મહારાષ્ટ્રના થાણેમાં રહેતી 24 વર્ષની યુવતી સીમા હૈદર અને અંજુની જેમ સરહદ પાર કરી ગઈ. આ યુવતી પર પાકિસ્તાની વિઝા માટે નકલી દસ્તાવેજો જમા કરાવવાનો આરોપ છે. પાકિસ્તાન પહોંચ્યા બાદ યુવતીએ તેના સોશિયલ મીડિયા ફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા. હવે જ્યારે યુવતી પાછી આવી ત્યારે તપાસમાં નકલી દસ્તાવેજો બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી. રીપોર્ટ્સ અનુસાર આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે, આરોપી યુવતી મહારાષ્ટ્રના થાણેની રહેવાસી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ 24 વર્ષની યુવતીનું નામ સનમ ખાન છે, તેનું બીજું નામ નગમા નૂર મકસૂદ પણ છે. વર્તક નગર પોલીસે સનમ ખાનની ત્રણ દિવસ સુધી પૂછપરછ કરી અને ત્યારબાદ ગુરુવારના રોજ તેની ધરપકડ કરાઇ. પોલીસે સનમ ખાનને કોર્ટમાં રજૂ કરી હતી, જ્યાંથી તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી. સનમ ખાન પર નકલી દસ્તાવેજો દ્વારા આધાર અને પાન કાર્ડ મેળવવાનો પણ આરોપ છે. સનમ ખાન તેના પતિથી અલગ થઈ ગઈ છે અને થાણેમાં માતા સાથે રહે છે.
એવું કહેવાય છે કે સનમ ખાનની સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના એક વ્યક્તિ સાથે મિત્રતા થઇ હતી, આ પછી સનમ તેને મળવા માંગતી હતી. તેણે પાકિસ્તાનના વિઝા મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ લગ્નના દસ્તાવેજો ન હોવાના કારણે તેને વિઝા મળી શક્યા નહિ. આ પછી તેણે વર્ચ્યુઅલ રીતે એક ભારતીય સાથે લગ્ન કર્યા અને વિઝા માટે જરૂરી દસ્તાવેજો મેળવીને પાકિસ્તાન જતી રહી.
પાકિસ્તાન ગયા બાદ સનમ ખાને ફરી લગ્ન કર્યા. પોલીસે આરોપી યુવતીને બનાવટી દસ્તાવેજો આપનાર વ્યક્તિ વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. પાકિસ્તાનની સીમા હૈદર અને ભારતની અંજુ બાદ વધુ એક મામલો મહારાષ્ટ્રના થાણેથી સામે આવ્યો. પોલીસે કહ્યું કે, અન્ય એજન્સીઓ પણ આ કેસની તપાસ કરી રહી છે. ડીસીપી થાણેએ જણાવ્યું કે થાણે શહેરની એક યુવતિએ પાકિસ્તાન જઈને લગ્ન કરી લીધા. આ મહિલા સોશિયલ મીડિયા પર પાકિસ્તાની યુવકને મળી હતી. આ પછી તે પાકિસ્તાન પહોંચી અને એબટાબાદના યુવક સાથે લગ્ન કર્યા.
વર્ષ 2021માં સનમની ફેસબુક પર એબટાબાદના રહેવાસી બાબર બશીર અહેમદ સાથે મિત્રતા થઈ હતી. નંબરોની આપ-લે બાદ વોટ્સએપ પર બંનેની મહોબ્બત શરૂ થઇ ગઇ. ત્યારબાદ સનમે પાકિસ્તાન જવાની કોશિશ કરી, પરંતુ સફળ થઈ શકી નહીં, તેથી તેણે ફેબ્રુઆરી 2024માં બાબર સાથે ઓનલાઈન લગ્ન કર્યા. આ પછી જ્યારે તેને વિઝા મળ્યા ત્યારે તે 27 મેના રોજ પાકિસ્તાન ગઈ. બાબર રાવલપિંડીની એક હોટલમાં કામ કરે છે.
જ્યારે સનમ ખાન તેની માતાની નાદુરસ્ત તબિયત પૂછવા 17 જુલાઈના રોજ મુંબઈ પરત ફરી ત્યારે પોલીસે તેની વિરુદ્ધ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી. અત્યાર સુધીની પોલીસ પૂછપરછમાં સનમે જણાવ્યું કે તેણે 2015માં તેનું નામ બદલી નાખ્યું હતું. એ વખતે કોઈને કોઈ તકલીફ કે સમસ્યા નહોતી પણ હવે દરેકને છે. લોકડાઉન દરમિયાન તેણે 2021માં ફેસબુક પર બશીર સાથે વાતચીત કરી હતી. ધીરે ધીરે આ વાતચીત પ્રેમમાં બદલાઈ ગઈ. 2022માં તેમણે ઘરવાળાને કહ્યું પહેલા તો તેઓ રાજી ન થયા પણ બાદમાં માની ગયા હતા. સનમ ખાને કહ્યું કે મેં નામ તો બદલી નાખ્યું છે, પરંતુ બાકીના દસ્તાવેજમાં નહોતું બદલાયુ. એટલા માટે તેને પણ બદલાવ્યા.