વધુ એક પ્લેન અકસ્માત…આ વખતે અમેરિકામાંથી સામે આવ્યા ખરાબ સમાચાર, ઉડાન દરમિયાન પ્લેન ટકરાયુ બિલ્ડિંગ સાથે, 2ના મોત-18 ઘાયલ

California Plane Crash: છેલ્લા કેટલાક દિવસોથી વિમાન દુર્ઘટનાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે અમેરિકાના સાઉથ કેલિફોર્નિયામાંથી પ્લેન ક્રેશના સમાચાર સામે આવ્યા. અમેરિકાના સાઉથ કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશ થયું છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ગુરુવારે 2 જાન્યુઆરીના રોજ બપોરે સાઉથ કેલિફોર્નિયામાં એક સિંગલ એન્જિન પ્લેન એક કોમર્શિયલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું.

આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 18 ઘાયલ હોવાનું કહેવાય છે. ફુલર્ટન પોલીસ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે અને કેટલાકને ગંભીર ઈજાઓ થઈ છે. 10 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને 8ને ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પ્લેનની ઓળખ સિંગલ-એન્જિન વૈન RV-10 તરીકે કરી છે.

ચાર સીટર સિંગલ-એન્જિન પ્લેન ટેકઓફ કર્યાના એક મિનિટ પછી ક્રેશ થયું હતું. આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેનનો કાટમાળ છત પર સળગતો જોવા મળી રહ્યો છે. આ અકસ્માતને કારણે આગ આસપાસ ફેલાઈ ગઈ હતી. આગને કારણે એક વેરહાઉસને નુકસાન થયું છે, જેમાં સિલાઈ મશીન અને કપડાંનો સ્ટોક રાખવામાં આવ્યો હતો.

Shah Jina