આગની લપટોમાં સમાયુ હોલિવુડ ! નેચર સામે બેસહારા સુપર પાવર, પ્રાણીઓ સાથે સાથે માણસો પણ બેઘર…તસવીરો-વીડિયોમાં જુઓ ક્યારેય ન જોયો હોય તેવો તબાહીનો મંજર

 

અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસના જંગલોમાં ફેલાયેલી આગ રહેણાંક વિસ્તારોને પણ પોતાની ચપેટમાં લઈ રહી છે. આ આગ હોલિવુડ હિલ્સ સુધી પહોંચી ગઈ છે. આ હિલ્સ પર વિશ્વના ઘણા મોટા પ્રોડક્શન હાઉસના સ્ટુડિયો આવેલા છે. આ જગ્યાએ ઘણા હોલીવુડ સ્ટાર્સ પણ રહે છે. ઘણા હોલીવુડ સ્ટાર્સના બંગલા બળીને ખાખ થઈ ગયા છે.

પેરિસ હિલ્ટન, સ્ટીવન સ્પિલબર્ગ, મૈંડી મૂર, એશ્ટન કુચર સહિત ઘણા હોલીવુડ સ્ટાર્સ આગની ચપેટમાં આવી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ, આગ લાગ્યા બાદ ઘણી સેલિબ્રિટીઓએ પોતાના ઘર ખાલી કરવા પડ્યા હતા. એટલું જ નહીં, બ્રેટનવુડ વિસ્તારમાં સ્થિત ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું ઘર પણ ખાલી કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

મંગળવારથી લાગેલી આગને કારણે 3 દિવસમાં અત્યાર સુધીમાં 28 હજારથી પણ વધુ એકર વિસ્તાર પ્રભાવિત થયો છે. આગને કારણે લગભગ 1900 ઇમારતો સંપૂર્ણપણે બળી ગઈ છે અને 28 હજાર ઘરોને નુકસાન થયું છે. હોલીવુડ હિલ્સ પર અમેરિકન ફિલ્મ ઉદ્યોગની ઓળખ ‘હોલીવુડ બિલબોર્ડ’ બળીને ખાખ થઈ જવાના ભયમાં છે. વાસ્તવમાં LA માં હોલીવુડ નામનું એક સ્થળ છે, જેના નામ પરથી અમેરિકન ફિલ્મ ઉદ્યોગનું નામ હોલીવુડ રાખવામાં આવ્યું છે.

નિષ્ણાતોના મતે, સાંતા એના હવાઓ સામાન્ય રીતે શિયાળામાં ચાલે છે, પરંતુ આ વર્ષે વરસાદના અભાવે આ વિસ્તાર ખૂબ જ સૂકો છે. કેલિફોર્નિયામાં હેલિકોપ્ટર અને વિમાનોથી આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જો કે તેજ હવાઓને કારણે આગ અલગ અલગ સ્થળોએ ફેલાઈ રહી છે. લગભગ 7500 ફાયર ફાઇટર્સ આગ બુઝાવવામાં લાગેલા છે.

અહેવાલ મુજબ, જંગલમાં લાગેલી આગને કારણે અત્યાર સુધીમાં 5થી7 લોકોના મોત થયા છે. 25,000 એકરથી વધુ જમીન બળીને ખાખ થઈ ગઈ છે. 1 લાખથી વધુ લોકોને પોતાના ઘર છોડવા પડ્યા. લાખો લોકોને વીજળી ગુલ થવાનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવનને કારણે આગ ફાયરનાડો એટલે કે આગ અને વાવાઝોડાનું સ્વરૂપ લઈ ચૂકી છે.

જે રીતે હવામાં ટોરનેડોમાં હવાનો ગુબ્બારો બને છે એ રીતે આગની લપટો આસમાન છૂતી જોવા મળી રહી છે, જેને કારણે આ ઘટનાને ફાયરનાડો કહેવામાં આવે છે. આગ લાગ્યા બાદ રાષ્ટ્રપતિ જો બાઇડને ઇટલીનો પ્રવાસ રદ કરી દીધો. આ ઘટના પર ખૂબ રાજકારણ ચાલી રહ્યું છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગને કારણે થયેલા નુકસાન માટે જો બાઇડન પર નિશાન સાધ્યું છે.

તેમણે એક મીડિયા પોસ્ટ પર લખ્યું, “ફાયર હાઇડ્રેંટમાં પાણી નથી, ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (FEMA) પાસે પૈસા નથી.જો બાઇડન મારા માટે આ બધુ છોડીને જઇ રહ્યા છે. આભાર, જો.” જણાવી દઇએ કે, દક્ષિણ કેલિફોર્નિયા રાજ્યના જંગલોમાં લાગેલી ભયાનક આગના અને તબાહીના ઘણા વીડિયો તેમજ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

અમેરિકન રાજ્યની પરિસ્થિતિ જોઈને કેલિફોર્નિયાના ગવર્નરે પહેલાથી જ કટોકટી જાહેર કરી દીધી છે. આ વિકરાળ આગમાં બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી માંડ માંડ બચી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી લખ્યું, મેં આવું પહેલા ક્યારેય જોયું નથી. નોરાએ ઈન્ટાગ્રામ પર એક વીડિયો શેર કયો જેમાં તેણે કહ્યું કે, હું લોસ એન્જલસમાં છું અને જંગલમાં લાગેલી આગ ખૂબ જ ભયાનક છે.

આવું પહેલા ક્યારેય મેં નથી જોયું. પાંચ મિનિટ પહેલા જ ત્યાંથી જતા રહેવાનો આદેશ મળ્યો, એટલે હું ફટાફટ સામાન પેક કરી અહીંથી નીકળી રહી છું. હું એરપોર્ટ પાસે જઈશ અને ત્યાં જ રહીશ. આજે મારી એક ફ્લાઈટ છે અને મને આશા છે કે, તે કેન્સલ નહીં થાય. આ ઉપરાંત તેણે આગળ એવું પણ લખ્યુ કે મને આશા છે કે, હું સમયસર બહાર નીકળી શકીશ અને મને વિશ્વાસ છે કે, લોસ એન્જલસના લોકો સુરક્ષિત રહે.

Shah Jina