ભીષણ વરસાદ, પહાડ ધસી ગયા, 10થી વધુના મોત- 100થી વધારે લોકો કાટમાળમાં ફસાયા

ભીષણ વરસાદ, પહાડ ધસી ગયા12ના મોત, સેંકડો ફસાયા, સેનાએ મોરચો સંભાળ્યો…ચારે બાજુ ભૂસ્ખલનથી તબાહી જ તબાહી, જુઓ ફોટાઓ

કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના સામે આવી છે, જેના કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 12 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જેમાં 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. એનડીઆરએફ અને એરફોર્સની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

આ દુર્ઘટના આજે એટલે કે 30 જુલાઈના રોજ વહેલી સવારે વાયનાડ જિલ્લાના મેપ્પડી, મુંડક્કઈ ટાઉન અને ચુરલ માલામાં થઈ હતી. બે હેલ્પલાઇન નંબર 8086010833 અને 9656938689 જારી કરવામાં આવ્યા છે. જેમાં વૈથીરી, કલપટ્ટા, મેપ્પડી અને મનનથાવડી હોસ્પિટલ સહિત તમામ હોસ્પિટલોમાં સારવાર થઈ શકે છે. લેંડસ્લાઇડની ચપેટમાં આવેલ લગભગ 50 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રથમ ભૂસ્ખલનની ઘટના મુંડક્કઈ ટાઉનમાં ભારે વરસાદ દરમિયાન રાત્રે લગભગ 1 વાગ્યે બની હતી. મુંડક્કઈમાં હજુ પણ બચાવ કામગીરી ચાલુ હતી જ્યારે સવારે 4 વાગ્યે ચુરલ માલામાં એક શાળા નજીક બીજી ભૂસ્ખલનની ઘટના બની. એક શિવિરના રૂપમાં ચાલી રહેલ સ્કૂલ અને આસપાસના મકાનો તેમજ દુકાનો ભૂસ્ખલનના કારણે પાણી અને કાદવમાં ભરાઇ ગયા.

હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એનડીઆરએફ અને એરફોર્સની ટીમ બચાવ કામગીરી કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક લોકોનું કહેવું છે કે કાટમાળ નીચે 100થી વધુ લોકો દટાયા હોવાની શક્યતા છે. અધિકારીઓનું કહેવું છે કે સતત ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. વાયુસેનાના બે હેલીકોપ્ટર એમઆઇ-17 અને એક એએલએચ રેસ્ક્યુ માટે લગાવવામાં આવ્યા છે, પણ ભારે વરસાદને કારણે તે ઉડાન નથી ભરી શકતા.

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્વીટ કર્યું કે વાયનાડમાં ગઈકાલ રાતથી અનેક ભૂસ્ખલન વિશે સાંભળીને દુઃખ થયુ. હું રાજ્ય સરકારને પીડિત પરિવારોને વહેલી તકે રાહત આપવાની અપીલ કરું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે વાયનાડના કેટલાક ભાગોમાં ભૂસ્ખલનથી વ્યથિત છું. મારી સંવેેદનાઓ એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને ઘાયલો માટે પ્રાર્થના. હાલમાં તમામ અસરગ્રસ્તોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે.

Shah Jina