મમ્મીએ કહ્યું…”મને પ્રેમ થઇ ગયો છે !” બંને બાળકોએ ભેગા મળી અને ધામધૂમથી કરાવ્યા મમ્મીના બીજા લગ્ન, કહાની પણ છે ખુબ જ ભાવુક કરી દેનારી !!

આપણા દેશની અંદર છૂટાછેડાના કિસ્સાઓ ખુબ જ વધી રહ્યા છે, અને આ બધામાં એક સ્ત્રી ખુબ જ પીસાતી રહે છે, સ્ત્રીઓ ઉપર થતા માનસિક અને શારીરિક ત્રાસથી કોઈ અજાણ્યું નથી. ત્યારે તેમના સંતાનો પણ માતા-પિતાના ઝઘડાઓ જોતા હોય છે, અને ઘણીવાર તે પણ કઈ કરી શકતા નથી અને જયારે તેમના માતા-પિતાના છૂટાછેડા થાય છે ત્યારે તેમને કોઈ એકની પાસે રહેવું પડે છે.

હાલ એક એવી કહાની સામે આવી છે જેને સૌના દિલ જીતી લીધા છે. મહારાષ્ટ્રમાં બે બાળકોએ તેમની મમ્મીના લગ્ન ખુબ જ ધામધૂમથી કરાવ્યા. આ લગ્ન ડિસેમ્બર 2021માં થયા હતા. જયારે દીકરીએ તેની માતાની મહેંદીની તસવીરો શેર કરી હતી. તેને જણાવ્યું કે કેવી રીતે 15 વર્ષ બાદ તેની સિંગલ મધરના ફરીથી લગ્ન થઇ રહ્યા છે. લોકોને પણ તેમની આ રિયલ સ્ટોરી ખુબ જ પસંદ આવી હતી.

આ મહિલાનું નામ સોની સોમાની છે, તેમની દીકરી શ્રેયાએ જણાવ્યું કે “જયારે સોની 17 વર્ષની હતી ત્યારે જ તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. ત્યારે તેમનો સ્કૂલનો અભ્યાસ પણ પૂર્ણ થયો નહોતો. જેના બાદ 18 વર્ષની ઉંમર શ્રેયા એટલે કે મારો જન્મ થયો. તેના થોડા વર્ષ બાદ દીકરા સમીરનો જન્મ થયો.”

શ્રેયાએ એમ પણ જણાવ્યું કે તેના પિતા સોની સાથે ખુબ જ દુર્વ્યવહાર કરતા હતા. તે તેની સાથે મારઝૂડ પણ કરતા હતા. એટલું જ નહીં, તે જયારે ગર્ભવતી હતી ત્યારે પણ તેને મારતા હતા. સોનીએ આ વાતની જાણકારી તેના પિયરમાં પણ આપી હતી. ત્યારે તે લોકોએ પણ મદદ કરવાનું તો દૂર પરંતુ સોનીને જ પતિ સાથે એક્ઝસ્ટ કરી લેવાનું કહ્યું.

શ્રેયાએ વધુમાં જણાવ્યું કે બાળપણથી જ તેણે અને તેના ભાઈએ તેમના પિતાને તેમની માતા સાથે દુર્વ્યવહાર કરતા જોયા છે. બંને બાળકો પણ તેમની માતાને છોડીને શાળાએ ગયા ન હતા, કારણ કે તેમને ડર હતો કે તેમના પિતા તેમની માતાને પાછળથી મારી નાખશે. જ્યારે તેણે તેની માતાને તેના પિતાના મારથી બચાવવાનો પ્રયાસ કર્યો તો તેને પણ ઉલટું તેમને પણ માર મારવામાં આવતો.

પરંતુ તેના જીવનમાં ત્યારે બધું બદલાઈ ગયું જ્યારે એકવાર શ્રેયા અને સમીરની સ્કૂલવાળાએ સોનીને સ્કૂલમાં બોલાવી અને બે મહિનાથી બાળકો શાળાએ કેમ આવતા નથી તેવો સવાલ કર્યો હતો. ત્યારે સોનીને સમજાયું કે હવે મામલો તેના બાળકોના ભવિષ્ય પર આવી રહ્યો છે. આ પછી, તેણે તેના બાળકો અને પોતાના જીવન માટે તેના પતિને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું.

છૂટાછેડા લીધા પછી સોનીએ કોલ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું જેથી તે બાળકોની સંભાળ રાખી શકે. આટલું જ નહીં સોનીએ નોકરીની સાથે સાથે અભ્યાસ પણ શરૂ કર્યો હતો. જ્યારે તેની દીકરી 12મા ધોરણમાં હતી ત્યારે તેણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. ત્યાર બાદ એમબીએનો અભ્યાસ કર્યો. બાદમાં તેને પ્રોડક્ટ મેનેજરની નોકરી મળી અને માતા અને બાળકોનું જીવન ઘણું બદલાઈ ગયું.

આ દરમિયાન જ સોનીના જીવનમાં એક વ્યક્તિની એન્ટ્રી થઇ. બંને પહેલા જ એક બીજાને ડેટ કરતા હતા. જેના બાદ તેમને આ સંબંધની જાણકારી તેમના બાળકોને પણ આપી. બંને બાળકો આ સાંભળીને ખુબ જ ખુશ થયા. અને ત્યારબાદ ડિસેમ્બર 2021માં તેમના લગ્ન કરાવી દીધા.

 

View this post on Instagram

 

A post shared by Soni Somani (@soni_somani)

શ્રેયાએ જણાવ્યું કે જયારે તેની માતાના ફેરા થઇ રહ્યા હતા ત્યારે તેને ખુબ જ રડવું આવી રહ્યું હતું. ત્યારે તેની માતાએ મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે અહીંયાથી લઇ જાઓ નહિ તો હું પણ રડી જઈશ અને મારો મેકઅપ ખરાબ થઇ જશે. હવે સોની પાસે તેનો આખો પરિવાર છે અને બધા એકસાથે રહીને ખુબ જ ખુશ છે.

Niraj Patel