રડતા બાળકો, ગમમાં ડૂબેલા ચાહકો, ઉદાસ છોકરીઓ… જુઓ તસવીરોમાં ટી-20 હારીને કેવું દુઃખમાં ડૂબ્યું પાકિસ્તાન

ટી-20 વર્લ્ડ કપ જીતવાના મક્કમ ઈરાદા સાથે ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત ખુબ જ શાનદાર રહી. પહેલી જ મેચમાં તેને ભારતને હરાવ્યું, પછી ન્યુઝીલેન્ડને અને તેની જીતની સફર સતત આગળ વધતી રહી અને પાકિસ્તાન દ્વારા રમવામાં આવેલી 5 મેચમાં એકપણ મેચ હાર્યા વગર પોઇન્ટ ટેબલમાં સૌથી ઉપર રહીને સેમિફાઇનલ મુકાબલામાં ગઈકાલે ઓસ્ટ્રેલિયા સામે રમ્યું. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો.

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું. આ સાથે જ પાકિસ્તાની ચાહકોમાં પણ દુઃખનું મોજું ફરી વળ્યું હતું. પાકિસ્તાને સારું બેટિંગ કર્યું અને 176 રનનો સ્કોર પણ ઉભો કર્યો. બોલિંગમાં પણ ખુબ જ સારી શરૂઆત કરી, પરંતુ છેલ્લે છેલ્લે આખી બાજી પલ્ટી ગઈ અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ વેડે તુફાની બેટિંગ કરી અને જીત અપાવી.

પાકિસ્તાનની હાર બાદ ઘણા વીડિયો અને તસવીરો સામે આવી છે, જેમાં પાકિસ્તાની ચાહકોનું દુઃખ જોવા મળી રહ્યું છે. ટીવી ઉપર આ મેચનું જીવંત પ્રસારણ જોઈ રહેલા દર્શકો માયુસ થતા જોવા મળ્યા તો સ્ટેડિયમમાં પણ ઘણાની આંખો આંસુઓથી ભીંજાતી જોવા મળી હતી.

સોશિયલ મીડિયામાં એક બાળકનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પાકિસ્તાન હારવાની સાથે જ રડતો જોવા મળી રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક બાળક જે પાકિસ્તાની ટીમનો ચાહક છે અને તેને પાકિસ્તાની ટીમની જર્સી પણ પહેરી છે. બાળક જેવું જ જુએ છે કે તેની ગમતી ટિમ પાકિસ્તાન હારી ચુકી છે તે જોર જોરથી રડવા લાગે છે અને ટીવીની સામે જ ઉછળી ઉછળીને પોતાનું દુઃખ પણ વ્યક્ત કરી રહ્યો છે.

તો અન્ય એક વીડિયોની અંદર સ્ટેડિયમમાં બેઠેલો એક છોકરો પણ ધ્રુસકે ધ્રુસકે રડતો જોવા મળી રહ્યો છે. તેના હાથમાં પાકિસ્તાનનો ઝંડો નજર આવી રહ્યો છે. છોકરાની બાજુમાં બેઠેલો વ્યક્તિ તેને ચૂપ કરાવવાનો પણ પ્રયત્ન કરતો જોવા મળે છે.

જેવી જ ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનને હાર આપી કે ચાહકોના ચહેરા પણ લટકી ગયા હતા. ક્યાંક બાળકો રડી રહ્યા હતા તો ક્યાંક મહિલા ચાહકો પણ ભાવુક જોવા મળી હતી. સામે આવેલી તસ્વીરોમાં તેમનું દુઃખ સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 4 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. કાંગારૂ ટીમની સામે 177 રનનો ટાર્ગેટ હતો અને ટીમને છેલ્લા 12 બોલમાં 22 રનની જરૂર હતી. શાહીન આફ્રિદી 19મી ઓવર લાવ્યો અને ત્રીજા બોલ પર મેથ્યુ વેડે ડીપ મિડ-વિકેટ પર મોટો શોટ ફટકાર્યો. બોલ હવામાં હતો અને હસન અલી બોલનો પીછો કરીને દોડ્યો હતો.

પાકિસ્તાની ચાહકોને આશા હતી કે અલી આ કેચ પકડીને પાકિસ્તાન માટે જીતનો માર્ગ આસાન કરી દેશે, પરંતુ એવું થયું નહીં. હસન અલીએ કેચ છોડ્યો અને તે પાકિસ્તાનની હારનું કારણ બન્યો.ત્રીજા બોલ પર લાઈફલાઈન બાદ AUSને 9 બોલમાં 18 રનની જરૂર હતી, પરંતુ વેડે આગામી 3 બોલમાં સતત 3 સિક્સર ફટકારીને ઓસ્ટ્રેલિયાને બીજી વખત T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચાડ્યું.

હસન અલીના પર્ફોર્મન્સ પર રડી રહેલા પાકિસ્તાની ચાહકો: પાકિસ્તાનીઓ મેચ બાદ બહાર નીકળી રહ્યા હતા ત્યારે અમુક ચાહકો રડતા રડતા ભીની આંખે ઘરે જય રહ્યા હોય એવા દ્રશ્યો સર્જાયા અને અમુક ફેન્સને તો અવાજ જ નહતો નીકળી રહ્યો જે આપ વીડિયોમાં જોઈ શકો છો.

Niraj Patel