ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નાનાથી માંડી મોટેરાઓ સુધી હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ-4માં અભ્યાસ કરતા બાળકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું કહેવાઇ રહ્યું છે. આજકાલ ઘણા કિસ્સાઓ એવા સામે આવે છે જેમાં જીમમાં વર્કઆઉટ કરતી વખતે કાં તો ડાન્સ કરતી વખતે પણ યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યા છે.
ત્યારે રાજકોટમાં હાર્ટ એટેકના કારણે ધોરણ 4માં અભ્યાસ કરતો બાળક મૃત્યુ પામ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં રહેતો અને ધોરણ 4માં અભ્યાસ કરતો પૂર્વાંગ નેમિશભાઇ ધામેચા બે દિવસથી બીમાર હતો.પહેલા ઝાડા-ઉલટીના કારણે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો અને આ પછી તે સોમવારે ઘરે જમવા બેઠો હતો તે દરમિયાન તેને ઉલટી આવતાં બેભાન થઇ ઢળી પડ્યા બાદ પરિવાર તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઇ ગયો.
જો કે, હોસ્પિટલમાં પૂર્વાંગને સારવાર મળે એ પહેલા જ તેનું મોત થઇ ગયુ. બાળકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું તબીબોએ અભિપ્રાય આપ્યો છે. જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી મળી શકશે.