Source : ગુજરાતમાં જબરો શિવભક્ત! કહાની સાંભળીને થઈ જશો ભાવુક, 1200 કિલો ઘીમાંથી બનાવી શિવજીની અદ્ભુત પ્રતિમાઓ
આજે દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન શિવને સમર્પિત આ તહેવાર એટલે કે મહાશિવરાત્રિ એટલે કે શિવ મય થવાનો મહાપર્વ… મહાદેવને વિષની અગનથી ઠંડક આપવા માટે મહાશિવરાત્રીના પાવન અવસરે શિવભક્તો ઘીના કમળ અર્પણ કરે છે. ત્યારે નવસારીના શિવભક્ત હેમંત પટેલે 1200 કિલો ઘીમાંથી શિવજીની પ્રતિમાઓ અને ઘીના કમળ બનાવી મહાદેવની અનોખી આરાધના કરી છે.
ભોલેનાથે જ્યારે અત્યંત ઝેરી હળાહળ વિષ ગ્રહણ કરી પોતાના કંઠમાં ધારણ કર્યુ ત્યારે એની અગન અત્યંત તીવ્ર હોવાને કારણે તેમને ઠંડકની જરૂર પડી. જેથી શિવજીને મહાશિવરાત્રીના દિવસે ઘીના કમળ ચઢાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. નવસારીના સદલાવ ગામના હેમંત પટેલ છેલ્લા 40 વર્ષોથી એક ટનથી વધુ ઘીમાંથી મહાદેવ પ્રતિમાઓ અને ઘીના કમળ, શિવલિંગ, શિવ મુખ બનાવી ભગવાન ભોળેનાથની આરાધના કરે છે.
હેમંત પટેલે આ વર્ષે પણ 1200 કિલો વનસ્પતિ ઘીને બરાબર મળ્યા બાદ તેમાંથી અલગ અલગ આકારની અને મન મોહક 34 શિવ પ્રતિમાઓ બનાવી છે. આ ઉપરાંત 21 ઘીના કમળ, 17 નાના શિવલિંગ અને 6 શિવ મુખ પણ બનાવ્યા છે. હેમંત પટેલે જે ઘીમાંથી શિવ પ્રતિમાઓ અને કમળ બનાવ્યા છે, તે દક્ષિણ ગુજરાતના વિવિધ મંદિરો સાથે જ ગુજરાતના અને મહારાષ્ટ્રના શિવ મંદીરોમાં મહાશિવરાત્રીના દિવસે મહાદેવને અર્પણ કરાયા.