ઋષભ પંત શું નશામાં ચલાવી રહ્યો હતો કાર ? કેટલી હતી સ્પીડ ? ઉત્તરાખંડ પોલીસે જણાવ્યું બધું જ
નવા વર્ષની શરૂઆત પહેલા જ દેશવાસીઓ માટે કેટલાક સમાચાર સામે આવ્યા. જેમાં પીએમ મોદીની માતા હીરાબાના નિધન ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી ઋષભ પંતને અકસ્માત નડ્યો હતો. ઋષભ તેના ઘરે જવા માટે નીકળ્યો હતો ત્યારે વહેલી સવારે જ તેની કાર તેના ગામથી નજીક પલટી ખાઈ ગઈ હતી અને પછી કારમાં ભયાનક આગ પણ લાગી ગઈ હતી. જેમાં ઋષભ માંડ માંડ પોતાનો જીવ બચાવીને બહાર નીકળ્યો.
હાલ ઋષભની સારવાર ચાલી રહી છે અને આ સાથે જ અકસ્માતને લઈને ઘણી બધી બાબતો પણ સામે આવી રહી છે. આ બાબતે ઘણા લોકો આ દુર્ઘટના ઓવરસ્પીડિંગના કારણે થઇ હોવાનું માની રહ્યા છે તો ઘણા લોકો ઋષભ નશામાં હોવાનું પણ જણાવી રહ્યા છે. તો ઋષભે ઝોકું આવી જવાના કારણે અકસ્માત થયો હોવાની વાત પણ પોલીસને જણાવી હતી, ત્યારે હવે આ મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે અને પોલીસ દ્વારા જ આ અકસ્માતનું સાચું કારણ પણ જણાવવામાં આવ્યું છે.
હરિદ્વારના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) અજય સિંહને પૂછવામાં આવ્યું કે શું ઋષભ પંત વધુ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. તો આનો જવાબ આપતા તેમણે મીડિયાને કહ્યું,”અમે ઉત્તર પ્રદેશ બોર્ડરથી નરસનમાં અકસ્માત સ્થળ સુધી 8થી10 સ્પીડ કેમેરા તપાસ્યા છે. તેની કાર તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 80 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટને ઓળંગી ન હતી. સીસીટીવી ફૂટેજમાં કાર ઝડપભેર દેખાઈ રહી છે કારણ કે તે ડિવાઈડર સાથે અથડાયા બાદ હવામાં ઉછળી ગઈ હતી. અમારી ટેકનિકલ ટીમે પણ અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તે ઓવરસ્પીડ કરી રહ્યો હોય તેવું અમને એવું કંઈ મળ્યું નથી.”
તેમને એમ પણ પૂછવામાં આવ્યું કે શું તે નશાની હાલતમાં કાર ચલાવતો હતો ? તો તેના જવાબમાં તેમને કહ્યું કે, “જો તે દારૂના નશામાં હોત તો તે દિલ્હીથી 200 કિમી કેવી રીતે ચલાવી શક્યો હોત અને આટલા લાંબા અંતર સુધી કોઈ અકસ્માત ન થયો હતો?” રૂડકી હોસ્પિટલમાં તેને પ્રાથમિક સારવાર આપનાર ડોક્ટરે પણ જણાવ્યું કે તે સંપૂર્ણપણે નોર્મલ છે. તેથી તે પોતાની જાતને કારમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં સફળ રહ્યો હતો. નશામાં ધૂત વ્યક્તિ કારમાંથી બહાર નીકળી શકતી નથી.