...
   

મુંબઇના રસ્તા પર લેમ્બોર્ગિની ચલાવતો જોવા મળ્યો હિટમેન રોહિત શર્મા, નંબર પ્લેટમાં જોવા મળ્યુ વર્લ્ડ રેકોર્ડ સાથે કનેક્શન

ભારતીય કેપ્ટન રોહિત શર્મા શ્રીલંકા પ્રવાસ બાદ લાંબા બ્રેક પર છે. ત્યારે આ વચ્ચે તે મુંબઈમાં તેની સ્પેશિયલ 0264-પ્લેટેડ લેમ્બોર્ગિની ચલાવતો જોવા મળ્યો હતો. મુંબઈના રસ્તા પર રોહિતની આ સ્પેશિયલ રાઈડિંગનો વીડિયો પણ સામે આવ્યો છે. વાસ્તવમાં શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રોહિતનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે મુંબઈ0ના રસ્તા પર તેની બ્લૂ લેમ્બોર્ગિની ચલાવતો જોઈ શકાય છે. રોહિતની આ કારની સ્પેશિયલ નંબર પ્લેટ છે.

રોહિત શર્માની આ કારનો નંબર MH01 EB 0264 છે. હિટમેનની કારની નંબર પ્લેટમાં વર્લ્ડ રેકોર્ડનું કનેક્શન સ્પષ્ટ જોવા મળે છે. રોહિત શર્માની કારનો નંબર ‘0264’ છે. આ કોઈ સામાન્ય નંબર નથી, પરંતુ વિશ્વ રેકોર્ડ છે. હિટમેને વર્ષ 2014માં શ્રીલંકા સામે આ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં રોહિતે 173 બોલમાં 33 ફોર અને 9 સિક્સરની મદદથી 264 રન બનાવ્યા હતા. ODI ક્રિકેટના ઈતિહાસની આ સૌથી મોટી ઈનિંગ છે.

આ મહિનાની શરૂઆતમાં શ્રીલંકા સામેની ODI શ્રેણી રમ્યા બાદ રોહિત શર્મા લાંબા બ્રેક પર છે. રોહિત હવે 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ સીરીઝમાં રમતો જોવા મળશે. ભારતીય ટીમને શ્રીલંકા પ્રવાસ પર ODI શ્રેણીમાં 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કેપ્ટન રોહિત શર્માએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 3 ઇનિંગ્સમાં 52.33ની એવરેજ અને 141.44ના સ્ટ્રાઇક રેટથી 157 રન બનાવ્યા હતા. તે આ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.

રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે 29 જૂને T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ સાથે જ ભારતનો ICC ટ્રોફી જીતવાનો દુષ્કાળ સમાપ્ત થઈ ગયો. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાયેલા આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે એકપણ મેચ હાર્યા વિના ટ્રોફી જીતી હતી. ભારતીય ટીમની આ ટાઈટલ જીતમાં કેપ્ટન રોહિત શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રોહિત ટુર્નામેન્ટમાં 257 રન સાથે સૌથી વધુ ભારતીય બેટ્સમેન હતો.

Shah Jina