નવીન સ્ટફ પરાઠા – પાપડ પરાઠા ઘરમાં હાજર રહેલ અમુક જ વસ્તુઓના ઉપયોગથી બનશે આ ટેસ્ટી પરાઠા

જય જલારામ. કેમ છો? આશા છે તમે પરિવાર સાથે સેફ હશો. જેમ જેમ આપણે બહાર જમતા થયા છે અને અનેક અવનવી વાનગીઓ ખાતા થયા છીએ ત્યારથી આપણા રસોડામાં પણ અનેક અવનવા અખતરા કરતા થયા છીએ. આજે હું પણ આવો જ એક અખતરો લઈને આવી છું.એકવાર અમે એક પંજાબી હોટલમાં ગયા હતા અને ત્યાંના મેન્યુમાં અનેક વાનગીઓ હતી હવે આપણે રહ્યા દેશી અને એમાંય નવી હોટલમાં જઈને નવા અખતરા કરવાનું માંડી વળ્યું અને છેલ્લે મંગાવ્યા આપણા જુના અને જાણીતા આલુ પરાઠા સાથે માખણ અને દહીં. હવે થોડીવાર રાહ જોઈને બેઠા જ હતા ત્યાં મેન્યુમાં બીજી વાનગીઓના નામ પર નજર કરી.

એમાં એક પરાઠાનું લિસ્ટ હતું એમાં અલગ અલગ સ્ટફ પરાઠા હતા, હવે આપણી આદત પ્રમાણે આપણે ત્યાં હોટલના એક વેટર ભાઈને બોલાવ્યા અને પૂછવા લાગ્યા કે આ પરાઠામાં શું આવશે કેવીરીતે બનશે? વગેરે જેવા અનેક સવાલથી પેલા ભાઈ કંટાળી ગયા અને કહી દીધું કે કોઈપણ પરાઠાના નામમાં જે વસ્તુનું નામ હોય એ સ્ટફ કરીને બનાવવામાં આવે છે. હવે દિમાગની બત્તી જલી અને આપણે વિચારી લીધું ઘરે એકવાર તો આ અખતરો કરવો જ જોઈએ. તો ચાલો આજે તમને શીખવાડી દઉં આ સ્ટફ પરાઠા બનવવા માટેની સરળ રેસિપી.પાપડ પરાઠા.

 • સામગ્રી:
 • ઘઉંનો જીણો લોટ – 1 કપ
 • મીઠું – સ્વાદ પ્રમાણે
 • પાણી – લોટ બાંધવા માટે
 • અડદના પાપડ – 4
 • મરી – 5 થી 6 નંગ
 • લીલા ધાણા – (બાળકો ધાણા ના ખાતા હોય તો આમાં વધારે ઉમેરીને ખવડાવી શકો.)
 • લીલા મરચા – એક કે બે નંગ
 • લાલ મરચું – સ્વાદ મુજબ
 • ધાણાજીરું – અડધી ચમચી
 • ચાટ મસાલો – એક ચપટી
 • ઘી – બે ચમચી (સ્ટફિંગમાં ઉમેરવા)
 • તેલ – એક ચમચી (લોટને મસળવા માટે)
 • ઘી – પરાઠા શેકવા માટે

1. સૌથી પહેલા લોટ બાંધવાના વાસણમાં લોટ લઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું.

2. હવે ધીરે ધીરે પાણી ઉમેરીને આપણે રોટલી જેટલો ઢીલો પણ નહિ અને ભાખરી જેટલો કઠણ પણ નહિ એવો લોટ બાંધી લઈશું.

3. હવે આ બાંધેલા લોટને 5 થી 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. હવે આપણે અંદર ભરવાનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું.

4. અહીંયા મેં ત્રણ મીડીયમ સાઈઝના પરાઠા બનાવવાનું માપ લીધું છે. એના માટે મેં અહીંયા 4 સિંગલ મરીના અડદના પાપડ લીધા છે. જેને આપણે શેકી લઈશું.

5. જો તમને મરીની તીખાશ પસંદ હોય તો તમે ડબલ મરી પાપડ પણ લઈ શકો અને જો પાપડ ડબલ મરી ના હોય તો 5 થી 6 મરીને વાટીને ભૂકો કરી રાખવો.

6. હવે શેકેલા પાપડનો એક વાટકામાં ચૂરો કરી લેવો. ચૂરો એટલો જીણો કરવાનો કે આપણને પરાઠા વણીએ ત્યારે આપણને વચ્ચે નડે નહિ. સાવ પાવડર જેવું પણ નહિ કરી દેવાનું થોડું અધકચરું રાખવાનું.

7. હવે વાટેલા મરી એમાં ઉમેરી દેવા. સાથે થોડા લીલા ધાણા ઉમેરી દેવા.

8. આ સ્ટફિંગમાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે લીલા મરચા સમારીને ઉમેરી લેવા. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવું. આ સાથે એ વાત ધ્યાનમાં રાખવી કે પાપડમાં મીઠું હોય છે જ એટલે વધારે ના પડી જાય એનું ધ્યાન રાખવું.

9. હવે તેમાં સ્વાદ પ્રમાણે મરચું અને ધાણાજીરું ઉમેરી લેવું. જો તમને ચટપટો ટેસ્ટ પસંદ છે તો તેમાં એક ચપટી ચાટ મસાલો ઉમેરી લેવો. (ચાટ મસાલામાં પણ મીઠાનું પ્રમાણ હોય છે એટલે સ્ટફિંગમાં મીઠું સાચવીને ઉમેરવું.)

10. હવે આ સ્ટફિંગમાં આપણે એક સ્પેશિયલ વસ્તુ ઉમેરવાના છીએ અને એ છે ઘી. હા આ સ્ટફીંગમાં બે ચમચી ઘી ઉમેરવું. જો તમને બટર પસંદ હોય તો તમે ઘીની જગ્યાએ બટર પણ ઉમેરી શકો છો.

11. હવે બધું સ્ટફીંગ બરાબર મિક્સ કરી લેવું. બસ તો સ્ટફીંગ તૈયાર થઇ ગયું છે હવે આપણે પરાઠા બનાવી લઈશું. રેસિપીના અંતમાં આ પરાઠાનો વિડિઓ પણ આપેલ છે એ પણ ખાસ જુઓ.

12. બાંધેલા લોટ પર એક ચમચી તેલ ઉમેરીને એ લોટને બરાબર મસળી લઈશું. લોટને થોડો વ્યવસ્થિત મસળવાથી તમારા બનાવેલ પરાઠા વણતા સમયે ફાટશે નહિ અને સરળ રીતે વણી શકશો.

13. હવે લોટમાંથી એક મીડીયમ સાઈઝનું લુંવું લઇ લઈશું અને તેમાંથી નાનો પરાઠા વણીશું.

14. હવે વણેલ પરાઠા માં આપણે તૈયાર કરેલ સ્ટફિંગ લઇ લઈશું અને તેને બંધ કરી લઈશું. (સ્ટફિંગ પરફેક્ટ ભરવાથી લઈને પરફેક્ટ વણવા સુધીની પ્રોસેસ જાણવા એકવાર વિડિઓ ખાસ જોજો. અમુક વાતો સમજાવવી એ શબ્દોમાં શક્ય નથી)

15. બંધ કરેલ પરાઠાના લુવાને લોટમાં રગદોળીને હલકા હાથે વણી લઈશું.

16. વણીને રેડી થયેલ પરાઠાને આપણે ગરમ થયેલ લોઢીમાં મુકીશું. એક બાજુ સહેજ શેકાઈ જાય પછી આપણે તેને પલટાવી લઈશું.

17. હવે ઘી મૂકીને આપણે પરાઠાને બંને બાજુ બરાબર શેકી લઈશું. (ઘીમાં શેકો ત્યારે ગેસ ધીરો રાખવો નહિ તો ઘી બળવાની સાથે સાથે તમારા પરાઠા પણ બળી જશે.)

18. તો બસ તૈયાર છે પાપડ પરાઠા જે બનાવતા ફક્ત ગણતરીની મિનિટો જેટલો જ સમય લાગે છે. એકવાર ટ્રાય જરૂર કરજો ઘરમાં બધાને પસંદ આવશે. એક ખાસ વાત આ સ્ટફિંગમાં તમે પનીર, ચીઝ અને કોબીજને જીણી સમારીને પણ ઉમેરી શકો છો. (અખતરા કરતા રહેવું કેમ કે અમુક વાનગી બગડશે પણ અમુક વાનગી જે તૈયાર થશે એ તમને ખુબ ભાવશે.)

ખાસ નોંધ : આ પાપડ પરાઠા ગરમાગરમ ખાવાની જ મજા આવે છે, બહુ ઠંડા થઇ જશે પછી જોઈએ એવી મજા નહિ આવે. નીચે આપેલ વિડિઓમાં તમે પરાઠામાં સ્ટફિંગ ભરવાની પરફેક્ટ રીત તમે જોઈ શકશો.

વીડિયો રેસિપી:

સૌજન્ય : જલારામ ફૂડ હબ ( <<– અમારી બીજી રેસિપીના વિડિઓ જોવા ક્લિક કરો)

Parag Patidar