વધુ એક વિમાન દુર્ઘટના : કેનેડાના ટોરંટો એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પલટી ઊંધુ થઇ ગયુ પ્લેન

કેનેડાના ટોરંટોમાં પ્લેન ક્રેશ ! એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પલટી ઊંધુ થઇ ગયુ વિમાન, ચામાચીડિયાની જેમ અંદર લટક્યા પેસેન્જર

સોમવારે ટોરંટોના પિયર્સન એરપોર્ટ પર ડેલ્ટા એર લાઇન્સનું એક વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું, જેમાં 18 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અહેવાલ મુજબ, વિમાન લેન્ડિંગ કરતી વખતે સ્લીપ થયુ અને પલટી ગયું. એરપોર્ટ વહીવટીતંત્ર એ X પર જણાવ્યું હતું કે મિનિયાપોલિસથી આવી રહેલ ડેલ્ટા ફ્લાઇટ સાથે એક ઘટના બની, જેમાં 76 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સ હતા.

આ અકસ્માત સ્થાનિક સમય મુજબ બપોરે 2.15 વાગ્યે થયો હતો. આ સમયગાળા દરમિયાન ફ્લાઇટ્સ લગભગ અઢી કલાક સુધી રોકી રાખવામાં આવી હતી. અકસ્માત પછી ઘટનાસ્થળેથી કેટલાક વીડિયો સામે આવ્યા હતા જેમાં મિત્સુબિશી CRJ-900LR પ્લેન બર્ફીલી સપાટી પર ઊંધું પડેલું જોવા મળ્યું હતું જ્યારે આપાતકાલીન કર્મચારીઓ તેને પાણીથી ધોઈ રહ્યા હતા.

ટોરોન્ટોમાં આવેલ શિયાળાના તોફાનથી બરફને કારણે વિમાન કંઈક અંશે ઢંકાયેલું હતું. એરપોર્ટ વહીવટીતંત્ર એ જણાવ્યું હતું કે કટોકટી ટીમો પ્રતિક્રિયા આપી રહી છે. બધા મુસાફરો અને ક્રૂ સભ્યોને શોધી કાઢવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાન રનવે પર પલટી ગયું હોવા છતાં આ ઘટનામાં કોઈનું મોત થયું નથી. વિમાન પલટી જવા પાછળનું કારણ શું હતું તે કહેવું હજુ વહેલું છે, પરંતુ હવામાને ભૂમિકા ભજવી હશે.

કેનેડાની હવામાન સેવા અનુસાર, એરપોર્ટ પર બરફ પડી રહ્યો હતો અને પવન 52 કિલોમીટર પ્રતિ કલાકથી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો હતો. તાપમાન લગભગ માઈનસ 8.6 ડિગ્રી સેલ્સિયસ હતું. ટોરોન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રમુખ અને સીઈઓએ સોમવારે બપોરે રનવે પર વિમાન ક્રેશ થયા પછી કોઈનું મોત ન થયું તે માટે એરપોર્ટ પર ફર્સ્ટ રિસ્પોન્ડર્સ અને અન્ય પ્રશિક્ષિત કર્મચારીઓને શ્રેય આપ્યો.

તેમણે કહ્યુ- સૌપ્રથમ અને સૌથી અગત્યનું કોઈ જાનહાનિ થઈ નથી, અને તે અમારા વીર અને પ્રશિક્ષિત વ્યાવસાયિકો, એરપોર્ટ પર અમારા પ્રથમ પ્રતિભાવ આપનારાઓને આભારી છે. પિયર્સન એરપોર્ટ પર છેલ્લી મોટી દુર્ઘટના 2 ઓગસ્ટ, 2005ના રોજ થઇ હતી, જ્યારે પેરિસથી ઉતરી રહેલ એક એરબસ A340 રનવે પરથી સરકી ગઈ હતી અને તોફાની હવામાન વચ્ચે તેમાં આગ લાગી ગઇ હતી. એર ફ્રાન્સ ફ્લાઇટ 358 માં સવાર તમામ 309 મુસાફરો અને ક્રૂ આ અકસ્માતમાં બચી ગયા હતા.

Shah Jina