ફટાકડાની ફેકટરીમાં થયો ભીષણ વિસ્ફોટ, 7 લોકોના થયા મોત, 100થી વધુ ઘાયલ, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેકટરીમાં અચાનક ભભૂકી ઉઠી આગ, એક પછી એક થવા લાગ્યા વિસ્ફોટ, આસપાસના મકાનો પણ આવ્યા ચપેટમાં, રસ્તા પર પથરાઈ લાશો.. જુઓ

Harda Firecracker Factory Blast  : મધ્યપ્રદેશના હરદામાં મગરદા રોડ પર બૈરાગઢ રેહતા નામની જગ્યાએ આવેલી ફટાકડાની ફેક્ટરીમાં મંગળવારે સવારે આગ ફાટી નીકળી હતી. આ પછી ભયાનક વિસ્ફોટ થવા લાગ્યા. બ્લાસ્ટ એટલા જોરદાર હતા કે આસપાસની ઈમારતો પણ હચમચી ગઈ. કેટલીક ઇમારતો ધરાશાયી થવાના અહેવાલ છે. આગ આસપાસના મકાનોને પણ લપેટમાં લીધી હતી. આ ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ આંકડો હજુ વધી શકે છે.

7ના મોત, 100થી વધુ ઘાયલ :

આ ઉપરાંત 100 જેટલા લોકો ઘાયલ છે. કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હરદા બ્લાસ્ટને લઈને મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ ઉપરાંત મંત્રી ઉદય પ્રતાપ સિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓને હરદા જવા માટે સૂચના આપવામાં આવી છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ વહીવટી અને પોલીસ અધિકારીઓએ ચાર્જ સંભાળી લીધો હતો. ફાયર બ્રિગેડ પણ આગ ઓલવવા માટે પહોંચી હતી.

30 કામદારો કરી રહ્યા હતા કામ :

બ્લાસ્ટનો સિલસિલો અટકી રહ્યો નથી, જેના કારણે રાહત અને બચાવ કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. આગ લાગી તે સમયે ફેક્ટરીમાં 30 થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા. એવી પણ આશંકા છે કે ઘાયલ અને મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ હોઈ શકે છે. પ્રાથમિક માહિતી મુજબ આ ફટાકડાની ફેક્ટરી રાજુ અગ્રવાલની છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકના મકાનો ધરાશાયી થઈ ગયા.

રસ્તાના કિનારે પડેલા મૃતદેહો :

અકસ્માત બાદ વાહનો ઉછળીને નજીકના રોડ પર પડ્યા હતા. કેટલાક લોકો રસ્તામાં જ મૃત્યુ પામ્યા. તેમના મૃતદેહો રસ્તાના કિનારે પડેલા છે. હરદાના કલેક્ટર ઋષિ ગર્ગે મૃત્યુની પુષ્ટિ કરી નથી. તેમણે કહ્યું કે 20 થી 25 લોકો ઘાયલ થયા છે. કેટલાકની હાલત નાજુક છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે. અમારું ધ્યાન બચાવ અને રાહત કામગીરી પર છે.

મકાનો ખાલી કરાવાયા :

ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ આસપાસના 60થી વધુ ઘરોમાં આગ લાગી હતી. ફેક્ટરીની આસપાસ રસ્તા પર કેટલાક મૃતદેહો પડેલા જોવા મળ્યા હતા. 25થી વધુ ઘાયલોને હરદા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પ્રશાસને 100થી વધુ મકાનો ખાલી કરાવ્યા છે. વિસ્ફોટની અસરને કારણે નજીકના રોડ પર ચાલતા વાહનો પણ થોડે દૂર સુધી પટકાયા હતા. વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. ફેક્ટરીમાંથી નીકળતી જ્વાળાઓ અને ધુમાડા દૂરથી જોઈ શકાય છે.

Niraj Patel