ગુજરાત ટાઇટન્સના સ્ટાર ઓલરાઉન્ડર રાશિદ ખાનનું જીવન રહ્યું છે ખુબ જ સંઘર્ષ ભરેલું, મજબૂરીમાં જવું પડ્યું હતું પાકિસ્તાન

રાશિદ ખાનની માતા ઇચ્છતી હતી કે દીકરો ડોક્ટર બને, પરંતુ બની ગયો ક્રિકેટર, માતા પિતાના 11 સંતાનોમાં દીકરાએ નામ કર્યું રોશન, જુઓ કેવી રહી છે રાશિદની સંઘર્ષ ભરેલી લાઈફ

હાલ આખા દેશની અંદર IPLનો માહોલ છવાયેલો છે, ત્યારે આ દરમિયાન IPLમાં રમનારા ખેલાડીઓની કહાનીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, એવા જ એક પ્લેયર છે જેને કરામાતી ખાન તરીકે આખી દુનિયા ઓળખે છે અને પોતાના સ્પિન બોલિંગથી તેને દુનિયાભરના બેટ્સમેનો ફફડી ઉઠે છે. ત્યારે હાલ તે ગુજરાતની ટીમમાં છે અને બેટિંગથી પણ તેને દર્શકોનું દિલ જીતી લીધું છે.

અફઘાનિસ્તાનના સ્પિનર ​​રાશિદ ખાને ઈતિહાસ રચ્યો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની મેચમાં સુકાની કરનાર રાશિદ અફઘાનિસ્તાનનો પ્રથમ ખેલાડી બન્યો. રાશીદે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમનું નેતૃત્વ કર્યું હતું. ખાસ વાત એ છે કે રાશિદ IPLમાં ભાગ લેનાર પોતાના દેશનો પહેલો ખેલાડી હતો.

રાશિદ ખાનનું IPLમાં કેપ્ટન તરીકે ડેબ્યુ શાનદાર રહ્યું હતું. રાશિદે બેટથી શાનદાર રમત બતાવી અને 21 બોલમાં અણનમ 40 રન બનાવ્યા. તેની કેપ્ટનશીપની ઇનિંગ્સને કારણે ગુજરાત ટાઇટન્સે CSK સામે ત્રણ વિકેટથી રોમાંચક જીત મેળવી હતી. રાશીદ ખાને 19મી ઓવરમાં માત્ર 6 રન આપ્યા અને બોલ સાથે પણ શાનદાર પ્રદર્શન કર્યું.

23 વર્ષીય રાશિદ ખાનનો જન્મ અફઘાનિસ્તાનના નાંગરહારમાં થયો હતો. રાશિદ તેના માતા-પિતાના 11 બાળકોમાંથી એક છે. આવી સ્થિતિમાં મોટો પરિવાર હોવાના કારણે તેમનું બાળપણ મુશ્કેલીઓમાં વીત્યું. તે સમયે અફઘાનિસ્તાન યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું, આવી સ્થિતિમાં રાશિદના પરિવારની મુશ્કેલીઓ બમણી હતી. આ સંજોગોને જોતા રાશિદ તેના પરિવાર સાથે પાકિસ્તાન ચાલ્યો ગયો, જ્યાં તેની ક્રિકેટમાં રુચિ શરૂ થઈ. રાશિદ ખાનની માતા ઇચ્છતી હતી કે રાશિદ ડોક્ટર બને પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજુર હતું.

અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ રાશિદનો પરિવાર પોતાના દેશ પરત ફર્યો હતો. ત્યારબાદ રાશિદે પોતાના દેશમાં ફરી અભ્યાસ શરૂ કર્યો. રાશિદ તેના ભાઈઓ સાથે ક્રિકેટ રમીને મોટો થયો હતો. બાળપણમાં રાશિદનો રોલ મોડલ પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી હતો, તેની એક્શન જોઈને તેણે બોલિંગ શરૂ કરી દીધી હતી.

રાશિદ ખાનની મહેનત રંગ લાવી અને તેને 18 ઓક્ટોબર 2015ના રોજ ઝિમ્બાબ્વે સામે અફઘાનિસ્તાન તરફથી ODI ડેબ્યૂ કરવાની તક મળી. પછી તે જ વર્ષે 26 ઓક્ટોબરે, તેણે ઝિમ્બાબ્વે સામે જ તેની T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું. જૂન 2018માં તેને ભારત સામે અફઘાનિસ્તાનની ડેબ્યૂ મેચમાં ભાગ લેવાની તક મળી.

રાશિદને 2019 ક્રિકેટ વર્લ્ડ કપ પછી ત્રણેય ફોર્મેટમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કેપ્ટન તરીકે તેની પ્રથમ ટેસ્ટ મેચ સપ્ટેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે હતી, જ્યાં તેણે રેકોર્ડ તોડ્યો હતો. તે મેચમાં રાશિદે અડધી સદી ફટકારવા ઉપરાંત દસ વિકેટ લીધી હતી. તે જ વર્ષે ડિસેમ્બરમાં, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે અસગર અફઘાનને ત્રણેય ફોર્મેટમાં રાષ્ટ્રીય કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા.

IPL 2022ની હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સે રાશિદ ખાનને 15 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો. આ પહેલા તે ગત સિઝનમાં સનરાઇઝર્સ ટીમનો ભાગ હતો. રાશિદે અફઘાનિસ્તાન માટે 5 ટેસ્ટ, 80 ODI અને 58 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જે દરમિયાન તેના નામે 290 વિકેટ છે. રાશિદ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનારો સૌથી યુવા ક્રિકેટર છે.

Niraj Patel