કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં મહિલાએ કરી આવી હરકત : પંડિતે કરાવી પૂજા, વીડિયો સામે આવવા પર કેસ દાખલ

આસ્થા સાથે ખિલવાડ : કેદારનાથના ગર્ભગૃહમાં મહિલાએ કરી આવી હરકત, વીડિયો વાયરલ થયા બાદ તપાસના આદેશ.. જુઓ

કેદારનાથ ધામ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અહીં બનતી ઘટનાઓના કિસ્સાઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા કેદારનાથ મંદિરની અંદર ગર્ભગૃહમાં સોનાના પડની જગ્યાએ તાંબુ લગાવવાનો મામલો સામે આવ્યો હતો, જ્યારે કેદારનાથ યાત્રાના પગપાળા માર્ગ પર ઘોડા-ખચ્ચર માલિકોએ શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યા બાદ હવે એક નવો કિસ્સો સામે આવ્યો છે.

અગિયારમા જ્યોતિર્લિંગ ભગવાન કેદારનાથના ગર્ભગૃહમાં એક મહિલા દ્વારા નોટો ઉડાડવાના મામલાએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર એક મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બાબા કેદારનાથના સ્વયંભૂ લિંગ પર નોટો ઉડાવી રહી છે. આ વીડિયો એક સપ્તાહ જૂનો હોવાનું કહેવાય છે, જે બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે મહિલા ગર્ભગૃહમાં પૈસા ઉડાવી રહી છે, ત્યારે કેટલાક તીર્થ પુરોહિત તેની સાથે છે, જે મહિલાને આવું કૃત્ય કરવાથી રોકી રહ્યા નથી.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે મહિલાએ આવું કૃત્ય કર્યું ત્યારે બદરી-કેદાર મંદિર સમિતિના કર્મચારીઓ પણ મંદિરની અંદર હાજર હતા. તેમણે મહિલાને આમ કરવાથી પણ રોકી ન હતી. આ વીડિયોમાં જોઈને નવાઈ લાગે છે કે મહિલા પાસે ઉભેલા યાત્રીઓ મંત્રોચ્ચાર કરી રહ્યા છે, જ્યારે મહિલાને નોટ ઉડાડતી રોકવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યા નથી. ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામમાંથી આ વીડિયો વાયરલ થયા બાદ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના અધ્યક્ષે તપાસનો આદેશ આપ્યો છે અને અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે.

મહિલા વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસ તપાસમાં લાગેલી છે. આ ઘટના પછી તરત જ શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે એક પત્ર જારી કરીને કહ્યું હતું કે તેમણે આ અંગે અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે અને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના પણ આપી છે.

Shah Jina