આવશે વરસાદ… ઢેબરીયો વરસાદ…! કાળઝાળ ગરમીથી રાહત મળશે રાહત, જોડે રાખજો રેઇનકોટ અને છત્રી

હાલ તો સમગ્ર રાજયમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ધોમધખતા તાપથી લોકો કંટાળી હવે વરસાદ ક્યારે વરસે તેની રાહ જોઇ રહ્યા છે. ત્યારે તમને જણાવી દઇએ કે, જે લોકો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે. આજથી રાજયમાં 5 દિવસ સુધી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સુરત, વડોદરા, ભાવનગર, અમરેલી, ભરૂચ, ગીર સોમનાથ તેમજ તાપી ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

કેરળમાં ચોમાસુ બેસ્યા બાદ અમરેલીના સાવરકુંડલામાં વરસાદી માહોલ જામ્યો હતો અને બનાસકાંઠા તેમજ રાજયના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વરસાદની શરૂઆત થતા જ અમરેલીના લાઠીમાં 2.76 ઈંચ વરસાદ વરસ્યો હતો. બીજા વિસ્તારોની વાત કરીએ તો, રાજયમાં પશ્ચિમ દક્ષિણના પવન ફૂંકાઇ રહ્યા છે અને હવે થન્ડર સ્ટોમ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં એક્ટિવ થશે. ઉલ્લેખનીય છે કે, ધંધુકામાં 34 મિમી વરસાદ વરસ્યો હતો અને પ્રિ-મોનસૂનની શરૂઆતમાં જ વીજળી પડતા રાજયમાં ચાર જેટલા લોકો મોતને પણ ભેટ્યા હતા.

આવતીકાલ એટલે કે 11 જૂનના રોજ અમદાવાદ સહિત સુરત, ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડી, ડાંગ અને તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રવિવારના રોજ અમદાવાદ, ભાવનગર અને અમરેલી સહિત આણંદ, વડોદરા, સુરત, ખેડા, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદ પડશે. તેમજ સોમવારના રોજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને તાપી સહિત ડાંગમાં વરસાદ વરસશે.

બીજી બાજુ ભારતીય હવામાન વિભાગની વાત કરીએ તો IMDએ જણાવ્યુ હતુ કે, ચોમાસું સામાન્ય ગતિએ આગળ વધી રહ્યું છે. હવામાન કચેરીએ અરુણાચલ પ્રદેશમાં 10 અને 11 જૂને અને આસામ અને મેઘાલયમાં આગામી પાંચ દિવસ સુધી મુશળધાર વરસાદ થવાની ચેતવણી પણ આપી છે.

Shah Jina