ફાઇનલમાં હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ગયા PM મોદી, મોહમ્મદ શમીને લગાવ્યો ગળે તો જાડેજા સાથે મિલાવ્યો હાથ- આવી રીતે વધાર્યો ટીમનો હોંસલો

ફાઇનલમાં હાર બાદ PM મોદીએ મોહમ્મદ શમીને લગાવ્યો ગળે, સામે આવી ડ્રેસિંગ રૂમની ખાસ તસવીરો

PM Modi In World Cup 2023 Final: ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતીય ટીમનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ઓસ્ટ્રેલિયાની ટીમે રેકોર્ડ છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો છે. ભારતની હાર બાદ ખેલાડીઓની સાથે સાથે બધા ભારતીયોનું પણ દિલ તૂટી ગયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા

કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજની આંખોમાં તો આંસુ પણ આવી ગયા હતા. જેની તસવીરો જોઈને ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા. ભારતીય ટીમની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. મોહમ્મદ શમીએ એક ફોટો શેર કર્યો જેમાં તે વડાપ્રધાનને ગળે લગાવીને ખૂબ જ ભાવુક થયેલો જોવા મળી રહ્યો છે.

મોહમ્મદ શમીને લગાવ્યો ગળે

આ ફોટો શેર કરતી વખતે શમીએ લખ્યું, ‘દુર્ભાગ્યે ગઈકાલે અમારો દિવસ નહોતો. હું સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમારી ટીમ અને મને સપોર્ટ કરવા બદલ તમામ ભારતીય પ્રશંસકોનો આભાર માનું છું. હું પીએમનો આભારી છું જેઓ ખાસ ડ્રેસિંગ રૂમમાં આવ્યા અને અમને પ્રોત્સાહિત કર્યા. અમે વાપસી કરીશું.’ આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ પણ પીએમ સાથેની મુલાકાતનો ફોટો શેર કર્યો છે.

જાડેજા સાથે મિલાવ્યો હાથ

આ ફોટામાં પીએમ જાડેજા સાથે હાથ મિલાવી રહ્યા છે. જાડેજાએ લખ્યું, ‘અમારી ટૂર્નામેન્ટ ઘણી સારી હતી, પરંતુ ગઈકાલે અમે હારી ગયા. અમે બધા દુઃખી છીએ, પરંતુ લોકોનો ટેકો અમને પ્રોત્સાહિત કરી રહ્યો છે. PM ગઈકાલે ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા જે ખાસ અને ખૂબ જ પ્રેરણાદાયક હતું.’ શ્રેયસ અય્યરે પણ એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી. શ્રેયસે લખ્યું, ‘અમારું દિલ તૂટી ગયું છે. તે હજુ પણ શાંત નથી થયું અને થોડા સમય માટે નહીં થાય. આ મારો પહેલો વર્લ્ડ કપ હતો જેણે મને ઘણું શીખવ્યું.

શમી, જાડેજા સિવાય શ્રેયસ અય્યરે પણ શેર કરી પોસ્ટ

BCCI, ટીમ મેનેજમેન્ટ, સપોર્ટ સ્ટાફ અને ચાહકોનો આભાર કે જેમણે અમને શરૂઆતથી અંત સુધી સમર્થન આપ્યું. સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમને અભિનંદન.’ ઓસ્ટ્રેલિયન ટીમ 8મી વખત ફાઈનલ રમવા આવી હતી. ટીમે 1975માં વેસ્ટ ઈન્ડિઝ સામે અને 1996માં શ્રીલંકા સામે બે વખત હારનો સામનો કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 1987, 1999, 2003, 2007, 2015 અને 2023માં સૌથી વધુ 6 વખત આ ખિતાબ જીત્યો છે.

Shah Jina