સાઉથ કોરિયા પ્લેન ક્રેશ : અડધી ફ્લાઇટ બની રાખ, અડધીના થયા ટુકડા…. 179 લોકોના મોત

સાઉથ કોરિયામાં થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનાથી સમગ્ર વિશ્વ આઘાતમાં છે. રવિવારે મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જેજુ એર પેસેન્જર પ્લેન ક્રેશ થયા બાદ સમગ્ર દક્ષિણ કોરિયા ઘેરા શોકમાં છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 181 મુસાફરોમાંથી 179ના મોત થયા હતા. એરપોર્ટ પર રવિવારે એક પેસેન્જર પ્લેન રનવે પરથી ફીસલી ગયુ અને કંક્રીટની દિવાલ સાથે ટકરાયુ. જેના કારણે પ્લેનમાં આગ લાગી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 181 લોકોમાંથી બે સિવાય તમામના મોત થયા હતા. આ બંને મુસાફરો હોસ્પિટલમાં છે. બંને જણા સતત પ્રશ્નો પૂછી રહ્યા છે, ‘શું થયું, હું અહીં કેમ છું?’. પરંતુ કોઈની પાસે આનો જવાબ નથી.

જેજુ એરની ફ્લાઇટ 7C2216 (બોઇંગ 737-800) 175 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર સાથે બેંગકોકથી આવી રહી હતી. વિમાન સવારે 9 વાગ્યાની આસપાસ એરપોર્ટ પર લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે પક્ષીની અથડામણને કારણે કથિત રીતે ક્રેશ લેન્ડિંગની કોશિશ કરી. પરંતુ ખરાબ રીતે નિષ્ફળ ગયા બાદ દિવાલ સાથે પ્લેન અથડાયુ અને આગના ગોળામાં ફેરવાઈ ગયુ. મુઆન ફાયર ચીફ લી જુંગ-હ્યુનના જણાવ્યા અનુસાર, સળગતા વિમાનના પાછળના ભાગમાંથી બે ફ્લાઇટ એટેન્ડન્ટ્સ, એક પુરુષ અને એક મહિલાને બચાવી લેવામાં આવ્યા છે. બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ હજુ પણ નાજુક છે.

જો કે હોશમાં આવ્યા પછી બંને એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું થયું ? ‘ધ કોરિયા ટાઈમ્સ’ના જણાવ્યા અનુસાર, જ્યારે એક બચી ગયેલ ફ્લાઈટ એટેન્ડન્ટને હોશ આવ્યો ત્યારે તેણે ડૉક્ટરોને પૂછ્યું, ‘શું થયું?’ લી નામના 32 વર્ષીય ક્રૂ મેમ્બરને સમજાતું નથી કે તે અહીં હોસ્પિટલમાં કેમ છે અને શું થયું. તેણે પૂછ્યું, ‘હું અહીં કેમ છું?’ જો કે, હોશમાં આવ્યા પછી, લીએ કહ્યું કે પ્લેન લેન્ડ થાય તે પહેલા તેણે સીટ બેલ્ટ બાંધ્યો હતો, પરંતુ તેને ક્રેશ લેન્ડિંગ પછીની ઘટનાઓ યાદ નથી. હોસ્પિટલના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે તે આઘાતમાં હતો.

બીજા બચી ગયેલા વ્યક્તિની ઓળખ 25 વર્ષીય ક્વોન તરીકે થઈ છે. તેને પણ આ અકસ્માત વિશે યાદ નથી. તેણે ડોક્ટરોને જણાવ્યું કે તેને માથા, પગની ઘૂંટી અને પેટમાં દુખાવો છે. હોસ્પિટલના કર્મચારીના જણાવ્યા અનુસાર લીને માથામાં ઈજા થઈ હતી અને પગની ઘૂંટી તૂટી ગઈ હતી. પેટમાં થયેલી ઈજાઓ માટે તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કદાચ તે પ્લેન અને મુસાફરોની સુરક્ષાને લઈને ચિંતિત હતો.’ આ અકસ્માતમાં તેના ડાબા ખભા અને માથામાં ફ્રેક્ચર થયું હતું. જો કે, તે હોશમાં છે.

જણાવી દઈએ કે આ વિમાન દુર્ઘટના દેશમાં અત્યાર સુધીની સૌથી ખરાબ વિમાન દુર્ઘટના છે. અધિકારીના જણાવ્યા અનુસાર, જેજુ એરનું વિમાન સિયોલથી લગભગ 290 કિલોમીટર દક્ષિણમાં મુઆન શહેરમાં લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે બેંગકોકથી પરત ફરી રહેલું 15 વર્ષ જૂનું બોઇંગ 737-800 વિમાન હતું અને દક્ષિણ કોરિયાની ફાયર એજન્સીએ જણાવ્યું હતું કે આ આગમાં 179 લોકોના મોત થયા છે જેમાં 85 મહિલાઓ અને 84 પુરુષોનો સમાવેશ થાય છે. જો કે 10 અન્ય લોકોની તાત્કાલિક ઓળખ થઈ શકી નથી.

ઇમરજન્સી ક્રૂએ બે લોકોને બહાર કાઢ્યા હતા, જેઓ બંને ક્રૂ મેમ્બર છે. આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે તે સભાન છે અને તેના જીવને કોઈ ખતરો નથી.વિમાન દુર્ઘટના બાદ દક્ષિણ કોરિયાની સરકારે પીડિતો અને તેમના પરિવારજનો માટે આગામી સાત દિવસ સુધી શોકની જાહેરાત કરી છે. એટલે કે 4 જાન્યુઆરી 2025 સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

Shah Jina