પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા લેખકની કલમે

જીવનમાં સફળ થવું હોય તો લાડ, ત્રાડ ને વળને ભૂલી જવાનું, શિક્ષક દિન નિમિતે બાળકોનાં ઘડતરમાં વધારો કરતી સુંદર વાર્તા વાંચો અને શેર કરો.

“અને શિક્ષક દિન ઉજવાયો”

પ્રાર્થનાસભા પૂરી થયા બાદ શાળાનાં આચાર્ય બોલ્યા.

“આજે પેલી સપ્ટેમ્બર છે. પાંચમી સપ્ટેમ્બરના રોજ દર વખતે આપણી શાળામાં “શિક્ષક દિન” ઊજવાય છે , આ વખતે પણ ઉજવાશે. ધોરણ પાંચથી આઠના જે બાળકોએ ભાગ લેવો હોય તે પોતાના વર્ગ શિક્ષક પાસે નામ લખવી દે. સાંજે ચાર વાગ્યે નામ લખાવનાર તમામ બાળકોને અહી પ્રાર્થના ખંડમાં જ બોલાવવામાં આવશે. એમની ક્ષમતા મુજબ ધોરણ અને વિષય ફાળવવામાં આવશે. એ લોકોને ત્રણ દિવસનો સમય મળશે તૈયારી કરવાનો. પછી પાંચમી સપ્ટેમ્બરના રોજ એ બાળકોએ બીજા બાળકોને ભણાવવાનું રહેશે. ધોરણ સાતની દીકરીઓ એ આસોપાલવના તોરણ બનાવવાના છે. અને પાંચ તારીખે દરેક વર્ગખંડમાં અને શાળાના મેઈન ગેટ પર આસોપાલવના તોરણ લગાડી દેવાના રહેશે. તો જેને રહેવું હોય એ જ નામ લખાવે આ ફરજીયાત નથી. તૈયારી પુરતી કરવાની રહેશે. હા એક વાત છે કે તમને કશું ના સમજાય કે કોઈ તકલીફ જણાય તો અમે શિક્ષકો તમને મદદ કરીશું.પણ અત્યારે નામ લખાવીને છેલ્લી ઘડીએ ફસકી જાય કે સાહેબ હું નહિ ભણાવી શકું તો એ નહિ ચાલે. એટલે જોઈ વિચારી સમજીને નામ લખાવજો. એ પણ વિચારી લેજો કે પાંચમી તારીખે તમે આવી શકો એમ છો ને?? ગયા વરસે બે દીકરીઓ એ નામ તો લખાવ્યા જ હતા પણ પાંચમી તારીખે એ બને એના મામા ને ઘેર સીમંતમાં જતી રહી અને આપણે છેલ્લી ઘડીએ બે બીજા શિક્ષકો તૈયાર કરવા પડેલા એટલે આ વખતે કોઈને પણ ગમે તેવો પ્રસંગ હોય રજા મળશે નહિ”આચાર્યશ્રીએ વાત પૂરી કરી બાળકો અંદરોઅંદર ગણગણાટ કરવા લાગ્યા. બાળકોની આંખોમાં પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક બનવાના સપના અત્યારથી ડોકાઈ રહ્યા હતા.

વર્ગખંડમાં જેવા શિક્ષકો ગયા કે બાળકો એમને ઘેરી વળ્યા. અને નામ લખાવવા લાગ્યા. બે વાગ્યાની રીશેષમાં આચાર્યએ સ્ટાફ મીટીંગ બોલાવી અને ધોરણ પાંચથી આઠના બાળકોની સંભવિત નામાવલી જોઈ!!
ધોરણ આઠના વર્ગ શિક્ષક જીજ્ઞેશભાઈ બોલ્યા.

“આ વખતે એ ચાર જણાએ નામ નથી લખાવ્યા. દર વખતે એ ચાર જણા ભાવ ખાય છે. તમે એને પંપાળો , સમજાવો , થોડુક મોઢું આપો અને મહત્વ આપો એટલે એ ચારેય લખાવશે. એ ચારેય વગર શિક્ષક દિન અધુરો રહેશે!! આચાર્ય વાત સાંભળીને હસ્યા અને કહ્યું.“ આ વાત ખોટી છે એની દર વખતે એ આવું જ કરે છે પણ આ વખતે એક પણ શિક્ષકે એ ચારેયને સમજાવવા જાવાની જરૂર જ નથી. મારી કડક સુચના છે કે આ ચારેય છોકરાઓ સાથે કોઈ પણ શિક્ષક સામેથી શિક્ષક દિનની વાત નહિ કરે. આ વખતે આ મુદ્દો હું જાતેજ હેન્ડલ કરીશ.”

આ ચાર છોકરા એટલે ચિંતન ,ધાર્મિક ,રઘુ અને ભાર્ગવ!!

ચારેય છોકરા માત્ર હોંશિયાર જ નહિ પણ પુરેપુરા ઓલરાઉન્ડર. અભ્યાસમાં એવા તેજસ્વી કે તૈયારી કર્યા વગર શિક્ષક એમના ક્લાસમાં જઈ જ ના શકે!! પણ ખાટલે મોટી ખોડ એ કે શાળામાં કોઈ પણ નવીન કાર્યક્રમ હોય એટલે એ પહેલે ધડાકે ના પાડે અને પછી એકાદ શિક્ષક યોગ્ય માત્રામાં પંપ મારે , પાનો ચડાવે કે ફોસલાવે એટલે એ વળી કાર્યક્રમમાં ભાગ પણ લે અને ભુક્કા કાઢી નાંખે એ હદે સફળ બનાવી દે!!

અ ચારેય છોકરાના માતા પિતા પણ સમૃદ્ધ.. ઘરે પણ શિક્ષણ પર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે. શિક્ષકો આ ચારેયની મનમાની ચલાવી લેતા એના ઘણા બધા કારણો હતા. એમાંનું મહત્વનું કારણ હતું કે આ ચારેય ક્યારેય તોફાન કરતા નહિ. અત્યારે આઠમા ધોરણમાં આવ્યા ત્યાં સુધી ની એમની એક પણ ફરિયાદ આવી નહોતી. ઘણીવાર સાહેબની આબરૂ પણ આ છોકરાઓએ બચાવી લીધેલી. હવે ગયા વખતે ઇન્સ્પેકશન વખતે તાલુકાના મોટા સાહેબ વર્ગ ચેક કરવા આવેલા અને વર્ગમાં શિક્ષક ભણાવી રહ્યા હતા. મોટા સાહેબે સીધો જ પ્રશ્ન પૂછેલ.

“સામાજિક વિજ્ઞાનમાં કેટલા એકમ ચાલી ગયા”?“જી સાહેબ છ એકમ” શિક્ષકે જવાબ આપ્યો ને મોટા સાહેબે સામાજિક વિજ્ઞાનમાં એકમ નંબર છ કાઢીને શિક્ષક્ને કહ્યું આના પ્રશ્નો પૂછો. એકમ જોઇને શિક્ષક ના તો મોતિયા મરી ગયા કારણકે આ એકમ તો એણે ભણાવ્યો જ નહોતો. પોતે ગભરાટમાં અને ગભરાટમાં છ બોલી ગયેલા વાસ્તવમાં હજુ ચાર એકમ પુરા થયા હતા. પરસેવો લુચીને શિક્ષકે પ્રશ્નો પૂછ્યા.

“વેલેસ્લીની સહાયકારી યોજના એટલે શું”? અને શિક્ષકની નવાઈ વચ્ચે ચિંતને ધડ દઈને જવાબ બોલી ગયો.. મોટા સાહેબ ખુશ થઇ ગયા. હવે શિક્ષકને પણ કોટો ચડ્યો એણે બીજો પ્રશ્ન પૂછ્યો.

“દ્રીમુખી શાસન પદ્ધતિ સમજાવો” ધાર્મીકે દ્રીમુખી શાસન પદ્ધતિ સમજાવી દીધી. ચાર પ્રશ્ન પૂછ્યા અને એના એટલા સચોટ જવાબ મળ્યા કે મોટા સાહેબને મનમાં થયું કે સાલું અમુક બાબત તો મને પણ ખબર નહોતી!! મોટા સાહેબે વખાણ કર્યા અને પછી રઘુ ને ઉભો કરીને બોલ્યા.

“તેરા નામ ક્યાં હૈ?”

“ મેરા નામ રઘુ હૈ.“એમ ના બોલાય હિન્દી વિવેકી ભાષા છે “ હમારા નામ રઘુ હૈ” એમ બોલાય” આખરે મોટા સાહેબે એક ભૂલ તો કાઢી જ!! અમુક મોટા સાહેબો એટલા બધા મોટા હોય કે વર્ગમાં જતા પહેલા જ નક્કી કરે કે આ વર્ગમાંથી પાંચ ભૂલ તો કાઢવાની જ છે!! પણ અહી મોટા સાહેબ થાપ ગયા. જેવી સાહેબે ભૂલ કાઢી કે ફટ દઈને રઘુ બોલ્યો.

“તો સાહેબ તમારે એમ પુછાય કે “તુમ્હારા નામ ક્યાં હૈ”?.. તુમ્હારા સાથે હમારા આવે અને તેરા સાથે મેરા આવે” બસ મોટા સાહેબ રૂમમાંથી બહાર સીધા ઓફિસમાં. ચા પાણી અને નાસ્તાની અતિ મહત્વની વિધિ પતાવીને સરસ મજાની વિઝીટ લખીને શાળા પ્રત્યે શુભ લાગણી વ્યક્ત કરીને વિદાય લીધી. બસ આવી રીતે આ ચાર છોકરાએ ઘણા શિક્ષકોની લાજ રાખેલી.

સાહેબ ગયા પછી શિક્ષકે તરત પૂછ્યું “ એલા ચિંતન તે અગાઉ વાંચી નાંખ્યું બધુય.. મેં તો એ પાઠ ચલાવ્યો પણ નથી.”
“ હા અમે બધું એડવાંસમાં વાંચી જઈએ છીએ સાહેબ.. તમ તમારે કોઈ પણ આવે અમને ઉભા કરી દેવાના એટલે અમે લડી લઈશું?” ચિંતને રોફભેર કહ્યું.પણ આ એક જ બાબત એવી કે એમને માન આપવું પડે.. મનાવવા પડે.. દર વખતે આવું થાય.. ૧૫ મી અને ૨૬મીનાં સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો કોઈ પણ નાટક માં કે એક પાત્રીય અભિનયમાં એ પેલા નામ ના લખાવે..પછી શિક્ષકો મનાવે..આચાર્ય મનાવે.. મીઠી મીઠી વાતો કરે માખણનું પડીકું છુટું મુકે એટલે આ ચાર વળી કાર્યક્રમમાં ભાગ લે એટલું જ નહિ પણ આખો કાર્યક્રમ પોતાના ખભે ઉપાડી લે અને શાળાને અને સ્ટાફને ગૌરવ અપાવી દે.. આવું જ પ્રવાસના આયોજનમાં થાય.. પેલા નામ ન લખાવે વળી ધીમે ધીમે બધાજ શિક્ષકો એમને મળે.. વિનતી કરે અને છેલ્લે કહે કે તમે ના આવો તો અમારે પ્રવાસ જ નથી કરવો.. બાળકોના નિસાસા લાગશે.. વળી એ ચારેય પ્રવાસની ફી ભરી દે.. બસમાં બીજાને બેસાડીને પોતે ઉભા રહે.. બસ ઉભી રહે ત્યારે બધાને વસ્તુ લઇ આપે..સાહેબો ના કરે એટલી સેવા પ્રવાસમાં આ ચારેય બીજા બાળકો ની કરે પણ સવાલ એ કે દેવ મઢે હોવા જોઈએ.. એક વખત કામ સંભાળી લે અને હા પાડે પછી કોઈ વચ્ચે કોઈ જ વાંધો ના આવે.. બસ શરૂઆતમાં જ તકલીફ પડે પછી તો જમાવટ થઇ જાય!!
પણ આ વખત આચાર્ય મક્કમ હતા એણે નક્કી કર્યું કે આ વખતે ઝૂકવાનું નથી થતું. એ ના ભાગ લે તો પણ શિક્ષક દિન તો ઉજવાશે જ!!

ચાર વાગ્યે શિક્ષક દિન નિમિતે ભાગ લેવા માંગતા તમામ બાળકો પ્રાર્થના હોલમાં આવી ગયા.. ચિંતન , ધાર્મિક , રઘુ અને ભાર્ગવ સમાજવિધા ની ચોપડી ખોલીને વાંચવા લાગી ગયા. આચાર્યશ્રી અને બીજા શિક્ષકો બાળકો સાથે ગોઠવાયા.. તોય એક શિક્ષિકા બેનથી નો રહેવાયું આચાર્યે મનાઈ કરી હોવા છતાં એ આઠમા ધોરણમાં ગયા અને આ ચારેયને પૂછ્યું કે તમારે ભાગ નથી લેવો શિક્ષક દિનમાં.. માથુય ઊંચું ના કર્યું અને ચારેયે જવાબ આપી દીધો. ના.. શિક્ષિકા બહેન પરત આવ્યા અને પોતાની ખુરશી પર એક સાઈડ બેસી ગયા. આચાર્ય એ બહેન તરફ જોઇને બોલ્યાં.
“મેં ના પાડી હતી કે કોઈને મનાવવા જવાના નથી તોય તમે ગયાને?? નો રેવાણું ને?? શું ફાયદો કાઢ્યો?? સોનાની જાળ પાણીમાં નાંખીને?? કોઈ વાંધો નહિ તમારા આત્માને શાંતિ થઇ ને?? શાંતિ થાય એ મહત્વની બાબત છે” કોઈ કશું બોલ્યું નહિ. અને પછી શાળાના આચાર્ય થી માંડીને ધોરણ એક સુધીમાં કોને કયો વિષય લેવાનો છે એ ફળવાઈ ગયો.. આખું આયોજન થઇ ગયું અને પાંચ વાગી ગયા. બધા શિક્ષકો પોતાના રૂમમાં ગયા. બાળકોને રજા આપવામાં આવી.

બીજે દિવસે શાળા ખુલી.. આચાર્ય સવારમાં વહેલા આવી ગયા હતા. શિક્ષક દિનનું આખું આયોજન કમ્પ્યુટર પર તૈયાર કરીને શાળાના નોટીસ બોર્ડ પર અને દરેક વર્ગખંડ ના બારણે લાગી ગયું હતું. મોબાઈલમાં ફોટા પાડીને આયોજન શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં પણ મુકાઈ ગયું.!!આજે પેલા ચાર છોકરા શાળાએ જ નહોતા આવ્યા..!! બધાને નવાઈ લાગી કારણકે એ ભાગ્યેજ રજા પાડતા..કોઈના લગ્નમાં ગયા હોય તો પણ જમીને એ તરત જ પાછા નિશાળે આવી જતા હતા.પણ હવે એ બરાબરના રીસાણા હતા. આચાર્યે બીજા છોકરા મારફત ખાનગીમાં તપાસ કરાવી કે એ ચારેય ઘરે છે કે બહારગામ ગયા છે?? છોકરાઓ ખબર લાવ્યા કે ચારેય વહેલા ઘરેથી નીકળી ગયા છે નિશાળે જવાનું બહાનું દઈને અને હીરાધાર નો વડલો છે ત્યાં બેઠા બેઠા અભ્યાસ કરે છે.. કોઈ વાંધો નહિ આચાર્ય બબડ્યા.. છોકરાઓ શિક્ષક દિનની તૈયારી કરી રહ્યા હતા. આચાર્યે બીજા છોકરાને બધાને કહી દીધું કે તમારે કોઈએ એ ચાર મળે અને પૂછે કે સાહેબ કશું કહેતા હતા તો કહેવાનું કે સાબે કાઈ પૂછ્યું જ નથી.. બીજે દિવસે પણ એ નિશાળે ના આવ્યા. મધ્યાહ્ન ભોજન પૂરું થઇ ગયું પછી આવ્યા. આવીને બધા શિક્ષકો એમને જોવે એ રીતે બેઠા, શિક્ષણ કાર્ય શરુ થયું પણ કોઈ શિક્ષકે એક પણ છોકરાને ના પૂછ્યું કે કાલ તમે કેમ ગેરહાજર હતા.સહુ શાંતિથી ભણતા રહ્યા. હવે એ ચારેયના મોઢા પડી ગયેલા હતા!! મુરઝાઈ ગયેલા હતા.. શાળાનો સમય પૂરો થયો બધા જતા રહ્યા.. એ ચારેય દરવાજા પાસે ઉભા હતા. પણ બધાજ પોતાની બાઈક લઈને નીકળી ગયા..!!!

હવે એક દિવસ આડો હતો!! ૪ સપ્ટેમ્બરનો દિવસ હતો. ચિંતન, ધાર્મિક, રઘુ અને ભાર્ગવ શાળાએ વહેલા આવી ગયા. સાવરણા લઈને સફાઈ કરવા લાગ્યા. પ્રાર્થના શરુ થઇ ગઈ હતી તોય તેઓ એક ખુણામાં સફાઈ કરતા હતા. હવે આચાર્ય ઉભા થયા અને એ તરફ ગયા. એને લાગ્યું કે હવે લોઢું ગરમ છે એટલે હથોડો મારવો જ રહ્યો.. હવે બહુ થયું..!!

“કેમ છે ચિંતન મજામાં ને??? અને ધાર્મિક તું પણ બહુ ખુશ લાગે છે?? શું વાત છે એતો કહો જુઓ તમારા મોઢા કેવા ચમકારા મારે છે???” આચાર્ય હજુ આટલું બોલ્યા કે તરત જ!! ત્રણેયની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી.. આચાર્ય એની નજીક ગયા અને માથા પર હાથ ફેરવીને કહ્યું..

“તમે ચારેય ઓફિસમાં આવજો પ્રાર્થના પતે ને એટલે!!” આચાર્ય નો હાથ જયારે પ્રેમથી કોઈ બાળકના માથા પર ફરતો હોય એ શાળા અને ગામ બને ભાગ્યશાળી ગણાય!!!

પ્રાર્થના પછી ચારેય આવ્યા અને ઓફિસમાં જઈને ઉભા રહ્યા.આચાર્યે તેમની સામે જોઇને કહ્યું.

“તમે આ શાળાના સહુથી વધુ હોંશિયાર બાળકો છો.. તમારા માં બાપને નહિ પણ અમને પણ તમારી પાસે કઈ આશા છે!! તમે હવે નાના નથી.. કાલ સવારે તમે હાઈ સ્કુલમાં જશો..ત્યાં તમારા આ લાડ કોઈ સહન નહિ કરે!! બાળક ત્રણ જગ્યાએ લાડ કરતુ હોય!! એક માં બાપ પાસે!! એક મોસાળમાં અને એક એમની પ્રાથમિક શાળામાં!! પણ જયારે એ પ્રાથમિક શાળામાં ભણતર પૂરું કરે એટલે એને બધા જ લાડ ત્યાગી દેવા પડે!! હવે સમય આવી ગયો છે કે તમારા આ લાડને કાયમી તિલાંજલિ આપો..!! યાદ રહે જીવનમાં તક એક જ વાર આવે.. અને તમે જો ના પાડો તો એ બીજા પાસે જતી રહે!! તક ક્યારેય કોઈને મનાવવા આવતી નથી!! સફળ માણસ અને નિષ્ફળ માણસ વચ્ચે આ જ તો તફાવત છે.. સફળ માણસ એને આવડતા કામમાં ઝટ દઈને હા પાડે અને નિષ્ફળ માણસ ભાવ ખાય અને પછી જિંદગીભર એનો કોઈ ભાવ પૂછતું નથી”

“સાહેબ અમારી ભૂલ છે અમે તમને ખાતરી આપીએ છીએ કે હવે આવું ક્યારેય નહિ કરીએ” ભાર્ગવ બોલ્યો. બીજા એ પણ એનામાં સુર પુરાવ્યો.

“ આ તો તમને એટલે કહું છું કે તમારામાં આવડત ભરપુર છે.તમે બધા જ હોંશિયાર છો પણ આ એક વસ્તુ તમારી તમામ હોંશિયારી પર પાણી ફેરવી શકે એમ છે.. તમને એક દાખલો આપું.. સચિન તેડુલકર અને વિનોદ કાંબલી એક સાથે જ ભારતીય ક્રિકેટમાં આવ્યા હતા. સચિન કરતા કાંબલીમાં શક્તિઓ વધારે હતી એમ ક્રિકેટ નિષ્ણાતો એ વખતે કહેતા પણ થોડા સમયમાં જ કાંબલીના લાડ વધી ગયા.. અને એનું નામ ક્રિકેટ જગતમાંથી ખોવાઈ ગયું અને સચિન

“ભારત રત્ન સુધી પહોંચી ગયો!! યાદ રાખજો જીવનમાં સફળ થવું હોય તો લાડ ,ત્રાડ અને રાડ થી હમેશા દૂર જ રહેવું!! જે કામ આવડતું હોય એ કરવાની તક મળે તો ખોટો ભાવ ના ખાવો!!” આચાર્યના શબ્દો અંતરમાંથી નીકળતા હતા. ચારેય બાળકોના મગજમાં અને અંતરમાં આ શબ્દો આર પાર ઉતરી ગયા.

“સાહેબ અમારે શિક્ષક દિનમાં રહેવું છે.. આ છેલ્લો શિક્ષક દિવસ છે પછી તો અમે બહાર નવમાં ધોરણમાં જઈશું.. બસ આ શાળાની છેલ્લી યાદગીરી રૂપે અમારે શિક્ષક દિનમાં રહેવું છે” ચારેય બોલ્યા.

“પણ હવે તો બધા જ બાળકો ગોઠવાઈ ગયા છે.. કોઈ જગ્યા બાકી નથી.. બધા વિષયો અને બધા ધોરણમાં આયોજન થઇ ગયું છે.. બધા એ તૈયારી પણ કરી લીધી છે વળી કોઈ બહારગામ પણ જવાનું નથી નહીતર એમની જગ્યાએ તમને ગોઠવી દઈએ” આચાર્યશ્રી એ પોતાની મૂંઝવણ રજુ કરી.

“ ઈ તમે ગમે એમ કરો સાહેબ અમને રાખવા ન જ છે.. તમારી પાસેથી અમે ક્યારેય નિરાશ થઇ ને ગયા નથી.. તમે કાંઇક રસ્તો કાઢો” રઘુ બોલ્યો. આચાર્ય એની સામે જોઈ રહ્યા.. થોડી વાર પછી આચાર્યે ચારેયને એક યોજના સમજાવી અને ચારેય ખુશ થઇ ગયા!! ખુશ એટલે બહુજ ખુશ થઇ ગયા.. વળી આચાર્યે કીધું કે તમારે આ વાત કોઈને પણ કહેવાની નથી…અને પછી આનંદથી એ ઉછળતા કુદતા વર્ગમાં ગયા!!

પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન આવી પહોંચ્યો.!! શાળાના ગેઇટ પર અને દરેક રૂમના બારણાં પર આસોપાલવના તોરણ લાગી ગયા હતા. સવારમાં નવ વાગ્યામાં જ જે બાળકો શિક્ષકો બન્યા હતા એ આવી પહોંચ્યા.. દિપાલી એ આજ વાદળી સાડી પહેરી હતી એ ધોરણ આઠમા ગુજરાતી લેવાની હતી.. ગુજરાતી લેતા શિક્ષિકા બહેન વાદળી સાડી પહેરતા.. મિતાલી એ પિંક સાડી પહેરી હતી… પગની અને હાથની આંગળીઓ પર નેઈલ પોલીશ કરેલ હતી અને ઉંચી એડીના ચંપલ પહેરતા.. મિતાલી ગણિત લેવાની હતી અને ગણિતના શિક્ષિકા બહેનની નકલ કરી હતી. એ બહેન જયારે ચાલતા ત્યારે ઉંચી એડીના ચપલ ને કારણે પટક…પટક અવાજ આવતો હતો.. બસ મિતાલી આ જ રીતે ચાલતી હતી અને પટક પટક અવાજ કરતી હતી.. જે છોકરાઓ શિક્ષકો બન્યા હતા એમાંથી કેટલાક કાળા ચશ્માં પહેરીને આવ્યા હતા. કારણકે ઘણા શિક્ષકો કાળા ચશ્માં પહેરીને આવતા હતા!!બધાજ શિક્ષકો આજે બગીચામાં ખુરશીઓ નાંખીને બેસી ગયા હતા. વિદ્યાર્થીઓ આજે શિક્ષણકાર્ય કરાવવાના હતા એટલે બધાને નવ નિરાંત હતી. આચાર્ય બધી જ વ્યવસ્થા જોઈ રહ્યા હતા.બાળકોએ બરાબર પ્રાર્થના સભા કરી અને સહુ વર્ગમાં ગોઠવાયા હતા. હા આજે પેલા ચાર છોકરાઓ ચિંતન ,ધાર્મિક ,રઘુ અને ભાર્ગવ આવ્યા નહોતા.. બધા જ શિક્ષકો ને નવાઈ લાગી બસ એક આચાર્યને જ ખબર હતી કે એ ક્યારે આવવાના હતા.દરેક ધોરણમાં શિક્ષણ કાર્ય શરુ થઇ ગયું હતું. સાડા અગિયાર વાગ્યે ચાર સાઈકલો આવી. જ્યાં શિક્ષકોની બાઈકો પાર્ક થતી હતી ત્યાં સાઈકલો પાર્ક થઇ બધાના હાથમાં પાકીટ હતા. ચારેય છોકરાઓ આવી ગયા.શાળાના પરિસરનું ઉપલક નજરે અવલોકન કર્યું. અને સીધા ઓફિસમાં ગયા. ઓફિસમાં આજે તેજરાજ આચાર્ય બન્યો હતો. શાળાના આચાર્યે તેજરાજને સવારે સુચના આપી દીધી હતી કે તમારું શિક્ષણ કાર્ય જોવા માટે ટીપીઈઓ, કેની શિક્ષણ, બીઆરસી કો ઓ અને સીઆરસી કો ઓ આવશે.. ચિંતન ટીપીઈઓ બન્યો હતો , ધાર્મિક કેની શિક્ષણના રોલમાં હતો જયારે રઘુ સીઆરસી કો ઓ અને ભાર્ગવ બીઆરસી કો તરીકે આજ ફરજ બજાવી રહ્યા હતા. ઓફિસમાં તેજરાજે બધાને બિસ્કીટનો નાસ્તો કરાવ્યો . ટીપીઈઓ એ શિક્ષકોનું હાજરી પત્રક જોયું. બીઆરસી કો ઓ એ મિશન વિદ્યા વિશેની માહિતી લીધી.સીઆરસી કો ઓ એ વિજ્ઞાન મેળાની પૂછપરછ કરી. પછી બધા વર્ગ ચેક કરવા નીકળી પડ્યા એ દરમ્યાન આચાર્યશ્રી તમામ શિક્ષકોને સુચના આપી કે તાલુકામાંથી આવેલ અધિકારીઓ તમારા વર્ગની મુલાકાત લેશે. વર્ગની મુલાકાત શરુ થઇ..

ચારેય છોકરા આબેહુબ રોલ ભજવતા હતા!! આઠ વરસથી એ આ શાળામાં માં ભણતા હતા ઘણા સાહેબો એ વર્ગની મુલાકાત લીધી હતી એ અનુભવના આધારે એ વર્ગ ચકાચણી કરી રહ્યા હતા.

‘તમને ભણવાની મજા આવે છે ને”?

  • “સાહેબ બરાબર ભણાવે છે ને?”
  • “કેમ તે ડ્રેસ નથી પહેર્યો”
  • “સોળ પંચા કેટલા થાય?”
  • “કોને હિન્દી વાંચતા આવડે છે?”
  • “આપણા રાજ્યપાલનું નામ આવડે છે?’
  • “ આગળ ભણીને તમે શું કરશો”

દરેક વર્ગમાં જઈને બધીજ તપાસ થઇ. મધ્યાહ્ન ભોજન ચાખવામાં આવ્યું. પુસ્તકાલય ની મુલાકાત લેવામાં આવી. કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે કે નહિ એ જોયું. મુતરડી અને સંડાસ સફાઈ બરાબર થાય છે કે નહિ જોવામાં આવ્યું.ગામનો સહકાર શાળાને મળે છે કે નહિ એ જોયું. બધા જ બાળકોને પણ ખુબ મજા આવી.અત્યાર સુધી શાળાના બાળકો શિક્ષકો જ બનતા શિક્ષક દિનના દિવસે પણ આ પ્રથમ વખત શિક્ષકદિનના દિવસે બાળકો અધિકારીઓ બન્યા હતા.. સાડા ચારે ચિંતન એટલે કે ટીપીઈઓ એ બધા જ બાળકોને પ્રાર્થના સભામાં ભેગા કરવાનો આદેશ આપ્યો. બધા જ બાળકો સભાખંડમાં આવી ગયા. તેજરા જે બધાનું શાબ્દિક સ્વાગત કર્યું અને મુખ્ય મહેમાન ને શાબ્દિક પ્રવચન દ્વારા રુદિયાનો રાજીપો વ્યકત કરાવનું કહ્યું. અને ટીપીઈઓ શ્રી ચિંતને શરુ કર્યું.

“ મંચસ્થ મારા સાથી સહકાર્યકર મિત્રો, શાળાના આચાર્ય અને સ્ટાફગણ તેમજ ભારતનું ભવિષ્ય એવા નાના ભૂલકાઓ. આજે આ શાળાની મુલાકાત લઇ હું આનંદની લાગણી અનુભવું છું. અમે પણ તમારી જેમ આવી જ એક શાળામાં ભણતા. અમે હોંશિયાર તો હતા પણ સાથે સાથે થોડો વળ અને વાયડાઈ પણ હતી. એક વખત અમારા આચાર્યે અમને સમજાવ્યું કે વળ એક એવી વસ્તુ છે કે તમારું બધું જ્ઞાન એ વળમાં દટાઈ જાય છે.. જરૂર પડે તો સારા સારા ફળ ખાવ પણ ખોટા વળ નો ખાવ!! જેમ આ બગીચામાં વાળ છે એને વડવાઈ આવે એમ તમારામાં જો નાનપણમાં વળ હશે ને તો વાયડાઈ આવશે. અમારા સાહેબે અમને કીધું અને અમે માની ગયા છીએ તો તમે પણ એ વાત માનજો..ખુબ ખુબ ભણજો તમારા બાપાનું નામ તમારી શાળાનું નામ અને તમારા ગામનું નામ રોશન કરજો.. જાય હિન્દ જય ભારત”
તાળીઓનો ગડગડાટ થયો.. બગીચામાં બેઠેલા શિક્ષકો એ પણ ભાષણ ને વધાવ્યું. આચાર્યની આંખમાં હરખના આંસુઓ હતા. આ ચારેય છોકરા હવે ગમે ત્યાં ભણવા જશે જીવનમાં ક્યારેય ખોટા વળ નહિ જ ખાય એનો એને આનંદ હતો!!

પ્રાથમિક શાળામાં ભણતા બાળકોની કાબેલિયત અને ખામીઓ પર શિક્ષક કે આચાર્યની બાજ નજર હોવી જોઈએ.. જો કોઈ ઉણપ પ્રાથમિક શાળામાંથી જ રહી ગઈ તો પછી એ હાઈ સ્કુલ કે કોલેજમાં સુધારવી અતિ મુશ્કેલ બની જાય છે!!

  • લેખક :- મુકેશ સોજીત્રા શિક્ષક
  • ૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી , સ્ટેશન રોડ
  • મુ.પો ઢસા ગામ તા. ગઢડા
  • જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બાળ સંસ્કાર માટે ઉપયોગી લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત અમારાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.