સાબરકાંઠાના વડાલીના વેડા ગામેથી હાલમાં દર્દનાક ઘટના સામે આવી હતી, વણઝારા પરિવારના ઘરે આવેલ પાર્સલ ખોલતાંની સાથે જ બ્લાસ્ટ થયો અને આ દુર્ઘટનામાં પિતા-પુત્રીનું મોત નીપજ્યું જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા. બ્લાસ્ટની જાણ થતાં જ વડાલી પોલીસ અને ઈડર ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ત્યારે આ ઘટનાને પ્રેમ પ્રકરણને કારણે અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકની પ્રેમિકાના પતિએ બ્લાસ્ટ કરાવ્યો હતો.
હાલ તો પોલીસે આરોપી જયંતી વણઝારાની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ગાંધીનગર રેન્જ આઇજીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, આ મામલો પ્રેમ પ્રકરણને લઈને શરૂ થયો હતો, 15 દિવસથી આરોપી જયંતી બોમ્બ બ્લાસ્ટનું પ્લાનિંગ કરી રહ્યો હતો. તેણે અલગ અલગ રીતે માઇન્સમાં થતાં બ્લાસ્ટ વિશે જાણકારી પણ મેળવી હતી અને પછી પ્લાન બનાવ્યો હતો.
આરોપી જેને રસ્તામાંથી હટાવવા માંગતો હતો તે વ્યક્તિ શારીરિક સશક્ત હતો અને તે પોતે તેને મારી શકતો ન હતો એટલે તેણે આ પ્લાન બનાવ્યો. પૂછપરછમાં આરોપી જયંતી વણઝારાએ જણાવ્યું કે, તેની પત્ની અને મૃતક જીતુ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં પણ હતા.
આ તેને પસંદ નહોતુ એટલે તેણે જીતુ વણઝારાને મારવા માટે બ્લાસ્ટમાં વપરાતી જીલેટિન સ્ટીક અને ડિટોનેટરનો ઉપયોગ કરી રેડિયો જેવા ડિવાઈસમાં જીલેટિન સ્ટીક પ્લેસ કરી અને તેમાંથી વાયર બહાર કાઢ્યો. આ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં આરોપી રાજસ્થાનના વેપારી પાસેથી જીલેટિન સ્ટીક અને ડિટોનેટર લાવ્યો હોવાનું સામે આવ્યુ છે.
આ ઉપરાંત એવું પણ સામે આવ્યુ છે કે જેની પાસેથી ડિટોનેટર અને જીલેટિન સ્ટીક લીધી હતી તેની પાસેથી સામાન્ય નોલેજ પણ મેળવ્યું હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર વણઝારા જિતેન્દ્રભાઈના નામે આવેલ પાર્સલ ખોલતા જ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા જ્યારે બેની હાલત ગંભીર છે.