જ્યાં રમાયો હતો ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપનો મુકાબલો, તે ક્રિકેટ સ્ટેડિયમ પર ચાલશે બુલડોઝર- જાણો કારણ

ન્યુયોર્કમાં જ્યાં ભારતે લગાવી જીતની હેટ્રિક અને રમાયો ભારત-પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડકપનો મહામુકાબલો તે સ્ટેડિયમ પર ચાલશે બુલડોઝર

ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની 8 મેચો આયોજિત કરાઇ હતી. આ મેદાન પર છેલ્લી મેચ 12 જૂને રમાઈ હતી અને આ મેચમાં ભારતે યુએસએને હરાવ્યું હતું. હવે આ સ્ટેડિયમ 14 જૂને તોડી પાડવામાં આવશે, જેની તૈયારી શરૂ થઈ ગઈ છે. જણાવી દઈએ કે T-20 વર્લ્ડ કપની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે. અમેરિકામાં પ્રથમ વખત T-20 વર્લ્ડ કપની મેચો રમાઈ હતી.

ન્યૂયોર્કમાં માત્ર T-20 વર્લ્ડ કપની મેચો માટે જ કામચલાઉ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું. આ નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપરહિટ મેચ રમાઈ હતી, જેમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની 8 મેચ યોજાઈ અને હવે આ સ્ટેડિયમ 14 જૂને તોડી પાડવામાં આવશે. રિપોર્ટ અનુસાર, આ સ્ટેડિયમ બનાવવા માટે લગભગ 248 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ મોડ્યુલર સ્ટેડિયમને બનાવવામાં લગભગ 106 દિવસનો સમય લાગ્યો હતો. ત્યારે હવે આ સ્ટેડિયમ 6 અઠવાડિયામાં તોડી પાડવામાં આવશે. જણાવી દઈએ કે નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં ડ્રોપ ઇન પીચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પિચ એડિલેડથી મંગાવવામાં આવી હતી. નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમની પિચ પર સૌથી વધુ 137 રન બન્યા હતા. આ મોડ્યુલર સ્ટેડિયમની વિશેષતા એ હતી કે તેમાં 30 હજારથી વધુ લોકો માટે બેસવાની વ્યવસ્થા હતી.

Shah Jina