UPSCની પરીક્ષામાં પહેલા પ્રયાસમાં આ દીકરીથી થઇ ગઈ એક ભૂલ પરંતુ પછી બીજીવાર એ ભૂલ સુધારી અને મહેનત કરી આપી પરીક્ષા, પરિવારનું નામ કર્યું રોશન

UPSC પરીક્ષાના ત્રણેય તબક્કા પાસ કરનાર ઉમેદવારોને IAS, IPS, IRS, IFS અધિકારી બનવાની તક મળે છે. પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને તેમના ક્રમ અને પસંદગીના આધારે પોસ્ટ આપવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરવી એ ઘણા યુવાનોનું સપનું હોય છે, અને ઘણા લોકો આ પરીક્ષા પાસ કરવા માટે દિવસ રાત તનતોડ મહેનત પણ કરતા હોય છે જેમાંથી ઘણા ઓછા લોકોના આ સપના પુરા થતા હોય છે.

ત્યારે ઘણા લોકો એવા પણ હોય છે જે હાર નથી માનતા અને નાપાસ થયા પછી તનતોડ મહેનત કરે છે, જેમની કહાની ખુબ જ પ્રેરણાદાયી પણ હોય છે. એવી જ એક કહાની છે દિલ્હીની રહેવાસી કનિષ્ક સિંહની. જેણે તેના બીજા પ્રયાસમાં એટલે કે વર્ષ 2018માં UPSC પરીક્ષા પાસ કરી હતી.

કનિષ્ક સિંહ હવે રશિયાના મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં કામ કરે છે. કનિષ્ક સિંહ મૂળ દિલ્હીની છે અને તેણે લેડી શ્રી રામ કોલેજમાંથી મનોવિજ્ઞાનની ડિગ્રી મેળવી છે. તેણીએ 2017માં પ્રથમ વખત યુપીએસસીની પરીક્ષા આપી હતી પરંતુ તે સફળ થઈ ન હતી. પરંતુ તેનાથી તે નિરાશ ના થઇ.

તેણે વર્ષ 2018માં UPSC પરીક્ષામાં બીજો પ્રયાસ કર્યો હતો અને એ વખતે તે સફળ રહી હતી. કનિષ્ક તેના પ્રથમ પ્રયાસમાં કરેલી ઘણી ભૂલોમાંથી શીખી કે આગળનો અભ્યાસ કેવી રીતે કરવો અને શું ધ્યાન કેન્દ્રિત કરવું. કનિષ્ક સિંહ 2017માં પ્રિલિમ પણ ક્લિયર કરી શકી નહોતી. તે કહે છે કે પરીક્ષા માટે તેની તૈયારી સારી ન હતી અને ઘણી બધી મોક ટેસ્ટ ન આપવી તેને મોંઘી પડી.

તેણે તેની ભૂલો નોંધી અને ફરીથી પરીક્ષાની તૈયારી કરી. ઉમેદવારોને તેમની સલાહ મોક ટેસ્ટમાં તેમની ભૂલો પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે. આનાથી સફળ થવાની શક્યતા વધી જાય છે. કનિષ્ક સિંહે ઘણા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે UPSC મેઈન પરીક્ષા માટે લેખન ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રેક્ટિસ ચાલુ રાખો અને એક સમયે એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરો.

તે જણાવે છે કે ઉમેદવારોએ તેમની ક્ષમતા અનુસાર UPSC પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. જવાબ નિયમિતપણે સુધારીને લખવો મહત્વપૂર્ણ છે. તેમજ ટાઈમ મેનેજમેન્ટ પણ સારી રીતે કરવું જોઈએ. કનિષ્કે IAS ઓફિસર અનમોલ સાગર સાથે લગ્ન કર્યા છે.

Niraj Patel