ડ્રીમ વેડિંગ બાદ આ ખૂબસુરત જગ્યાએ હનીમુન એન્જોય કરી રહ્યા છે નયનતારા અને વિગ્નેશ શિવન, જોવા મળ્યો રોમેન્ટિક અંદાજ

સ્વર્ગથી સુંદર તેવી જગ્યાએ હનીમૂન પર ઉપડ્યા સાઉથના મોટા સેલિબ્રિટી, એકબીજાની બાહોમાં ભરપૂર રોમાન્સ કરવા લાગ્યા

ફેરીટેલ લગ્ન બાદ હવે સાઉથ ઈન્ડસ્ટ્રીનું સૌથી રોમેન્ટિક કપલ નયનતારા અને વિગ્નેશ તેમના હનીમૂનનો આનંદ માણી રહ્યા છે. નયનતારા અને વિગ્નેશ થાઈલેન્ડના સુંદર લોકેશનમાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. વિગ્નેશે હવે હનીમૂનની પત્ની સાથેની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે. હનીમૂનની તસવીરોમાં કપલ ખૂબ જ રોમેન્ટિક થતુ જોવા મળી રહ્યુ છ. નયનતારા અને વિગ્નેશની હનીમુનની તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. સામે આવેલી આ તસવીરોમાં સુપરસ્ટાર નયનતારા અને ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે.

વિગ્નેશ શિવને પોતે આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. જ્યાં અભિનેત્રી થાઈલેન્ડની સુંદરતાનો આનંદ માણતી જોવા મળી હતી. નયનતારા સાથેની ખૂબ જ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા વિગ્નેશ શિવને જણાવ્યું છે કે તેણે આ તસવીરો ક્લિક કરી છે. હનીમૂન ટ્રિપની આ તસવીરોમાં અભિનેત્રી નયનતારા અને વિગ્નેશ શિવન અત્યંત રોમેન્ટિક જોવા મળ્યા હતા. નયનતારા અને વિગ્નેશ શિવનની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ થોડીવારમાં વાયરલ થઇ ગઇ હતી. જેને જોઈને ચાહકો પણ નિસાસો નાખી રહ્યા હતા.

જણાવી દઇએ કે, નયનતારા અને વિગ્નેશે 9 જૂને એકબીજા સાથે ભવ્ય રીતે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નમાં બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ઉપરાંત રજનીકાંત સહિત અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. તેમના લગ્ન ચેન્નાઈમાં થયા હતા. બંનેના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. નયનતારાના બ્રાઈડલ લૂકની પણ ખૂબ ચર્ચા થઈ હતી. નયનતારાએ સુંદર લીલા રંગની કુંદન જ્વેલરી સાથે લાલ રંગનો આઉટફિટ કેરી કર્યો હતો. બ્રાઈડલ લુકમાં તે એકદમ અપ્સરા જેવી દેખાતી હતી અને હવે હનીમૂનની તસવીરમાં પણ તેની સુંદરતાનો કોઈ જવાબ નથી.

ઉલ્લેખનીય છે કે, લગ્ન બાદ જ્યારે તેણે મીડિયા સાથે વાત કરી ત્યારે તેણે હનીમૂન લોકેશન વિશે કંઈપણ જણાવવાનો ઈન્કાર કર્યો હતો.લગ્ન કર્યા બાદ આ કપલ વિવાદોમાં ફસાઈ ગયું હતું. લગ્ન પછી તરત જ, નયનતારા અને વિગ્નેશ શિવન ભગવાન બાલાજીના દર્શન અને આશીર્વાદ લેવા તિરુમાલાના તિરુપતિ મંદિર પહોંચ્યા હતા. પરંતુ આ સમય દરમિયાન મંદિર પ્રબંધન વતી, તેના પર પ્રતિબંધ હોવા છતાં જૂતા પહેરીને પરિસરમાં જવાનો અને ફોટોશૂટ કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે પણ કપલને નોટિસ પાઠવી હતી, જેના જવાબમાં તેઓએ માફી માંગી હતી. તેણે માફી પત્રમાં લખ્યું હતુ કે તે પોતાની ભૂલ માટે દિલગીર છે. તેણે એમ પણ લખ્યું કે તે ભગવાન બાલાજીમાં ઘણો વિશ્વાસ કરે છે અને ભૂલીથી પણ ક્યારેય તેમનું અપમાન કરી શકે નહીં. વિગ્નેશ અને નયનતારાએ આ પત્રમાં એમ પણ લખ્યું હતું કે તેઓ તિરુપતિમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા અને આ માટે તેઓએ એક મહિનામાં ત્યાં પાંચ ફેરા કર્યા હતા. પરંતુ બાદમાં મંદિર પ્રબંધનના નિયમોને કારણે તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો.

Shah Jina