મનનો સત્યાગ્રહ ,પ્રકરણ – ૧ : અશોકને ઇન્ડોનેશિયાની ફ્લાઇટમાં મળેલ એરહોસ્ટેસ ખરેખર આતંકવાદી સાથે મળેલી હશે ? એનાં માટે વાંચો આગળનો પાર્ટ પણ …

0

પ્રકરણ : ૧ બેંગકોકની ભયાનક રાત !

રાત્રે બાર વાગ્યાથી મારા દિવસની શરૂઆત થાય છે, અને આ દિવસ પણ એવો જ હતો ! નમસ્કાર…. હું છું અશોક દુબે, હા, હું ગુજરાતી જ છું પણ મેં મારું નામ બદલ્યું છે ! શા માટે ? એ તમને આખી કહાણી વાંચ્યા બાદ જ ખબર પડશે. જીવનમાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે, જે આપણા જીવનને અસ્તવ્યસ્ત કરી નાંખે છે. આવી ઘટનાઓ માની એક ઘટના એટલે હું ! જ્યારે તમને કોઈથી પ્રેમ થાય ત્યારે તમે રાત-દિવસ બસ એ ખાસ વ્યક્તિ વિશે જ વિચારો છો અને એ ખાસ વ્યક્તિ સાથે વિતાવેલો સમય તમને રાત્રે યાદ આવે છે અને તમારા ચહેરા પર સ્મિતની ઝાકળ ફેલાઈ જાય છે ! ચાલો તો શરૂઆત કરીએ એવા સત્યાગ્રહની જે મારા મને કર્યો છે ! શા માટે ? એ તો વાંચ્યા બાદ જ ખબર પડશે. તો સાંભળો…..
મારી આંખ ખુલી અને જોયું તો અંધારું જ અંધારું, કંઈ ખબર નહોતી કે હું ક્યાં છું ! મારા શૂઝમાં ટોર્ચ હતી અને ગમે તેમ કરી હું એ ટોર્ચ સુધી પહોંચ્યો અને રૂમની લાઈટ ચાલુ કરી ! આખા રૂમની તપાસ કરી, પણ કોઈ દેખાયું નહીં અને છેવટ હું કંટાળીને સુઈ ગયો ! રાત્રે લગભગ ત્રણ વાગ્યા હશે અને આજુબાજુ માંથી અવાજો આવવા લાગ્યા, જાણે કોઈ પાર્ટી ચાલુ હોય ! મેં દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ ખુલ્યો નહીં. મેં બુમો પાડી પણ કોઈએ સાંભળી નહીં. રૂમમાં ત્રણ દરવાજા હતાં એમાંથી બે તો ન ખુલ્યા પણ એક દરવાજો થોડો ઢીલો હતો, મેં જોરથી ધક્કો માર્યો અને દરવાજો ખુલી ગયો ! હું એ દરવાજાના અંદર આગળ વધ્યો અને મારી આંખો જાણે ફાટી ગઈ, કારણ કે હું બાલ્કનીમાં હતો અને હું જે ફ્લોર પર હતો એની ઊંચાઈ લગભગ પચાસેક માળ હશે.
બાજુમાં એપાર્ટમેન્ટમાં પાર્ટી ચાલી રહી હતી અને મેં ત્યાં પણ અવાજ લગાવ્યા પણ કોઈએ સાંભળ્યું નહીં ! થોડીવાર પછી એક છોકરી બહાર આવી અને મેં કહ્યું, “એક્સકયુઝ મી…!” એણે મારી સામે જોયું અને બોલી, “યસ…!” એના શ્વાસ માંથી દારૂની સખત ગંધ આવતી હતી, પણ મારે મદદની ખૂબ જ જરૂર હતી એટલે મેં કહ્યું, “આઈ વોન્ટ સમ વોટર….! એણે કહ્યું, “આઈ ગીવ યુ ટકીલા !” હું થોડો આશ્ચર્યમાં મુકાયો, કારણ કે દૂધ માંગોગે તો ખીર દેન્ગે એ તો સાંભળ્યું હતું, પણ પાની માંગોગે તો દારૂ દેન્ગે એ આજે સાંભળ્યું ! મારી પાસે બીજો કોઈ ઉપાય નહોતો અને હુ પચાસમાં માળે માંડ માંડ બાલ્કની દ્વારા બીજાના એપાર્ટમેન્ટમાં ગયો અને જેવો બીજા એપાર્ટમેન્ટની બાલ્કનીમાં પહોંચ્યો અને એ છોકરીએ મને બાથ ભરી. એ નશામાં હતી અને મને અંદર લઈ ગઈ. એ એપાર્ટમેન્ટમાં વીસથી પચીસ લોકો હતા અને બધા જ નશામાં હતાં, મેં એક ભાઈને પૂછ્યું, “આઈ વોન્ટ વોટર….!” તો એણે મને વોડકાની બોટલ હાથમાં આપી ! હું હેરાન હતો કે શું આ લોકો પાસે પાણી જ નહીં હોય ? હું રસોડામાં ગયો અને જાતે જ પાણી પીધું. સખત માથું દુખતું હતું અને લાઉડ મ્યુઝિક એ દુખાવાને વધારતું હતું. હું સોફા પર બેઠો અને એક છોકરીએ મને ટકીલા શોટ પીવડાવ્યો ! મારા મનમાં ઘણા સવાલો હતાં અને મેં મોબાઈલમાં જોયું તો આજે બીજી તારીખ હતી. હું વિચારમાં પડી ગયો, કારણ કે હું બે દિવસથી એ એપાર્ટમેન્ટમાં બંધ હતો. આ પચીસ લોકોમાં ચાર ગુજરાતી હતાં, કારણ કે એ જોર જોરથી ગાળો બોલતાં હતાં અને સાચી વાત છે કે ગાળો તો માતૃભાષામાં જ નીકળે ! ગુજરાતીઓ મોજ મસ્તી કરવા ગોવા પછી બેંગકોક આવે…! હું એ એપાર્ટમેન્ટ માંથી બહાર નીકળ્યો. સામેની બાજુએ કોઈ કેફે નજર આવતું હતું, હું ત્યાં પહોંચ્યો.
કેફેમાં પણ ખૂબ ભીડ હતી એટલે હું અંદર ન ગયો અને રસ્તા પર ચાલવા લાગ્યો. બેંગકોકમાં રાત્રે પણ ખૂબ ભીડ હતી. રસ્તા પર ઘણા બધા યુવાનો ડાન્સ કરતાં હતાં અને મસાજ સેન્ટરની આજુબાજુ લોકોની ભીડ જામેલી હતી ! હું એક જગ્યાએ ઉભો રહ્યો અને એક કેફમાં ગયો અને સિગારેટ લીધી અને મોબાઈલમાં DONE નામનો મેસેજ કર્યો. થોડીવાર બાદ એક કાર આવી અને એમાં હું બેઠો… હું ગુપ્ત અધિકારી એટલે કે સિક્રેટ સર્વિસીસમાં એજન્ટ તરીકે કામ કરતો. મારું કામ ઇન્ટરનેશનલ ડ્રગ્સ સ્મગલિંગને અટકાવવાનું હતું. હું એક વ્યક્તિ પાછળ ભાગી રહ્યો હતો અને મને એના ત્રણેક માણસોએ એક એપાર્ટમેન્ટમાં કેદ કદી લીધો હતો. શાંતિથી હું મારું કામ કરતો અને દેશ પ્રમાણે મારું નામ અને આઈ.ડી બદલતો. હું મારી હોટલ પર પહોંચ્યો અને રૂમમાં જઈને પહેલા નાહવા ગયો અને બાદમાં મારું લેપટોપ ચેક કર્યું. હું જેની પાછળ ભાગી રહ્યો હતો એ ઇન્ડોનેશિયા ભાગી ગયો હતો. એટલે કે મારું નેક્સ્ટ સ્ટોપ ઇન્ડોનેશિયા હતું.
મારી આંખો ખૂબ લાલ હતી એટલે હું સુઈ ગયો અને સુતાના દસ મિનિટ બાદ મારા રૂમની ડોર બેલ વાગી ! હું ફટાફટ ઉભો થયો અને બેગ માંથી મેં મારી ગન કાઢી અને દરવાજો ખોલ્યો તો રૂમ સર્વિસ માંથી એક છોકરી આવી હતી. એ મારા રૂમમાં આવી અને મારી સામે જોવા લાગી ! મેં પૂછ્યું, “વ્હોટ્સ યોર નંબર ?” એ બોલી, ફાઈવ વન ટુ સિક્સ…. એણે મને બાથ ભરી અને બોલી, “હું ખૂબ ડરી ગઈ હતી, તું ક્યાં હતો બે દિવસ ! તારું લોકેશન પણ ડિટેક્ટ નહોતું થતું ! અને ડી.ક્યુ મળ્યો કે નહીં ? મેં કહ્યું, “હું એને જેવો પકડવા ગયો અને એના માણસોએ મને પકડી લીધો અને એક એપાર્ટમેન્ટમાં મને બંધ કરી નાંખ્યો !” એ બોલી, “મેં તને કહ્યું હતું કે ગન અને તારું આઈ.ડી લઈને જા, પણ મારું તો કોણ માને ?” મેં કહ્યું, “સોરી….!” એ બોલી, “અત્યારે સુઈ જા…સવારે અગિયાર વાગ્યે મળીએ ” એ રૂમ માંથી બહાર જતી રહી અને હું સુઈ ગયો. એ છોકરી કોઈ વેઈટર નહોતી, પણ સિક્રેટ એજન્ટ છે ! એનું નામ નિશા છે અને મારી સાથે જ કામ કરે છે અને એ એની ગનને અને મને અનહદ પ્રેમ કરે છે. મારી આંખો ભારે લાગતી હતી અને છેવટે મને ઊંઘ આવી ગઈ !
સવારે હું અને નિશા મારા રૂમમાં બેઠા હતાં, નિશાએ સાડી પહેરી અને મેં શૂટ, કારણ કે હું અને નિશા ઇન્ડોનેશિયામાં હનીમૂનના ટ્રાવેલ પેકેજમાં જવાના હતાં એટલે કોઈને શક ન જાય ! હોટેલના કિચન માંથી હું અને નિશા બહાર નીકળ્યા અને કારમાં એરપોર્ટ સુધી ગયા. એરપોર્ટ પર ચેક ઇન બાદ બોર્ડિંગ કર્યું અને ફ્લાઇટમાં નિશા આરામથી સુઈ ગઈ અને હું લેપટોપ પર ઇન્ડોનેશિયાના ડોન અને ગુંડાઓની માહિતી કાઢવા લાગ્યો,
એક એર હોસ્ટેસને મેં કોફી માટે કહ્યું અને થોડીવાર બાદ એ મારી માટે કોફી લાવી અને જેવી એ મારી બાજુમાં આવી અને હું આશ્ચર્યમાં મુકાયો અને મેં ગન કાઢી. કારણ કે એ એર હોસ્ટેસ એજ હતી જેના દ્વારા હું એપાર્ટમેન્ટની પાર્ટીમાં ગયો હતો ! એ કંઈ બોલે એ પહેલા મેં ગન રિલોડ કરી અને સાઇલેન્સર પણ લગાવ્યું…!

(ક્રમશઃ) પ્રકરણ 2 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 2
લેખક : પ્રદિપ પ્રજાપતિ અને આરતી સિધ્ધપુરા (GujjuRocks Team)

આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.