PM મોદી સહિત અનેક નેતાઓ તથા દિગ્ગ્જ કલાકારોએ આપી કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ, કાલે થશે અંતિમ સંસ્કાર

રાજુ શ્રીવાસ્તવના નિધનથી પરિવાર અને સ્ટાર્સ સહિત ચાહકોની પણ આંખો નમ, PMએ આપી કોમેડિયનને શ્રદ્ધાંજલિ

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી રહ્યા. રાજુ શ્રીવાસ્તવનું બુધવારે નિધન થયું હતું. તેમને 10 ઓગસ્ટે કાર્ડિયાક અરેસ્ટ બાદ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવ 58 વર્ષના હતા. દિલ્હીના એક જીમમાં કસરત કરી રહ્યા હતા ત્યારે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. પીએમ મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, અખિલેશ યાદવ સહિત અનેક મોટા નેતાઓ અને ફિલ્મી હસ્તીઓએ રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાજુ શ્રીવાસ્તવની પત્ની, પુત્ર અને પુત્રી દિલ્હી AIIMS પહોંચ્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે 9.30 વાગ્યે દિલ્હીમાં કરવામાં આવશે. રાજુ શ્રીવાસ્તવના સાળાએ જણાવ્યું કે બુધવારે સવારે તેમનું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું હતું. આ પછી તેમને CPR આપવામાં આવ્યું. પહેલા તેમણે રિસપોન્સ આપ્યો. પરંતુ બાદમાં તેમનું નિધન થઇ ગયુ, તેને બે-ત્રણ દિવસમાં વેન્ટિલેટર પરથી હટાવવો પડ્યો હતો. તેની દવાઓનો ડોઝ પણ ઘણો ઓછો થઈ ગયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોમેડિયનને શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટ કરીને લખ્યું, રાજુ શ્રીવાસ્તવે હાસ્ય, રમૂજ અને સકારાત્મકતાથી જીવન ઉજ્જવળ કર્યું. તે ખૂબ જ જલ્દી આપણને છોડીને ચાલ્યા ગયા, પરંતુ વર્ષોથી તેમના સમૃદ્ધ કાર્ય માટે તેઓ અસંખ્ય લોકોના હૃદયમાં જીવંત રહેશે. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. શાંતિ…અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું, “પ્રસિદ્ધ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીની એક અનોખી શૈલી હતી, તેમણે પોતાની અદભૂત પ્રતિભાથી બધાને પ્રભાવિત કર્યા.

તેમના નિધનથી કલા જગતને મોટી ખોટ પડી છે. હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. શાંતિ શાંતિ…ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો હતો, તેમણે લખ્યુ-મિમિક્રી કિંગ અને મહાન કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીના અકાળ અવસાનથી ખૂબ જ દુઃખી છું. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી દિલથી સંવેદના..આ ઉપરાંત રાજપાલ યાદવે લખ્યું, મારી પાસે આ નુકસાનને વર્ણવવા માટે શબ્દો નથી. તમે અમને બધાને ખૂબ જલ્દી છોડી દીધા.

મારા ભાઈ તમને ખૂબ જ યાદ આવશે. હું આ સમાચાર પર વિશ્વાસ કરી શકતો નથી. જણાવી દઇએ કે, રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. બાળપણમાં તેમનું નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ હતું. રાજુને નાનપણથી જ મિમિક્રી અને કોમેડીનો ખૂબ શોખ હતો. રાજુને કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જથી ઓળખ મળી હતી. આ શોની સફળતા બાદ રાજુએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.

રાજુ શ્રીવાસ્તવે 1993માં શિખા શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે. રાજુ શ્રીવાસ્તવ 1980 ના દાયકાના અંતથી મનોરંજન ઉદ્યોગમાં સક્રિય હતા, પરંતુ તે ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનમાં ભાગ લીધા પછી લોકપ્રિય બન્યો હતો. તેણે ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોબ્બે તો ગોવા’ અને ‘આમદાની અથની ખરખા રૂપૈયા’માં અભિનય કર્યો હતો. રાજુ શ્રીવાસ્તવે ‘બિગ બોસ’ સિઝન ત્રીજીમાં પણ ભાગ લીધો હતો.

રાજુએ કોમેડીની દુનિયામાં પોતાનું નામ કમાવ્યું હતું અને ઘર-ઘરનો પ્રેમ જીત્યો હતો.રાજુ શ્રીવાસ્તવે રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. તેમને 2014માં કાનપુરથી લોકસભા ચૂંટણી માટે સપા તરફથી ટિકિટ મળી હતી. પરંતુ બાદમાં તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. આ પછી તેઓ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા.

પીએમ મોદીએ તેમને સ્વચ્છ ભારત અભિયાનમાં નામાંકિત કર્યા હતા. આ પછી તેમણે સ્વચ્છતાને લઈને વિવિધ શહેરોમાં ચલાવવામાં આવેલા અભિયાનોમાં પણ ભાગ લીધો હતો. રાજુ શ્રીવાસ્તવને 2019માં યુપી ફિલ્મ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

Shah Jina