ખબર

ભ્રષ્ટાચાર ગુજરાતના ગામડામાં પણ ફાટ્યો, ડેપ્યુટી સરપંચ અને હંગામી ક્લાર્ક આટલા લાખની લાંચ લેતા ઝડપાયા

વલસાડના ગામમાં સરપંચ અને ક્લાર્કે બિચારા ખેડૂત પાસે જમીનમાં મકાન અને દુકાન બનાવવા માંગી અધધધ લાખની લાંચ, રકમ સાંભળીને તમ્મર ચડી જશે

મોટાભાગના લોકોને સરકારી કામો કઢાવવા માટે ક્યાંકને ક્યાંક લાંચ આપવી પડતી હોય છે, દેશમાં દરેક જગ્યાએ ભ્રસ્ટાચારના મામલાઓ સતત સામે આવતા જોવા મળે છે, ગુજરાતમાંથી પણ કોઈ કામ ઉકેલવા માટે સરકારી બાબુઓ દ્વારા લાંચ લેવાના મામલાઓ સામે આવતા રહે છે, ત્યારે હાલ એક એવો જ મામલો સામે આવ્યો છે, જેમાં ગામના ડેપ્યુટી સરપંચ અને હંગામી ક્લાર્ક લાખોની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે.

આ મામલો સામે આવ્યો છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા સોળસુંબા ગામમાંથી. જ્યાં એક પરિવારને પોતાની વડીલોપાર્જિત જમીનની અંદર રહેણાંક મકાન અને ધંધા માટે દુકાન બનાવવી હતી, જેના માટે તેમને પંચાયતમાંથી પરમિશનની માંગણી કરી હતી. ત્યારે આ પરમિશન આપવા માટે ગામના ડેપ્યુટી સરપંચ અને હંગામી ક્લાર્ક દ્વારા રૂપિયા 15 લાખની લાંચ માંગવામાં આવી હતી.

જેના બાદ આખો મામલો 12 લાખમાં સમાધાન કરીને નક્કી કરવામાં આવ્યો હતો. મકાન અને દુકાન બાંધવા વાળો પરિવાર લાંચની રકમ આપવા માંગતો નહોતો, જેના કારણે તેમને ACBના હેલ્પલાઇન ઉપર કોલ કરીને ફરિયાદ નોંધાવી હતી.  જેના બાદ સુરત એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. ડેપ્યુટી સરપંચ અને હંગામી ક્લાર્ક જેવા જ કારની અંદર લાંચની રકમનો પહેલો હપ્તો સ્વીકારી રહ્યા હતા ત્યારે જ ACBએ તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

સોળસુંબા ગામના ડેપ્યુટી સરપંચ અમિત પટેલ અને પંચાયતનો ડેપ્યુટી ક્લાર્ક કૃષાંગ હિતેશભાઈ ચંદારાણાની સુરત ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જમીનની અંદર મકાન અને દુકાન બાંધવા માટે પંચાયતની રજા ચિઠ્ઠી અને ઠરાવની જરૂર હતી, જેના માટે આ બંનેએ 15 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને 12 લાખમાં સોદો નક્કી થતા પહેલો હપ્તો 3 લાખ રૂપિયાનો લેતી વખતે જ આ બંનેને સુરત એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા.