કોણ છે અંગક્રિશ રઘુવંશી ? 18 વર્ષનો આ છોકરો IPL 2024માં મચાવી રહ્યો છે તબાહી, રચ્યો ઇતિહાસ

કોલકાતા નાઈટ રાઈડર્સે બુધવારે એટલે કે 3 એપ્રિલે દિલ્હી કેપિટલ્સને 106 રનથી હરાવીને IPL 2024માં જીતની હેટ્રિક નોંધાવી. આ જીત સાથે KKR ટીમ ફરી એકવાર IPL 2024 પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. KKRની આ જીતના ઘણા હીરો હતા, પરંતુ આ દરમિયાન 18 વર્ષના યુવા ખેલાડી અંગક્રિશ રઘુવંશીએ બધાનું દિલ જીતી લીધું. આ યુવા ખેલાડીએ તબાહી મચાવી દીધી. પોતાની ડેબ્યૂ ઇનિંગમાં તેણે 27 બોલમાં 5 ફોર અને 3 ગગનચુંબી સિક્સરની મદદથી 54 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

આ સાથે તે IPLની ડેબ્યૂ ઇનિંગમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો. તેના પરફોર્મન્સને જોયા બાદ ચાહકો જાણવા માંગે છે કે અંગક્રિશ રઘુવંશી છે કોણ ? જમણા હાથના બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીએ અંડર-19 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. તે ટૂર્નામેન્ટમાં તે ભારત માટે ટોપ સ્કોરર હતો. તેના યોગદાનને કારણે ટીમ યશ ઢુલના નેતૃત્વમાં ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી.

ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં શૂન્ય પર આઉટ થવા છતાં રઘુવંશી છ ઇનિંગ્સમાં 278 રન સાથે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોપ-4માં રહ્યો હતો. 5 જૂન 2005ના રોજ દિલ્હીમાં જન્મેલો અંગક્રિશ રઘુવંશી 11 વર્ષની ઉંમરે મુંબઈ ગયો અને તેણે અભિષેક નાયર તેમજ ઓંકાર સાલ્વીના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ તાલીમ શરૂ કરી. થોડા સમય પછી તેણે કાયમ માટે મુંબઈ શિફ્ટ થવાનું નક્કી કર્યું.

રઘુવંશીએ 2023માં મુંબઈ માટે લિસ્ટ A અને T20 ડેબ્યૂ કર્યું હતું અને સીકે ​​નાયડુ ટ્રોફીમાં તે અત્યંત પ્રભાવશાળી હતો, તેણે માત્ર 9 મેચમાં 765 રન બનાવ્યા હતા. જણાવી દઇએ કે, IPLમાં તેને KKR દ્વારા 2024ની હરાજીમાં 20 લાખની મૂળ કિંમતે લેવામાં આવ્યો હતો અને તેના બાળપણના કોચ અભિષેક નાયર ટીમના સપોર્ટ સ્ટાફનો ભાગ છે. અંગક્રિશ રઘુવંશીએ આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે મેચમાં તેને બેટિંગ કરવાની તક મળી ન હતી.

Shah Jina