શું અમદાવાદમાં વૃદ્ધ સુરક્ષિત નથી? સાબરમતી વિસ્તારમાં વધુ એક વૃદ્ધની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી, જાણો શું હતું કારણ ?

અમદાવાદમાં છેલ્લા થોડા સમયથી ચોરી અને લૂંટના કિસ્સાઓ વધી રહ્યા છે, તેમાં પણ ઘણા ચોર વૃદ્ધને ટાર્ગેટ બનાવવા લાગ્યા છે, થોડા સમય પહેલા જ એક વૃદ્ધ દંપતીની હત્યાનો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો હતો, જેના બાદ હવે સાંબરમતી વિસ્તારના એક ઘરમાં વૃદ્ધની લાશ ગળું કપાયેલી હાલતમાં મળી આવતા ચકચારી મચી ગઈ છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા ઠાકોર વાસ પાસે રહેતા સિનિયર સીટીઝન 62 વર્ષીય દેવેન્દ્રભાઈ રાવતની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકના ગળામાં રહેલી સોનાની ચેઇન, બાઈક અને મોબાઈલની પણ લૂંટ થઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. સાબરમતી પોલીસે ટેકનિકલ સર્વેલાન્સનાં આધારે તપાસ શરુ કરી છે. મૃતક સહારા ઇન્ડિયા બરોડા ખાતે નોકરી કરતા હતા. હાલ મૃતક દેવેન્દ્રભાઈ નિવૃત્ત જિંદગી જીવતા હતા. હાલ આ બનાવમાં પોલીસે લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શકના આધારે તપાસ શરૂ કરી છે.

પંદરેક દિવસ પહેલાં પણ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે શહેરમાં વધુ એક આવી ઘટના સામે આવતાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે. શહેરમાં એકલા રહેતા વૃદ્વ લોકોની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

Niraj Patel