ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા, જુઓ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ શું કહ્યું?
ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આગામી શ્રીલંકા વિરૂદ્ધ ટી20 સીરીઝમાં ટીમ ઇન્ડિયાની કપ્તાની કરતો જોવા મળશે. પંડ્યાને હાલમાં જ BCCIએ ટી20 ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની ટી20 અને એટલા જ મેચની વન ડે સીરીઝ રમવામાં આવશે. આ સીરીઝની શરૂઆત 3 જાન્યુઆરી 2023ના રોજ થવાની છે. આ સાથે બીસીસીઆઈએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે તે ભવિષ્ય તરફ જોઈ રહી છે અને પંડ્યા તે ભવિષ્યનું નેતૃત્વ કરી રહ્યા છે.
પંડ્યા તાજેતરમાં જ દેશના ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. હાર્દિક પંડ્યા તેના ભાઈ કૃણાલ પંડ્યા સાથે અમિત શાહને મળ્યો હતો. પંડ્યાએ પોતાના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર અમિત શાહ સાથેની મુલાકાતનો ફોટો પોસ્ટ કર્યો છે. પંડ્યાએ ફોટો શેર કરી લખ્યું કે, “અમને આમંત્રણ આપવા અને અમારા માટે સમય કાઢવા બદલ હું ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનું છું. તમને મળવું એ સૌભાગ્યની વાત છે.” 29 વર્ષીય હાર્દિક પંડ્યા માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. તેણે તેની કપ્તાની હેઠળ ડેબ્યૂ સિઝનમાં ગુજરાત ટાઇટન્સને IPL ચેમ્પિયન બનાવ્યું.
તેને વર્ષ 2022માં ત્રીજી વખત ટીમની કેપ્ટનશીપ આપવામાં આવી છે. IPLની 15મી સીઝનમાં હાર્દિકે બોલ અને બેટથી ધમાલ મચાવી હતી. તેણે 4 અડધી સદી સાથે કુલ 487 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ આ વર્ષે જૂનમાં પહેલીવાર ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું હતું. તેણે જૂનમાં આયર્લેન્ડ પ્રવાસ પર ટી20 ટીમની કમાન સંભાળી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ હાલમાં જ તેના નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો. તેની કપ્તાની હેઠળ, હાર્દિકે આયર્લેન્ડ અને ન્યુઝીલેન્ડના બંને પ્રવાસો પર ટી20 શ્રેણીમાં ટીમને જીત અપાવી હતી.
શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આયર્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ બાદ હવે તે શ્રીલંકા સામે ભારતીય ટી20 ટીમની કમાન સંભાળશે. આ સિવાય તે ODI ટીમમાં પણ પરત ફર્યો છે અને તેને વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા બાદ હાર્દિકને ભારતની ODI અને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જણાવી દઇએ કે, હાલમાં જ કેટલાક દિવસ પહેલા હાર્દિકે KGF ફિલ્મ અભિનેતા યશ સાથે તસવીરો શેર કરી હતી,
તેમાં પણ ક્રુણાલ પંડ્યા જોવા મળ્યો હતો. હાર્દિક તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું- “KGF-3.” કૃણાલ પંડ્યાના વાત કરીએ તો તે પણ ભારત તરફથી રમી ચૂક્યો છે. જો કે, તે દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. ક્રુણાલે ભારત માટે તેની છેલ્લી ODI 20 જુલાઈ 2021 ના રોજ શ્રીલંકા સામે રમી હતી. ત્યાં, 25 જુલાઈ 2021 ના રોજ શ્રીલંકા સામે ટી-20 મેચ પણ રમાઈ હતી.