IIFL ફાયનાન્સ હવે નવી ગોલ્ડ લોન આપી શકશે નહીં. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ તેના પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. RBIને ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં ઘણી ગેરરીતિઓ મળી છે. જો કે, કંપની હાલના ગોલ્ડ લોન ગ્રાહકોને સેવા આપવાનું ચાલુ રાખી શકશે. RBIએ કહ્યું- છેલ્લા કેટલાક મહિનાઓથી, સેન્ટ્રલ બેંક કંપનીના વરિષ્ઠ મેનેજમેન્ટ અને ઓડિટર્સ સાથે આ ખામીઓ પર ચર્ચા કરી રહી હતી, પરંતુ હજુ સુધી કોઈ અર્થપૂર્ણ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં, ગ્રાહકોના એકંદર હિતમાં આ પ્રતિબંધ જરૂરી હતો.
RBI તપાસમાં કંપનીના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં 4 મોટી ખામીઓ જોવા મળી
લોનની મંજૂરી અને ડિફોલ્ટ પર નીલામી સમયે સોનાની શુદ્ધતા અને વજનની તપાસમાં ગડબડી હતી, લોન-ટુ-વેલ્યુ રેશ્યોનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું એટલે કે લિમિટથી વધુ લોન આપવામાં આવી રહી હતી. કંપની રોકડમાં લોનના વિતરણ અને સંગ્રહની મર્યાદાનું પણ ઉલ્લંઘન કરી રહી હતી. આરબીઆઈને ગ્રાહકોના ખાતા પર વસૂલવામાં આવતા ચાર્જીસ વગેરેમાં પારદર્શિતાનો અભાવ જોવા મળ્યો હતો.
IIFL ફાઇનાન્સ લિમિટેડ એક નાણાકીય સેવા કંપની છે. તે તેની પેટાકંપનીઓ IIFL હોમ ફાઇનાન્સ લિમિટેડ, IIFL સમસ્ત ફાઇનાન્સ લિમિટેડ અને IIFL ઓપન ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ સાથે વિવિધ પ્રકારની લોન ઓફર કરે છે. હોમ લોન, ગોલ્ડ લોન, બિઝનેસ લોન, પ્રોપર્ટી સામે લોન અને માઇક્રો ફાઇનાન્સ જેવી લોનનો સમાવેશ થાય છે. કંપનીની 500થી વધુ શહેરોમાં 2600થી વધુ શાખાઓ છે જેના દ્વારા તે તેની સેવાઓ પ્રદાન કરે છે.
IIFLનો શેર સોમવારે 3.94% ઘટીને 598 પર બંધ થયો હતો. મંગળવારે આ શેર 477.75 પર આવી ગયો. IIFL Finance પહેલા RBIએ ગત 31 જાન્યુઆરીએ Paytm Payments Bank પર બેનની કાર્યવાહી કરી હતી. જણાવી દઇએ કે, IIFLનો લોનનો કારોબાર 77,444 કરોડ છે, જેમાં 32 ટકા હિસ્સો માત્ર ગોલ્ડ લોનનો છે. આ હિસાબે જોવા દઇએ તો ગોલ્ડ લોન બિઝનેસમાં દેષની ટોપ એનબીએફસીમાં સામેલ છે. તેનો Gold Loan પોર્ટફોલિયો 24,692 કરોડ રૂપિયા છે.