મહારાષ્ટ્રની મધર ટેરેસા અને પદ્મશ્રીથી સમ્માનિત 1500 બાળકોની માતા સિંધુતાઇનું નિધન, PMએ જતાવ્યુ દુ:ખ

વર્ષ 2021 સામાન્ય માણસથી લઇને કોઇ જાણિતા વ્યક્તિ કે સેલેબ્સ માટે ઘણુ ખરાબ રહ્યુ હતુ, ત્યારે હવે તો નવું વર્ષ એટલે કે 2022 ચાલુ થઇ ગયુ છે ત્યારે આ વર્ષે સૌ પહેલા એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. અનાથની બાળકોની માતા અને પદ્મશ્રી વિજેતા પ્રખ્યાત સામાજિક કાર્યકર સિંધુતાઈ સપકાલનું નિધન થઇ ગયું છે. સિંધુતાઈએ મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ 75 વર્ષના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ ટ્વિટ કરીને સિંધુતાઈ સપકાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્રમાં લોકો તેમને મધર ટેરેસા કહેતા હતા.

તેમને ગયા વર્ષે પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. સિંધુતાઈને પુણેની ગેલેક્સી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રીપોર્ટ અનુસાર સિંધુતાઈનું લગભગ દોઢ મહિના પહેલા હર્નિયાનું ઑપરેશન થયું હતું, પરંતુ તે સાજા થઈ શક્યા ન હતા. મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં 14 નવેમ્બર, 1948ના રોજ જન્મેલા સિંધુતાઇને પણ બીજી ઘણી છોકરીઓની જેમ જન્મથી જ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. તેમની માતા તેમને શાળાએ મોકલવાની વિરુદ્ધ હતી, પરંતુ તેમના પિતા ઈચ્છતા હતા કે તે અભ્યાસ કરે. ગરીબીને કારણે તેમને ચોથું ધોરણ પાસ કર્યા બાદ શાળા છોડી દેવાની ફરજ પડી હતી. માત્ર 12 વર્ષની ખૂબ જ નાની ઉંમરે તેમના લગ્ન 32 વર્ષના પુરુષ સાથે થયા હતા.

કમનસીબે સાસરે પણ તેમના ભેદભાવની પ્રક્રિયા અટકી ન હતી, તેમણે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો અને તે બાદ તેઓ જયારે 20 વર્ષની ઉંમરના હતા ત્યારે ચોથી વખત પ્રેગ્નેટ થયા હતા અને ત્યારે તેમના પતિએ તેમના ચારિત્ર્ય પર શંકા કરીને માર માર્યો અને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. સિંધુતાઈએ મહિલાઓના અધિકારો માટે લડવાનું શરૂ કર્યું. તેમણે વન વિભાગ અને જમીનદારો દ્વારા મહિલાઓના શોષણ સામે અવાજ ઉઠાવ્યો હતો.

પરિવારના સભ્યોએ પણ સિંધુતાઈનો સાથ છોડી દીધો હતો. ઘાયલ અવસ્થામાં તેમણે ગૌશાળાની છત નીચે બાળકને જન્મ આપ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, તેમણે બાળકના ઉછેર માટે ભીખ માંગવાનું શરૂ કર્યું. ઘણી વખત તેમણે બાળકની સુરક્ષા માટે કબ્રસ્તાનમાં રાત વિતાવી. આ તે સમય હતો જ્યારે સિંધુતાઈ ઘણા અનાથ બાળકો સાથે સમય પસાર કરતા હતા. આ પછી તેમણે અનાથ બાળકોની જવાબદારી ઉપાડવાનું મન બનાવ્યું. તેમના ઉછેર માટે તે રસ્તાઓ અને ટ્રેનોમાં ભીખ માંગતા હતા.

Shah Jina