થિયેટરમાં આવેલી “કચ્છ એક્સપ્રેસ” ફિલ્મ એક વાર્તા નહિ એક સ્ત્રીની સંવેદના છે, જે આજે મોટાભાગની સ્ત્રીના હૈયામાં ઘરોબાયેલી છે, જુઓ ફિલ્મ શા કારણે જોવી ?

શું છે એવું ખાસ “કચ્છ એક્સપ્રેસ” ફિલ્મમાં ? જેને પણ જોઈ એના મોઢે ફિલ્મના વખાણ સિવાય કોઈ વાત નથી.. જુઓ ફિલ્મનો સચોટ રીવ્યુ…

ગુજરાતી સિનેમાનો સુવર્ણયુગ હવે શરૂ થઇ ગયો છે. આજના સમયમાં ઘણી બધી એવી ફિલ્મો આવી રહી છે જે ઇતિહાસ સર્જવા જઈ રહી છે. ઘણી ફિલ્મોની વાર્તા એટલી જબરદસ્ત હોય છે કે દર્શકોને આ ફિલ્મ જોવાની મજા ખુબ જ આવતી હોય છે. તાજેતરમાં જ એક એવી જ ફિલ્મ પડદા પર રજૂ થઇ છે જેનું નામ છે “કચ્છ એક્સપ્રેસ”.

આ ફિલ્મનું નામ એવું લાગે જાણે કે કોઈ ટ્રેનનું નામ હોય. પરંતુ આ ફિલ્મમાં જે કહાની રજૂ કરવામાં આવી છે તે કહાની માટે ફિલ્મ પૂરતી જ સીમિત નથી. આજના સમયમાં મોટાભાગના ઘરમાં જોવા મળતી એક રિયલ કહાની સમાન છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસના સુવર્ણ પાનાં પર આ ફિલ્મનું નામ પણ ઝાંઝરમાં થતું જોવા મળશે.

ફિલ્મ આવી છે મૂળ લેખક રાહુલ મલ્લિકની કલમમાંથી. જેમાં એવૉર્ડ વિનિંગ લેખક રામ મોરીએ પોતાના ડાયલોગો ઉમેરીને ફિલ્મની કહાનીના આકાશમાં તારલા મઢવાનુ કામ કર્યું છે. આ ઉપરાંત કરન ભાનુશાલીએ પણ આ ફિલ્મની અંદર સ્ક્રીન પ્લે અને એડિશનલ ડાયલોગ આપ્યા છે અને આ ફિલ્મને વધુ જીવંત બનાવી છે.

ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે વિરલ શાહે અને પ્રોડક્શન બોલીવુડના લોકપ્રિય ગાયક અને ગુજરાતના વતની એવા પાર્થિવ ગોહિલે કર્યું છે. આ આખી ફિલ્મ સૉઉલ સૂત્રના બેનર  બનીને તૈયાર થઇ છે. જે બેનર હેઠળ અગાઉ સુપરહિટ ફિલ્મ “ગોળકેરી” પણ બનાવવામાં આવી હતી. જેમાં અભિનેતા મલ્હાર ઠાકર અને માનસી પારેખે કામ કર્યું હતું.

ફિલ્મના કલાકારોની જો વાત કરવામાં આવે તો ફિલ્મની મુખ્ય ભૂમિકામાં અભિનેત્રી માનસી પારેખ, બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી રત્ના પાઠક ઉપરાંત ધર્મેન્દ્ર ગોહિલ, બૉલીવુડ અભિનેતા દર્શિલ સફારી, અભિનેત્રી રિવા રાચ્છ, વિરાફ પટેલ, હિના વરદે ઉપરાંત બીજા ઘણા કલાકરોએ સુંદર કામગીરી કરી છે.

વાત કરીએ ફિલ્મની વાર્તા તો આપણા સમાજમાં મોટાભાગના ઘરોમાં લગ્નેત્તર સંબંધોના કિસ્સાઓ જોવા મળતા હોય છે. આ ફિલ્મમાં પણ એવી જ કંઈક વાત છે. આમ તો આ વિષય પર પણ ઘણી બોલીવુડની ફિલ્મો તમે જોઈ હશે. પરંતુ આ ફિલ્મમાં આ વિષયને કંઈક જુદી રીતે લેવામાં આવ્યો છે અને તેમાં પણ જે પોતે જ રળિયામણો છે એવા કચ્છમાં આ ફિલ્મની વાર્તા ઘડાઈ એ પોતાનામાં જ એક મોટી સુંદરતા છે.

ફિલ્મમાં સાસુ વહુનું સરસ બોન્ડિંગ જોવા મળ્યું. જ્યાં પતિને પોતાના લગ્ન જીવનમાં રસ નથી અને તે બહાર કોઈ સાથે લફરું કરી બેસે છે છતાં આજના જમાનામાં જ્યાં સ્ત્રીઓ છૂટાછેડા અને ભરણપોષણના દાવા માંડતી હોય છે ત્યાં પત્ની પોતાના પતિને પાછો કઈ રીતે વાળી શકાય તેના પૂરતા પ્રયત્નો કરતી હોય છે. દીકરો અને સાસુ સાથે આખા ગામની સ્ત્રીઓ તેના સાથમાં ઉભી જોવા મળે છે.

ફિલ્મમાં એક પછી એક જે ટ્વિસ્ટ આપવામાં આવ્યા છે તે ખરેખર લાજવાબ છે. ટ્રેલર જોઈને ઘણા લોકોએ ફિલ્મની ધારણાઓ બાંધી લીધી હશે અને કહાનીને પણ નક્કી કરી લીધી હશે. પરંતુ જયારે તમે પડદાની સામે બેસસો ત્યારે આખી વાર્તા જ પલટાઈ જશે, અને ફિલ્મને એક એવા અદભુત સ્ટેજ પર લઇ જવામાં આવી છે, જે કદાચ તમે કોપી ઉત્તમ પ્રકારની ફિલ્મોમાં જ જોયું હશે.

ફિલ્મમાં અભિનયની જો વાત કરીએ તો મુખ્ય અભિનેત્રીઓમાં માનસી પારેખ અને રત્ના પાઠક ફિલ્મનો સાચો પ્રાણ છે. ફિલ્મમાં વહુ મોંઘીના પાત્રમાં માનસી પારેખ જોવા મળે છે. તો સાસુ એવા બાઇજીના પાત્રમાં રત્ના પાઠક છે. પતિનો રોલ ધર્મેન્દ્ર ગોહિલે નિભાવ્યો છે. જ્યાં છોકરાના પાત્રમાં દર્શિલ સફારી જોવા મળે છે.

આ ફિલ્મમાં તમામ કલાકારોનો અભિનય ખુબ જ પ્રભાવ પાડનારો છે. તમામ કલાકરોએ ફિલ્મમાં પોતાના 100% આપેલા જોઈ જ શકાય છે. બૉલીવુડ અભિનેત્રી રત્ના પાઠકનો અભિનય ફિલ્મમાં એવો છે કે દર્શકો પણ એક ક્ષણ માટે જો તેમની પડદા પાર ગેરહાજરી વર્તાય તો આતુર બની જાય છે કે બાઇજી પાછા ક્યારે આવશે ? માનસી પારેખ, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શિલ સફારી, રિવા રાચ્છ અને વિરાજ પટેલના અભિનયને પણ સલામ કરવાનું મન થાય. આ ઉપરાંત ફિલ્મની સિસોટી મંડળી પણ જબરદસ્ત.

ફિલ્મના સવાંદો અને ડાયલોગ હસવાની સાથે હૈયામાં એક ચોટ પણ પહોચાવે તેવા છે. બાઇજી અને મોંઘીના મોઢે બોલાતા ડાયલોગ ખરેખર લાજવાબ છે. “મળે નહીં તો માંગીને સુખ તો લઇ જ લેવું”, “ચપટી મારીને ગાયનું ઘણ હાલતું થાય, ઘણી નહીં !” જેવા ડાયલોગો પર તાળી પાડવાનું મન ચોક્કસ થઇ જાય અને ફિલ્મનો એક મુખ્ય ડાયલગો, “ડુંડી એવા ઘઉં અને સાસુ એવી વહુ” પણ એટલો જ અસરદાર રહ્યો.

સંપૂર્ણ રીતે આ ફિલ્મ ખુબ જ દમદાર ફિલ્મ છે. આ ફિલ્મ વિશે અભિનેત્રી માનસી પારેખે જ કહ્યું હતું, “જયારે ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે બધા કહેતા હતા કે આટલી સુંદર વાર્તા છે તો હિન્દીમાં કેમ નથી. તો તેમને કહ્યું હતું કે ફિલ્મની જે મજા માતૃભાષામાં આવે છે તે બીજા કશામાં નથી.” તો તમે પણ આ ફિલ્મને મિસ કર્યા વગર અચૂક જોજો. ગુજ્જુરોક્સ દ્વારા આ ફિલ્મને 5માંથી 4.5 સ્ટાર આપવામાં આવે છે.

“કચ્છ એક્સપ્રેસ”નું ગુરુવારના રોજ મુંબઈ ખાતે પ્રીમિયર યોજવામાં આવ્યું હતું. જેમાં બૉલીવુડના ઘણા બધા અભિનેતાઓ પણ હાજરી આપી હતી અને ફિલ્મના ભરપૂર વખાણ કર્યા હતા. તો શુક્રવારની રાત્રે પણ અમદાવાદમાં આ ફિલ્મનું ભવ્ય પ્રીમિયર યોજાયું જેમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Niraj Patel