કાનૂની મુશ્કેલીમાં ફસાયો નિખિલ નંદા, સુસાઇડ માટે ઉકસાવવાનો આરોપ- FIR દાખલ
અમિતાભ બચ્ચનના જમાઇ વિરૂદ્ધ કેસ દાખલ, ધોખાધડી-પ્રેશર બનાવવાનો આરોપ, મૃતકના ભાઇએ કોર્ટમાં કરી હતી અરજી
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના જમાઈ નિખિલ નંદા કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. તેના પર બદાયૂંના એક ટ્રેક્ટર એજન્સીના માલિકને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. ઉત્તર પ્રદેશના બદાયૂંના દાતાગંજ પોલીસ સ્ટેશનમાં નિખિલ નંદા સહિત કંપનીના 9 લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાના આરોપમાં FIR દાખલ કરવામાં આવી છે. નિખિલ નંદા એસ્કોર્ટ્સ કુબોટા લિમિટેડ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.
દાતાગંજના એડિશનલ સિવિલ જજ જુનિયર ડિવિઝનની કોર્ટના આદેશ પર નિખિલ નંદા અને તેમની કંપનીના સભ્યો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એવો આરોપ છે કે ઓછા વેચાણની ધમકીઓ અને લાઇસન્સ રદ કરવાની ધમકીથી પરેશાન વેપારીએ આત્મહત્યા કરી લીધી હતી. કંપનીના માલિક અને અધિકારીઓ તરફથી સતત ધમકીઓને કારણે માનસિક રીતે અસ્વસ્થ રહેલા ટ્રેક્ટર એજન્સી ડીલર જીતેન્દ્ર સિંહે 22 નવેમ્બર 2024 ના રોજ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
જીતેન્દ્રના ભાઈના વકીલે જણાવ્યું હતું કે કંપનીના માલિક અને અધિકારીઓ તરફથી ધમકીઓને કારણે જીતેન્દ્રએ 22 નવેમ્બરના રોજ આત્મહત્યા કરી હતી. જીતેન્દ્ર ફાર્મા ટ્રક ટ્રેક્ટર એજન્સી, દાતાગંજના પહેલા પાર્ટનર હતા. આત્મહત્યા પછી પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું પરંતુ કોઈ FIR નોંધી ન હતી. ત્યારબાદ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી.
કંપનીના માલિક સહિત નવ લોકો સામે કેસ નોંધવા માટે અપીલ કરવામાં આવી હતી. મૃતકના ભાઈએ કહ્યુ કે મારા ભાઈ જીતેન્દ્રના ઘણા પૈસા વિસ્તારના ગ્રાહકો પાસે ફસાયેલા હતા. બીજી બાજુ નિખિલ નંદા તેની કંપનીના લોકોને મારા ભાઈ પર એજન્સીનું વેચાણ વધારવા માટે વારંવાર દબાણ કરવા મોકલતા હતા.એજન્સીનું લાઇસન્સ રદ કરવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. આ હતાશાને કારણે મારા ભાઈએ આત્મહત્યા કરી.
તેમણે કહ્યું કે મારો ભાઈ ઘણીવાર તેની પત્ની, પિતા, પરિવાર અને ઘરે શુભેચ્છકોને કહેતો હતો કે કંપની દ્વારા તેને ખૂબ હેરાન કરવામાં આવી રહ્યો છે. આશિષ બાલિયાન (એરિયા મેનેજર), સુમિત રાઘવ (સેલ્સ મેનેજર), દિનેશ પંત (હેડ બરેલી), પંકજ (ફાઇનાન્સિયર કલેક્શન), અમિત પંત (સેલ્સ મેનેજર), નીરજ મહેરા (સેલ્સ હેડ), રાજનના પુત્ર નિલિક નંદા (COM), શિશાંત ગુપ્તા (ડીલર શાહજહાંપુર) અને અન્ય એક અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવાનો આદેશ અપાયો હતો.