અમદાવાદમાં થોડા સમય પહેલા જ ઇસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રનની ચકચારી ઘટના બની હતી, જે બાદ પોલિસે કડક કાર્યવાહી કરી. જો કે, હાલમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના ફરી એકવાર અમદાવાદમાંથી સામે આવી છે. સિંધુ ભવન રોડ પર થાર લઇને નીકળેલા એક નબીરાએ પૂરપાટ ગતિએ કાર હંકારી એક બાઇક સવાર 18 વર્ષિય યુવકને કચડી નાખ્યો.આ હિટ એન્ડ રનની ઘટનામાં જયદીપ સોલંકી નામના યુવકનું મોત થયુ છે.
જો કે, અકસ્માતની ઘટના બાદ થાર કારનો ચાલક ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે. જયદીપ સોલંકી તેના મિત્રની બાઈક લઈને સિંધુભવન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, તે સમયે ઓર્નેટ પાર્ક ચાર રસ્તા પાસે મહિન્દ્રા થાર કારના ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી બાઈકસવાર યુવકને અડફેટે લીધો અને અકસ્માત બાદ કાર મૂકીને આરોપી નાસી છૂટ્યો.
જો કે, અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળાં એકઠા થઇ ગયા હતા અને અકસ્માતની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી. આ પછી ગંભીર રીતે ઈજાગ્રસ્ત જયદીપને સારવાર અર્થે બોપલ ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
જયદીપના મિત્રએ જણાવ્યું કે, તેઓ બધા મિત્રો ભેગા થઈને બેઠા હતા અને ત્યારે જયદીપ એક મિત્રનું બાઈક લઈને એક અગત્યના કામે ગયો. તે કામ પતાવી પરત ફરી રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં બેફામ કારચાલકે ટક્કર મારી અને તેનું ગંભીર ઇજાને પગલે સારવાર દરમિયાન મોત થયું. રાતે લગભગ 2 વાગ્યે આ ઘટના બની હતી. જયદીપ બાઇક સાથે 100થી 200 મીટર સુધી ઢસડાયો હતો.