નવસારીની દીકરીએ પોતાની મહેનતથી પરિવારનું નામ કર્યું રોશન,લગ્ન બાદ પણ અથાગ મહેનતથી પાસ કરી GPSCની પરીક્ષા,સંભાળશે નાયબ કલેકટરનું પદ

એવું કહેવાય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો, ઘણા લોકો પોતાના સપના સાકાર કરવા માટે દિવસ રાત મહેનત કરે છે, પોતાના લક્ષ્ય પ્રત્યે એવા ઘેલા બની જાય છે કે જ્યાં સુધી તે સફળતાના શિખર ઉપર ના પહોંચી જાય ત્યાં સુધી જંપતા પણ નથી. આવી ઘણી કહાનીઓ આપણી આસપાસ આપણે જોઈ અને સાંભળી પણ હશે.

આવી જ એક કહાની છે નવસારીની એક દીકરીને જેને જીપીએસસીની પરીક્ષામાં 2 લાખ ઉમેદવારોમાંથી પાસ થયેલા 15 લોકોમાં સ્થાન મેળવ્યું છે. જેના બાદ પરિવારમાં પણ ખુશીનો માહોલ ફરી વળ્યો હતો.  દિવ્ય ભાસ્કર મીડિયાના અહેવાલ પ્રમાણે 10 દિવસ બાદ આ દીકરીને નાયબ કલેકટર તરીકે પોસ્ટીંગ મળતા કામગીરી ચાલુ કરશે.

આ બાબતે દિવ્ય ભાસ્કરના રિપોર્ટ પ્રમાણે મળતી માહિતી અનુસાર નવસારીના ઘેલખડી વિસ્તારમાં આવેલા મુલાનંદનગર વિસ્તારમાં હરિદર્શનમાં રહેતી મનિષાબેન નારણભાઈ મનાણીએ નાનપણથી જ કલેકટર બનવાના સપના જોયા હતા. જેને લઈને મનીષા નાનપણથી જ પોતાના અભ્યાસમાં રૂચી કેળવી રહી હતી.

મનીષાના પિતા બિલ્ડીંગ મટીરીયલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દીકરીના કલેકટર બનાવના સપનાને સાકાર કરવા માટે પિતા પણ પોતાનાથી બનતી તમામ મદદ કરતા હતા. મનીષાબેને પોતાનો ધોરણ-1થી 12 સુધીનો અભ્યાસ વિજલપોરમાં આવેલી સંસ્કારભારતી સ્કૂલમાં કર્યો હતો અને ત્યારબાદ આગળનો અભ્યાસ બારડોલીની માલીબા કોલેજમાં કર્યો અને ત્યાંથી બી.ફાર્મ.ની ડિગ્રી મેળવી હતી.

વધુ અભ્યાસ માટે મનિષાબેન અમદાવાદ આવ્યા હતા અને ત્યાં પોતાનો એમ.બી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો, જેના બાદ તે ગાંધીનગરમાં ડીએસઓ તરીકે નોકરી કરી હતી. હાલમાં મનિષાબેન અમદાવાદમાં તેમના પતિ સાથે રહે છે. મનીષાબેનનું પોસ્ટીંગ 10 દિવસ બાદ નાયબ કલેકટર કક્ષાની જગ્યા પર થશે. ત્યારે ત્યાં હાજર થઈને સાથે યુપીએસસીની તૈયારીઓ પણ કરશે. મનીષાબેનનું સપનું કલેકટર બનવાનું છે અને તે પોતાના આ લક્ષ્યને મલેવિને જ જંપશે તેવો નીર્ધાર તેમને કર્યો છે.

દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં મનીષાબેનના ભાઈ જનક મનાણીએ જણાવ્યું હતું કે, “મારી બહેનના કલેકટર બનવાના સપના હતા. જેથી તેણે જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરી પણ બહેનના લગ્ન થઈ ગયા હતા. બાદમાં તેમના પતિ પ્રાઇવેટ સંસ્થામાં કામ કરતા હોવા છતાં પત્નીના સપના સાકાર કરવા મદદરૂપ થયા હતા.”

તેમને આગળ જણાવ્યું કે, “બહેનને બેવાર પરીક્ષામાં નિરાશા મળી તેમ છતાં હિંમત હાર્યા વિના તેણે મહેનત ચાલુ રાખી હતી. છેલ્લે લેવાયેલી પરીક્ષામાં 2 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને તેમાંથી માત્ર 15 લોકોને પસંદગી કરવામાં આવી હતી. જેમાં બહેનનો સમાવેશ થયો હતો. બહેને નાયબ કલેકટરની પરીક્ષા પાસ કરતા પરિવારમાં ખુશી વ્યાપી ગઈ છે.

Niraj Patel