સારવાર માટે સૈફે કર્યો 36 લાખનો ક્લેમ, 25 લાખનું ઇનિશિયલ અમાઉન્ટ અપ્રુવ, ડોક્યુમેન્ટ લીક !
સૈફ અલી ખાનના ઓપરેશનમાં ખર્ચ થયા આટલા લાખો….ઇન્શ્યોરન્સ કંપની પાસે કરી કૈશલેસ ટ્રીટમેન્ટની ડિમાંડ- આ છે બિલ
બુધવારે મોડી રાત્રે બાંદ્રામાં બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર એક હુમલાખોરે છરી વડે અનેક વાર હુમલો કર્યો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો. સૈફને ગરદન, પીઠ અને હાથ સહિત શરીરના અનેક ભાગોમાં ઈજાઓ થઈ હતી. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં અભિનેતાની સર્જરી કરવામાં આવી. હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) એ જણાવ્યું હતું કે અભિનેતા ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે, તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. હાલમાં તે બેડ રેસ્ટ પર છે.
આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે અભિનેતાએ પોતાની સારવાર માટે વીમાનો દાવો કર્યો છે. સૈફ અલી ખાનનો સ્વાસ્થ્ય વીમા દાવા ફોર્મ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર સામે આવ્યો છે. સૈફ અલી ખાન પાસે નિવા બુપાની પોલિસી છે. લીક થયેલા દસ્તાવેજોમાં ખુલાસો થયો છે કે સૈફ અલી ખાને પોતાની સારવાર માટે 35.95 લાખ રૂપિયાનો દાવો કર્યો હતો, જેમાંથી 25 લાખ રૂપિયા વીમા કંપની દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. જો કે, 25 લાખ રૂપિયા ફક્ત કેશલેસ સારવાર માટે મંજૂર કરાયેલ ઇનિશિયલ અમાઉન્ટ છે.
એકવાર અંતિમ બિલ પ્રાપ્ત થઈ જાય, પછી બાકીની રકમ જો કોઈ હોય તો પોલિસીના નિયમો અને શરતો અનુસાર ચૂકવવામાં આવશે. આ ઉપરાંત દસ્તાવેજોમાં તેમના સભ્ય ID, નિદાન, રૂમનો પ્રકાર અને 21 જાન્યુઆરીની ડિસ્ચાર્જ તારીખ જેવી સંવેદનશીલ માહિતી શામેલ છે. દસ્તાવેજમાં આપવામાં આવેલી માહિતીના આધારે, 54 વર્ષીય અભિનેતા હાલમાં બાંદ્રા સ્થિત લીલાવતી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના એક સ્યુટ રૂમમાં છે, જ્યાં 16 જાન્યુઆરી 2025ના રોજ દાખલ થયા પછી તે શારીરિક ઇજાઓ માટે સારવાર લઈ રહ્યા છે.
પરિવારે શરૂઆતમાં 35,98,700 રૂપિયાની માંગણી કરી હતી. કંપનીએ સારવાર માટે રૂ. 25,00,000ની ઇનિશયલ અમાઉન્ટ મંજૂર કરી છે. નિવા બુપા હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીએ દાવાની પુષ્ટિ કરી અને કહ્યું- સૈફ અલી ખાન અમારા પોલિસી ધારકોમાંથી એક છે. તેમના હોસ્પિટલમાં દાખલ થયા પછી અમને કેશલેસ પ્રી-ઓથોરાઇઝેશન વિનંતી મોકલવામાં આવી હતી અને અમે તેમની સારવાર માટે પ્રારંભિક રકમ મંજૂર કરી દીધી છે. કંપનીએ કહ્યું કે સારવાર પૂર્ણ થયા પછી જ્યારે અમને અંતિમ બિલ મળશે ત્યારે પોલિસીના નિયમો અને શરતો અનુસાર તેનું સમાધાન કરવામાં આવશે.