મધ્યપ્રદેશ ટ્રાન્સપોર્ટ વિભાગના પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્મા કેસમાં શુક્રવારે એક મોટું અપડેટ સામે આવ્યું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની ટીમ ભોપાલ અને ગ્વાલિયરમાં સૌરભના ઘર અને ઓફિસ પર પહોંચી હતી. આવકવેરા વિભાગના લોકાયુક્ત અને ઇડી આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. લોકાયુક્તની રેડ પડ્યા બાદથી જ ફરાર ચાલી રહેલ સૌરભ શર્માના અરેરા કોલોની E-7 સ્થિત ઘર અને ઓફિસમાં સીઆરપીએફના જવાનો સાથે EDએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ.
ગ્વાલિયરમાં વિનય નગર સેક્ટર 2 સ્થિત સૌરભના પૈતૃક ઘર પર પણ એજન્સીએ દબિશ આપી. બંને શહેરોના પોશ વિસ્તારમાં સૌરભ શર્માનું ઘર છે. હાલ તો સૌરભ શર્મા અને તેની પત્ની દિવ્યા ફરાર છે, તેના વકીલે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી. જણાવી દઈએ કે લોકાયુક્ત પોલીસના દરોડામાં પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્મા પાસે 7.98 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ મળી આવી, જેમાં 2.87 કરોડ રૂપિયા રોકડા અને 234 કિલો ચાંદીનો સમાવેશ થાય છે.
ભ્રષ્ટાચાર વિરોધી લોકાયુક્ત પોલીસના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે લોકાયુક્ત પોલીસે 18 અને 19 ડિસેમ્બરે સૌરભ શર્માના નિવાસસ્થાન અને ઓફિસની તલાશી લીધી હતી. સૌરભ શર્માના પિતા આરકે શર્મા સરકારી ડૉક્ટર હતા અને તેમનું નિધન 2015માં થઇ ગયુ હતુ. આ પછી સૌરભ શર્માને 2015માં રાજ્ય પરિવહન વિભાગમાં કોન્સ્ટેબલના પદ પર નિમણૂક મળી.
આ પછી તેણે 2023માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. સૌરભ શર્માએ ભ્રષ્ટાચાર દ્વારા કમાયેલા પૈસાનો ઉપયોગ તેની માતા ઉમા, પત્ની દિવ્યા, સંબંધીઓ અને નજીકના સહયોગીઓ ચેતન સિંહ ગૌડ અને શરદ જયસ્વાલના નામ પર સ્કૂલ અને હોટલ સ્થાપિત કરવી સામેલ છે. આવકવેરા વિભાગે શર્માના સહયોગી ગૌડ પાસેથી રોકડ અને સોનું જપ્ત કર્યું છે. સર્ચ દરમિયાન મળેલી બેંક વિગતો અને જમીનના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.
એમપીનો કરોડપતિ કોન્સ્ટેબલ એટલે કે ભૂતપૂર્વ… અત્યાર સુધીમાં એજન્સીઓએ 52 કિલો સોનું, 234 કિલો ચાંદી અને લગભગ 3 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. હવે તમે વિચારતા હશો કે આટલી રોકડ અને ઘરેણાં ક્યાંથી આવ્યા ? સૌરભ શર્મા મધ્યપ્રદેશ ટ્રાન્સપોર્ટ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો. સ્વાભાવિક છે કે કોન્સ્ટેબલનો પગાર અમુક હજારોમાં હોય પરંતુ આટલું બેંક બેલેન્સ અને અન્ય રોકાણ જોઈને એજન્સી પણ ચોંકી ગઇ.