રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંનેએ એકબીજાને લગભગ 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ આખરે 14 એપ્રિલે લગ્ન કરી લીધા. આ લગ્ન ખૂબ જ પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા અને આ પ્રાઇવેટ સેરેમનીમાં બહુ ઓછા લોકો સામેલ થયા હતા, પરંતુ લગ્નની તમામ વિધિઓ કરવામાં આવી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ વરરાજા રણબીર કપૂરને સાસુ સોની રાઝદાન તરફથી એક ખાસ ભેટ મળી છે, જેની કિંમત 2.5 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. સોની રાઝદાને તેના જમાઈ રણબીર કપૂરને એક ખૂબ જ મોંઘી ઘડિયાળ ભેટમાં આપી છે, જે સરળતાથી ઉપલબ્ધ નથી.
લગ્ન અને જૂતા ચોરીની વિધિ ન હોય એવું કઇ રીતે બની શકે. બોલિવૂડના આ બહુપ્રતિક્ષિત લગ્નમાં જૂતા ચોરવાની વિધિ કરવામાં આવી અને જૂતાના બદલામાં રણબીરની સાળીઓએ એવી માંગ કરી કે જેને સાંભળીને તમે પણ ચોકી જશો. આલિયા ભટ્ટની ગર્લ ગેંગે જીજાજી પાસેથી જૂતા ચોરીની રસ્મ બદલ 11.5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પૈસાને લઈને લાંબી ટીખળ અને મસ્તી પછી આખરે 1 લાખ રૂપિયાનું કવર આપવામાં આવ્યું.
રિવાજ મુજબ લગ્નમાં આવનાર મહેમાનોને રિટર્ન ગિફ્ટ્સ આપવાની હતી. આ માટે ભટ્ટ પરિવાર દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી, જે આલિયાએ પોતે કરી હતી. રિટર્ન ગિફ્ટ તરીકે, મહેમાનોને ખૂબ જ ખાસ કાશ્મીરી શાલ આપવામાં આવી હતી, જે આલિયા ભટ્ટે પોતે પસંદ કરી હતી. આ શાલનું ફેબ્રિક ખૂબ જ ખાસ હતું અને દરેક વ્યક્તિ તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.એવા અહેવાલો છે કે આલિયાની ચૂડા સેરેમની થઈ ન હતી.
તેનું કારણ પણ સામે આવ્યું છે. જો આલિયાની ચૂડા સેરેમની થાય તો તેણે ઓછામાં ઓછા 40 દિવસ સુધી ચૂડો પહેરવો પડે. અને આલિયા માટે આમ કરવું મુશ્કેલ હતું. આલિયા બહુ જલ્દી પોતાની નવી ફિલ્મનું શૂટિંગ કરવાની છે. આ તેનો હોલિવૂડ ડેબ્યૂ પ્રોજેક્ટ હોવાની શક્યતા છે. આ કારણે આલિયા માટે 40 દિવસ સુધી ચૂડો પહેરવો શક્ય નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્ન બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હનીમૂન માટે સાઉથ આફ્રિકા જઈ શકે છે. જોકે બંને પોતાની ફિલ્મોના કામમાં વ્યસ્ત પણ છે. રણબીર હવે ફિલ્મ ‘એનિમલ’નું શૂટિંગ શરૂ કરશે, જ્યારે આલિયા તેની નવી ફિલ્મનું શૂટિંગ કરવા જઈ રહી છે. આ ઉપરાંત બંને જલ્દી જ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે.