“લવની ભવાઈ” કરતા પણ એકદમ હટકે સ્ટોરી લઈને આવી છે ફિલ્મ “ઓમ સિંગલમ મંગલમ”, વાંચો ફિલ્મનો રીવ્યુ
છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી ફિલ્મોનું રંગરૂપ બદલાઈ ગયું છે અને મલ્ટીપ્લેક્સમાં પણ ગુજરાતી ફિલ્મો જોવા માટે લોકોની ભીડ જામે છે. ત્યારે છેલ્લા થોડા સમયમાં જ એક પછી એક ધમાકેદાર ફિલ્મો પણ આવી રહી છે અને આ ફિલ્મોને દર્શકોનો પ્રેમ પણ મળી રહ્યો છે. ઘણા કલાકારો પણ હવે દર્શકો માટે તેમના મનગમતા પાત્ર બની ગયા છે. તેમાં પણ જો મલ્હાર ઠાકરની ફિલ્મ આવે તો દર્શકો ઘેલમાં આવીને ફિલ્મ જોવા માટે અચૂક જતા હોય છે.
ત્યારે હાલમાં જ મલ્હાર ઠાકર અને આરોહીની ફિલ્મ “ઓમ મંગલમ સિંગલમ” થિયેટરમાં આવી અને આ ફિલ્મને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. ફિલ્મ લવની ભવાઈ બાદ આરોહી અને મલ્હાર એકસાથે જોવા મળી રહ્યા છે અને લવની ભવાઈ ફિલ્મમાં આ જોડીને દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી અને તેના કારણે જ “ઓમ મંગલમ સિંગલમ”માં પણ આ જોડીને જોવા માટે ખાસ દર્શકો થિયેટર સુધી જવા લાગ્યા છે.
તો વાત કરીએ ફિલ્મની કહાનીની તો જેમ બાળપણથી એક છોકરો અને એક છોકરી એટલે કે ફિલ્મમાં મલ્હાર જે સિદ્ધાર્થના પાત્રમાં છે અને આરોહી જે વાણીના પાત્રમાં છે, બંને સાથે ભણીને મોટા થઇ જાય છે. બંને એવા પાક્કા મિત્રો બની જાય છે કે જીવનભર જોડે રહેવાનું નક્કી કરી લે છે, બંનેના પરિવાર પણ એકબીજાને બહુ સારી રીતે ઓળખતા હતા એટલે તેમના લગ્નની વાતમાં પણ કોઈ માથાકૂટ ના જોવા મળી. પણ કહાનીનો ટર્નિંગ પોઇન્ટ ત્યારે આવે છે જયારે સિદ્ધાર્થને એમ થાય છે કે “સિંગલ લાઈફ તો જીવ્યા જ નહીં ?”
બસ પછી તો વાણી અને સિદ્ધાર્થ તેમના સંબંધોને પોઝ આપી અને સિંગલ લાઈફ જીવવાનું નક્કી કરે છે, ઘરમાં અને મિત્રોમાં પણ આ વાતને લઈને કુતુહલ જાગે છે. બધા જ આવું ના કરવાનું પણ કહે છે, પરંતુ વાણી અને સિદ્ધાર્થ એમ થોડી કઈ માનવના. પછી શરૂ થાય છે સિંગલમ મંગલમની અસલ કહાની.
પછી આ ફિલ્મમાં કેટલાક પાત્રોનો પણ પ્રવેશ થાય છે, અને ફિલ્મ વધુને વધુ રોમાંચક બનતી જાય છે, સિદ્ધાર્થ અને વાણી વચ્ચે પણ પ્રોબ્લમ આવવા લાગે છે, બંને જાણે અલગ થતા હોય તેમ લાગે છે અને ક્લાઈમેક્સ તો આંખોમાં ખરેખર આંસુઓ લાવી દે છે, હવે કહાનીમાં આગળ શું થાય છે એ જોવા માટે તમારે ફિલ્મ પહેલા જોવી પડશે અને જોઈ હોય તો તમને પણ ખબર પડી જ ગઈ હશે.
ફિલ્મમાં અભિનયની વાત કરવામાં આવે તો મલ્હારનો જે રિયલ અભિનય છે તે દર્શકોને વધારે પસંદ આવી રહ્યો છે, આરોહી પણ ફિલ્મમાં પ્રાણ પુરે છે. બંનેની કેમેસ્ટ્રી લાજવાબ છે. દર્શન ઝરીવાલા, આરતી પટેલ, તત્સત મુનશી અને અન્ય કલાકારોએ પણ દિલ જીતી લે તેવું કામ ફિલ્મમાં કર્યું છે. ડિરેક્ટર સંદીપ પટેલે પણ ફિલ્મમાં પ્રાણ પુરી દીધો છે.
વાત કરીએ ફિલ્મના સંગીત અને ગીતોની, તો આ ફિલ્મના ગીતો અને તેનું સંગીત ફિલ્મનો આત્મા છે. સચિન જિગરે એટલું ઉમદા કામ કર્યું છે કે ફિલ્મના ગીતોને પણ ગણગણવાનું મન ચોક્કસ થયા કરે. નિરેન ભટ્ટ દ્વારા જે લવની ભવાઈના ગીતો લખવામાં આવ્યા હતા અને તે આજે પણ એટલા જ લોકપ્રિય છે એમ જ નિરેનભાઈએ આ ફિલ્મમાં પણ એવા જ જબરદસ્ત ગીતો આપ્યા છે.
ફિલ્મની કહાની લખી છે નેહલ બક્ષી અને મિતાઈ શુક્લએ. બધી જ રીતે જોવા જઈએ તો આ ફિલ્મ ગુજરાતી સિનેમાના ઇતિહાસનું એક સુવર્ણ પાસું છે. ફિલ્મની વાર્તા, સંગીત, અભિનય બધું જ જબરદસ્ત છે. જોતા જોતા એમ લાગે જાણે આપણા જીવનની જ કોઈ ફિલ્મ ચાલી રહી હોય. ડિરેક્ટર સંદીપ પટેલ “લવની ભવાઈ” જેવી સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ વધુ એક શાનદાર ફિલ્મ લઈને ગુજરાતી દર્શકોને રાજી કરી રહ્યા છે . દર્શકોનો આ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
કારણ કે “મલ્હાર અને આરોહી”ની જે જોડી “લવની ભવાઈ: ફિલ્મમાં જોવા મળી હતી એજ જોડી હવે “ઓમ મંગલમ સિંગલમ”માં પણ દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર આપ ઉપર જોઈ શકો છો. જો તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો અહીં પણ જરૂર જણાવજો આ ફિલ્મ તમને કેવી લાગી ? ગુજ્જુરોક્સ તરફથી આ ફિલ્મને 5 માંથી 4.5 સ્ટાર આપીએ છીએ!