આર્થિક સંકટ વચ્ચે વર્લ્ડકપ વિજેતા ટીમના આ ખેલાડીએ પેટ્રોલ પંપ ઉપર લોકોને આપ્યા ચા અને બન, તસવીરો જીતી રહી છે દિલ

શ્રીલંકાની અંદર આર્થિક સંકટ ધીમે ધીમે વધી રહ્યું છે, ત્યારે દુનિયાભરના દેશો પણ શ્રીલંકાની આર્થિક મદદ કરી રહ્યા છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં વિશ્વ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂકેલા એક ખેલાડીની દરિયાદિલી સામે આવી રહી છે, આ ખેલાડીની યુઝર્સ ખુબ જ પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે.

શ્રીલંકાના વર્લ્ડ કપ વિજેતા ખેલાડી રોશન મહાનામા પોતાના દેશવાસીઓની મદદ માટે આગળ આવ્યા છે. પેટ્રોલ પંપ પર લાંબી કતારોમાં ઉભેલા લોકોને જરૂરી વસ્તુઓનું વિતરણ કરીને મહાનામા તેમના વતી મદદ કરી રહ્યા છે. એટલું જ નહીં શ્રીલંકાના આ પૂર્વ ક્રિકેટર પોતાના દેશના લોકોને ચા પીરસતા પણ જોવા મળ્યા છે.

આ ક્રિકેટરે પોતે ટ્વિટ કરીને પોતાની વાત સૌની સામે રાખી છે. મહાનામાએ ટ્વીટમાં લખ્યું, ‘અમે વોર્ડ પ્લેસ અને વિજેરામા માવથાની આસપાસ પેટ્રોલ માટે કતારમાં ઉભા લોકોને ભોજન પીરસવાનું કામ કર્યું. આ કતારો દરરોજ લાંબી થતી જાય છે. કતારોમાં ઉભેલા લોકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. કૃપા કરીને ઇંધણની લાઇનમાં એકબીજાની સંભાળ રાખો. એકબીજાને મદદ કરો.’ શ્રીલંકન ક્રિકેટરની આ હરકતના લોકો પણ વખાણ કરી રહ્યા છે.

દેશ ખૂબ જ જરૂરી ઇંધણની આયાત માટે ચૂકવણી કરવા માટે વિદેશી હૂંડિયામણ માટે સંઘર્ષ કરી રહ્યો છે અને પેટ્રોલ અને ડીઝલનો વર્તમાન સ્ટોક થોડા દિવસોમાં સમાપ્ત થવાની ધારણા છે. રોશન મહાનમાએ શ્રીલંકા માટે 52 ટેસ્ટ અને 213 વનડે રમી છે. તેણે ટેસ્ટમાં 4 સદી અને 11 અડધી સદી ફટકારીને કુલ 2576 રન બનાવવામાં સફળતા મેળવી છે.

મહાનામાએ વનડેમાં 4 સદી અને 35 અડધી સદીની મદદથી 5162 રન બનાવ્યા છે. તે 1996માં વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકાની ક્રિકેટ ટીમનો પણ ભાગ હતો. 1996ના વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. મહાનામાએ 1999ના વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

Niraj Patel