શર્મા કહે છે કે યુવાનોએ નિષ્ફળતાઓથી નિરાશ ન થવું જોઈએ અને તેની પાસેથી શીખવું જોઈએ. ઓશિન શર્મા કહે છે કે તેને ફિલ્મોમાં જવાની ઓફર પણ મળી હતી, પરંતુ પરિવારના સભ્યોને તે પસંદ નહોતું. જેના કારણે તે ફિલ્મોમાં નહોતી ગઈ. તમને જણાવી દઈએ કે ઓશિન ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. ઓશીનની બહેન આભા શર્મા બેંકમાં પ્રોબેશનરી ઓફિસર તરીકે કામ કરે છે. જ્યારે તેનો ભાઈ પ્રણવ શર્મા પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કરે છે.
ઓશિને 26 એપ્રિલ 2021ના રોજ વિશાલ નેહરિયા સાથે લગ્ન કર્યા હતા. ઓશિન શર્માએ છેલ્લા વર્ષે તેના પતિ વિશાલ નેહરિયા પર શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે વિશાલ હિમાચલ પ્રદેશમાં ધર્મશાળાથી વિધાયક હતો. ઓશિને આરોપ લગાવ્યો હતો કે લગ્ન પહેલા ફેબ્રુઆરીમાં ચંડીગઢની હોટલમાં પણ વિશાલે તેની સાથે મારપીટ કરી હતી, એટલું જ નહિ લગ્નના ચાર દિવસ બાદ જ્યારે તે કોવિડ 19 પોઝિટિવ આવી તો તેના પતિએ તેને ઘરની બહાર નીકાળી દીધી હતી.