આ છે કુવૈતની એ બિલ્ડિંગના માલિક…જ્યાં આગમાં બળી ખાખ થઇ ગયા 41 ભારતીયો
લોકો કેરળના પ્રખ્યાત અબજોપતિ બિઝનેસ ટાયકૂન અને કુવૈતમાં ભારતીય નાગરિકોને રાખતા બિલ્ડિંગના માલિક કેજી અબ્રાહમ વિશે ગુગલ કરી રહ્યાં છે. આ એટલા માટે કારણ કે કેજી અબ્રાહમની માલિકીની બિલ્ડિંગ એક સ્મશાન બની ગઈ. કુવૈતના સ્થાનિક સમય અનુસાર બુધવારે સવારે સાડા ચાર વાગ્યા આસપાસ મંગાફ શહેરમાં આવેલા લેબર કેમ્પના રસોડામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે થોડી જ વારમાં મોટુ રૂપ ધારણ કરી લાધુ અને ઉપરના માળ સુધી ઝડપથી ફેલાઈ ગઈ. કેટલાક લોકોએ તો જીવ બચાવવા માટે ઉપરથી કૂદકો પણ માર્યો.
કેટલાક લોકો સીલબંધ કાચની બારીઓ હોવાના કારણે બહાર ન આવી શક્યા અને ત્યાં જ બળીને રાખ થઈ ગયા. કુવૈતના ગૃહમંત્રીએ એ આદેશ પણ આપ્યો હતો કે બિલ્ડિંગના ગાર્ડ અને બિલ્ડિંગમાં રહેવાવાળા મજૂરો માટે જવાબદાર કંપનીના માલિકની ધરપકડ કરે. કુવૈતના ડેપ્યુટી પીએમએ ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ તપાસના આદેશ આપ્યા હતા અને કહ્યું હતું કે આ ઘટના માટે જવાબદાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં, પછી ભલે તે કોઈ પણ હોય.
કુવૈતના ગૃહમંત્રીએ કહ્યું હતું કે જે પણ થયું તે કંપની માલિક અને બિલ્ડિંગ માલિકના લોભનું પરિણામ છે. કુવૈતની ઓથોરિટીને નિયમો વિરુદ્ધ બાંધવામાં આવેલી ઈમારતો પર તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કંપનીએ પોતાની લાલચમાં મોટી સંખ્યામાં શ્રમિકોને એકસાથે એવી આવાસીય ઇમારતમાં રાખ્યા હતા, જેના કારણે અકસ્માતની તીવ્રતા વધી હતી. જણાવી દઇએ કે, જે બિલ્ડિંગમાં આગ લાગી અને 41 જેટલા ભારતીયો બળીને રાખ થઇ ગયા તેના માલિક કે.જી.અબ્રાહમ છે, જે મૂળ ભારતીય છે.
કે.જી.અબ્રાહમ કેરળના તિરુવલ્લાના બિઝનેસમેન છે. KG અબ્રાહમને ‘KGA’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ KGA ગ્રુપ ઓફ કંપનીઝના સ્થાપક અને ચેરમેન છે. તેઓ 22 વર્ષની ઉંમરે કુવૈત ગયા હતા અને ત્યાંની હવા-પાણી તેમને એટલી રાસ આવી કે તેઓ બિઝનેસ ટાયકૂન બની ગયા. તેઓ વર્ષ 1977થી કુવૈતમાં તેલ અને સંલગ્ન ઉદ્યોગો સાથે જોડાયેલા છે.