“તારક મહેતા” છોડ્યાના 2 વર્ષ બાદ પણ જૂની અંજલી ભાભીને નથી મળ્યુ પેમેન્ટ ? સણસણતા નેહા મહેતાના આરોપો પર મેકર્સે આપ્યો કરારો જવાબ, જણાવ્યુ કારણ

ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહી છે, પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી પડદા પાછળ ઘણી ગરબડ ચાલી રહી છે. એક તરફ શોમાં દયાબેન એટલે કે દિશા વાકાણીની વાપસીને લઈને અસમંજસની સ્થિતિ છે, તો બીજી તરફ તારક મહેતાનું પાત્ર ભજવનાર મુખ્ય કલાકારોમાંના એક શૈલેષ લોઢાએ અચાનક શોને અલવિદા કહી દીધું છે. આ દરમિયાન સિરિયલમાં અંજલિ મહેતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી નેહા મહેતાએ ગંભીર આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી હતી. નેહાએ 2020માં આ શોને અલવિદા કહ્યું હતુ. હવે તેણે કહ્યું છે કે તેને તેના કામના છેલ્લા છ મહિનાનું પેમેન્ટ મળ્યું નથી.

નેહા મહેતાએ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 12 વર્ષ સુધી કામ કર્યું. આ શોમાં તેણે અંજલિ તારક મહેતાનું પાત્ર ભજવ્યુ હતુ અને આ પાત્રથી તેને ઘણી ઓળખ પણ મળી હતી. નેહાના શો છોડ્યા બાદ તેની જગ્યાએ અભિનેત્રી સુનૈના ફોજદારને લેવામાં આવી હતી. હવે નેહા મહેતાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેને સિરિયલમાં તેના છેલ્લા છ મહિનાના કામનો પગાર મળ્યો નથી. પૈસા ન મળવા અંગે નેહા કહે છે, ‘મેં તારક મહેતા શોમાં 12 વર્ષ સુધી અંજલિનો રોલ કર્યો હતો. છેલ્લા છ મહિનાનું મારું પેમેન્ટ બાકી છે.

શો છોડ્યા પછી, મેં મારા પૈસા વિશે બે વાર ફોન કર્યો. મને ફરિયાદ કરવાનું પસંદ નથી. હું આશા રાખું છું કે ટૂંક સમયમાં આ મામલો ઉકેલાઈ જશે અને મને મારી મહેનતની કમાણી આપવામાં આવશે.ત્યારે હવે નેહાના આરોપો બાદ મેકર્સે તેની વાતનો જવાબ આપ્યો છે. પ્રોડક્શન હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં નેહાના આરોપો ખોટા હોવાનું કહેવામાં આવ્યું છે. પ્રોડક્શન હાઉસે એક નિવેદન જારી કરીને કહ્યું કે, અમે અમારા કલાકારોને અમારો પરિવાર માનીએ છીએ. સમાધાન માટે તેની સાથે ઘણી વખત વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે એક્ઝિટ પેપર પર સહી કરવામાં કતરાઇ રહી હતી.

પ્રોડક્શન હાઉસે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે નેહા શો છોડતા પહેલા કોઈને મળી નથી. આ પછી તે છેલ્લા બે વર્ષથી કોઈની વાતનો જવાબ આપી રહી નથી. એટલા માટે તે વધુ સારું છે કે તેઓ મેકર્સ પર ખોટા આક્ષેપો કરવાને બદલે તેમના ઈમેલનો જવાબ આપે. નેહા મહેતા અને નિર્માતાઓએ આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે. કોણ સાચું અને કોણ ખોટું એ તો ટૂંક સમયમાં જ નક્કી થશે. શોની વાત કરીએ તો, તારક મહેતા શો છેલ્લા 14 વર્ષથી ટેલિકાસ્ટ થઈ રહ્યો છે.

આ શો વર્ષ 2008માં શરૂ થયો હતો અને ત્યારથી તે દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આમાં એક ગોકુલધામ સોસાયટી બનાવવામાં આવી છે, જેમાં દરેક પ્રકારના પરિવાર રહે છે. તેના દરેક પાત્ર પર ચાહકો પોતાનો પ્રેમ વહાવે છે. જેઠાલાલ હોય કે દયાબેન બધા પાત્રો દરેકને પ્રિય છે. આ શોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણો બદલાવ આવ્યો છે. દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણી ઘણા વર્ષોથી શોમાંથી ગાયબ છે અને અત્યાર સુધી કોઈ તેની જગ્યા લઈ શક્યું નથી.

જો કે, આસિત મોદી દ્વારા એ કહેવામાં આવ્યુ હતુ કે દયાબેનના પાત્ર માટે ઓડિશન ચાલી રહ્યા છે. ટૂંક સમયમાં જ દયાબેનનું પાત્ર શોમાં પરત ફરશે. ત્યાં નેહા મહેતા (અંજલિ મહેતા), ગુરચરણ સિંહ (રોશન સિંહ સોઢી), ભવ્ય ગાંધી (ટપ્પુ), ઝિલ મહેતા (સોનુ) અને શૈલેષ લોઢા ( તારક મહેતા) એ શો છોડી દીધો છે. આ સિવાય શોના કેટલાક સ્ટાર્સે દુનિયાને અલવિદા પણ કહી દીધું છે.

Shah Jina