રખડતા ઢોરને લીધે લગ્નના ફેરા બાદ મિત્રો સાથે નાસ્તો કરવા જતા વરરાજાનું થયું મોત, દુલ્હન ઘરે રાહ જોતી રહી-જાણો સમગ્ર અહેવાલ
ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં અકસ્માતને પગલે રાજકોટથી પોતાના વાલાસણ ગામે લગ્ન કરીને ઘરે આવેલા વરરાજાનું કરૂણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યુ છે. ઘરમાં વહુના કંકુ પગલાં બાદ ઉત્સવનો માહોલ હતો પરંતુ વરરાજાનું લગ્ન બાદ પત્ની પાસે ગયા પહેલા જ મોત થતા ચકચારી મચી ગઇ.
પત્ની સાથે વરરાજા જાય એ પહેલા બધા મિત્રો તેને પરાણે નાસ્તો કરવાનો ફોર્સ કરવા લાગ્યા અને રસ્તામાં રખડતા ઢોરને કારણે ગાડી પલટી ખાઈ જતા અન્ય 4 મિત્રોને તો કઈ ન થયું પરંતુ વરરાજાનું મોત નીપજ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના એસઆરપી કેમ્પ પાસે આવેલ આસ્થા રેસિડેન્સીમાં રહેતા રવિરાજસિંહના લગ્ન તેના વતન વાલાસણ ગામ ખાતે હતા,
27 ફેબ્રુઆરીએ રવિરાજસિંહ વાળાનું ફુલેકુ નીકળ્યું અને તે બાદ તેના લગ્ન થયા. રવિરાજસિંહ લગ્ન બાદ દુલ્હન સાથે ઘરે પણ આવ્યો પરંતુ આ દરમિયાન મિત્ર અને સગા સંબંધીઓએ રવિરાજસિંહને નાસ્તો કરવા જવા માટે કહ્યું હતું.
જોકે, આ માટે રવિરાજસિંહે ચોખ્ખી ના પાડી પણ ફોર્સ કરીને મિત્રો અને સંબંધીઓ તેને નાસ્તો કરવા લઈ ગયા હતા. આ દરમિયાન જ વાલાસણ-પાનેલી વચ્ચે કાર આગળ પશુ આવી જતા કાર પલટી મારી ગઈ અને જેમાં વરરાજાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું. કંકુ પગલા બાદ ઘરમાં જ્યારે પત્ની પતિની રાહ જોઇ રહી હતી ત્યારે સમાચાર આવ્યા કે તેનું મોત થઇ ગયુ છે. આ ખબર બાદ તો પરિણિતાનાં માથે આભ ફાટી પડ્યુ. હજુ તો લગ્ન થયાને એક દિવસ પણ પૂરો નહોતો થયો અને નવી નવેલી દુલ્હને પતિને ગુમાવ્યો.